Saturday, August 22, 2009

એ ઘડી વીતી ગઈ – અવંતિકા ગુણવંત

દેવશ્રી રુચિરને રોજ મળતી ને એક પત્ર આપતી. પાંચસાત લીટીમાં એ કાગળ પૂરો થઈ જતો. ક્યારેક તો એકાદ બે લીટીમાં જ – પણ એ થોડા જ શબ્દોમાં દેવશ્રી એનું હૈયું ઠાલવી દેતી. એ કાગળ વાંચીને રુચિરનો ચહેરો પુલકિત થઈ ઊઠતો. હસી ઊઠતો. દેવશ્રી અધીરી થઈ ઊઠતી કે રુચિર હવે કંઈક બોલશે, પણ રુચિર કંઈક બોલતો નહીં. દેવશ્રીના મનમાં પ્રશ્ન અટવાયા કરતો કે ‘રુચિર મને કહે, તું કેમ આટલો ખુશ થઈ ગયો ? મારા કાગળથી તારા હૈયામાં કેવી લાગણીઓ ઊઠે છે ?’ પણ દેવશ્રી મનમાં ઊઠતો એ પ્રશ્ન હોઠ બહાર કાઢી શકતી નહિ. વાતાવરણ જીવંત રાખવા એ એક હજાર ને એક નિરર્થક સવાલો પૂછતી ને રુચિર એ પ્રશ્નોના જવાબ આપતો. પણ દેવશ્રીના હૃદયને બેચેન કરી મૂકતો પેલો સવાલ તો બાકી જ રહી જતો.

રુચિર દેવશ્રી સાથે દુનિયાભરની વાતો કરતો. નાનપણનાં તોફાનની, મિત્રો સાથે હતુતુ અને નાગોળચું રમતાં કેટલી વાર પડ્યો હતો ને હાથપગ છોલાયા હતા. સંતાકૂકડી રમતાં ભોંયરામાં જતાં એ કેવો ડરતો હતો ને ખો રમે ત્યારે દાવ આવે તો એ કેવો ગભરાઈ ઊઠતો, લખોટી રમવાની કુનેહ કુશલતા કદી સધાઈ નહિ ને કાયમ હારી જતો, બધી લખોટીઓ ગુમાવવાથી સર્વસ્વ ગુમાવ્યું હોય એમ એ હક્કાબક્કા થઈ જતો. આમ બાળપણની વાતો એ સંપૂર્ણ વિગતે દેવશ્રીને કરતો, ત્યારે દેવશ્રી એકીટશે એના મોં-આંખો સામે જોતી. રુચિરની આંખોમાં બાળકોની દુનિયા દેખાતી પણ દેવશ્રીને એના સવાલનો જવાબ ના મળતો.

ચિરપુરાતન આ એક સવાલ સદીઓથી એક પ્રેમીએ બીજા પ્રેમીને પૂછ્યો છે, ‘તમને મારી જરૂર છે ને ! તું મારા વગર જીવી નહિ શકે ને ! મારા વગર તારી જિંદગી અધૂરી રહી જશે ને ! બોલ એક વાર બોલ, મને એક વાર કહે તને આખી દુનિયા વગર ચાલશે પણ મારા વગર નહિ ચાલે !’ દેવશ્રીના હૃદયમાં આ સવાલ આંધીની જેમ ઊઠતો અને એના સમગ્ર અસ્તિત્વનો ભરડો લઈ લેતો. રુચિરને હચમચાવીને આ પૂછવા ઉત્સુક થઈ ઊઠતી કે, ‘બોલ રુચિર બોલ. આ ક્ષણે, આ પળે જ મને જવાબ આપ. આ ક્ષણ વીતી જાય પછી કોને ખબર શું થાય ?’ પણ દેવશ્રી પૂછી શકતી નહિ. એ અત્યંત સ્વમાની હતી. એનામાં એ આભિજાત્ય અને લજ્જાનું એવું આવરણ હતું કે એ હટાવીને રાતદિવસ એને સતાવતો પ્રશ્ન એ ખુલ્લંખુલ્લા પૂછી શકતી નહિ. રુચિર એને કેટલીય સાહિત્યકૃતિઓ અને કલાકૃતિઓની વાત કરતો. દેવશ્રી એને ચૂપચાપ સાંભળ્યા કરતી. એની આંખો રુચિરના ચહેરા પર સ્થિર થતી. પોતાની આંખો દ્વારા જાણે એ કહેવા માગતી હતી, રુચિર એક પુસ્તક તારી સામે પડ્યું છે, એ જીવંત છે, ખુલ્લું છે, એનાં પાનાં હવામાં ઊડે છે, તું હાથ લંબાવ, તારા હાથમાં આ પુસ્તક લે, એ વાંચ, એમાં તારા હસ્તાક્ષર કર. પણ રુચિર દેવશ્રીની આંખની ભાષા સમજી શકતો નથી. અને દેવશ્રી સીધેસીધું, મોંથી પૂછવામાં માનતી નથી. કહેવું ગમતું નથી.

છતાં એક વાર એ એક સુગંધીદાર ગુલાબી કાગળ પર લીલા રંગની શાહીથી લખે છે, ‘રુચિર, તારી આંખમાં એક ચમક છે. એનું ઉદ્દભવસ્થાન ક્યાં છે ?’ રુચિર આ વાંચીને હસે છે પણ દેવશ્રી જે શબ્દો સાંભળવા આતુર છે એ બોલતો નથી. એક દિવસ દેવશ્રી એને યલો રંગનું કાર્ડ આપે છે. એમાં લખ્યું છે, ‘તારી પ્રસન્નતાથી મને સંગીત કેમ સંભળાય છે ?’ રુચિરે આ વાંચ્યું ને હસ્યો પણ એ હસવામાં દેવશ્રી કોઈ અર્થ ના તારવી શકી. એક રમ્ય સાંજે નજીક બેઠેલા રુચિરને દેવશ્રીએ પૂછ્યું, ‘રુચિર, મને લાગ્યું કે હું નજીક બેઠી ત્યારે મારા સ્પર્શથી તારામાં કોઈ ઝણઝણાટી થઈ હતી. બોલ એ સાચું કે ભ્રમ ?!’ દેવશ્રી આ પ્રશ્ન પૂછીને ક્યાંય સુધી રુચિર સામે તાકી રહી પણ રુચિરમાં ભાવની કોઈ ઉત્કટતા ના આવી, એના મોંમાંથી કોઈ શબ્દો ના નીકળ્યા. એણે હાથ લંબાવીને દેવશ્રીના હાથ પકડીને પ્રેમનો કોઈ એકરાર ના કર્યો. લગ્નનો પ્રસ્તાવ ના મૂક્યો.

સમય વીતતો જાય છે. સોનાનાં ઘડી પળ કાળનાં ગર્ભમાં ઓગળતાં જાય છે. પૂર્ણ યૌવનના ઉંબરે આવીને બેઉ ઊભાં. હવે તો કોઈ નિર્ણય લેવો આવશ્યક છે. દેવશ્રીના ઘરમાં વિવાહની વાત ચર્ચાવા લાગી. દેવશ્રીને પોતાની વાત કહેવી છે, પણ કઈ રીતે કહે ? એના અને રુચિર વચ્ચે કોઈ સ્પષ્ટતા નથી થઈ. મા-બાપને એ શું કહે ? દેવશ્રી અત્યંત સંવેદનશીલ, ઋજુ અને નાજુક હૃદયની હતી. એની અપેક્ષાઓ, અરમાનો ઘણા ઊંચાં હતાં. એ ઈચ્છતી હતી જે રીતે કળી સ્વયં પુષ્પરૂપે ખીલે છે, એ જ રીતે રુચિરના હૃદયમાં દેવશ્રી માટે પોકાર પડવો જોઈએ. એના અસ્તિત્વનું રૂંવેરૂંવું દેવશ્રી દેવશ્રી પોકારી ઊઠે અને એ દેવશ્રી પાસે દોડી આવે ને કહે, ‘ચાલ દેવશ્રી અત્યારે, હાલ આ જ પળે આપણે એક થઈ જઈએ…’ પણ દેવશ્રીના હૈયાનું ગાન જ જાણે રુચિરને સંભળાયું નહિ, અથવા તો સંભળાયું પણ કોઈ પ્રતિધ્વનિ ઊઠ્યો નહિ. પ્રેમનો પ્રબળ સાદ ઊઠ્યો જ નહિ.

હવે ? હવે શું થાય. દેવશ્રી તો પ્રતીક્ષામાં બેઠી હતી, પણ એનાં મા-બાપ તો વ્યાવહારીક સંસારમાં વસનારાં હતાં. એ ક્યાં સુધી રાહ જુએ ? એમને તો દીકરીની વાત સમજાતી જ ન હતી. એ તાડૂકે છે, ‘આવો તો કેવો તારો પ્રેમ ? છોકરો કેમ કંઈ બોલતો નથી ? તું સીધેસીધું જ પૂછી જો. લગ્નની માગણી કર.’ આ સાંભળીને એનો ભાઈ જતીન બોલ્યો, ‘ના, ના, બહેન. તું માંગણ નથી. પ્રેમની ભીખ શું માગવાની ? માંગ્યો મળે તો એ પ્રેમ જ ના કહેવાય. એણે પ્રેમ ઓળખવો જોઈએ. તારા વગર કહે એણે જ પ્રેમનો પ્રસ્તાવ મૂકવો જોઈએ. છોકરો જ માગણી કરે…’ દેવશ્રી મા-બાપ અને ભાઈની વાત સાંભળે છે, પણ કંઈ બોલતી નથી. ભાભી એની સખી જેવી હતી એ હેતથી પૂછે છે, ‘તમારી વચ્ચે ખરેખર પ્રેમ છે કે પછી ભ્રમણા જ છે ? તમારી કહાનીનો આરંભ ક્યારે થયો, ક્યાં થયો, વાત તો કરો !’ પણ દેવશ્રી શું વાત કરે ? એના હૈયામાં તુમુલ મંથન ચાલી રહ્યું છે, શું કરું, હું શું કરું ? રાતોની રાતો એ જાગતી બેસી રહે છે. હાથમાં પેન લે છે પણ રુચિરને કાગળ લખી શકતી નથી. થાય છે, શબ્દો તો બધા નિરર્થક નીવડ્યા. અંતરમાં રુચિર રુચિર નામ પડઘાય છે ને રુદનના ઓઘ ઊમટે છે. હાથમાંથી પેન સરી પડે છે.

દેવશ્રીની બહેનપણી રાજુલાએ દેવશ્રીની સ્થિતિ જાણી ને એ રુચિર પાસે દોડી. કંઈ પણ પ્રસ્તાવના કર્યા વિના ગોળી છોડતી હોય એમ એ બોલી, ‘રુચિર, નિર્ણય કર.’
‘નિર્ણય, શાનો નિર્ણય ?’ રુચિર ફફડી ઊઠ્યો.
‘સેંકડો વખત તું અને દેવશ્રી મળ્યાં છો. કલાકો વાતો કરી છે. શું કામ, શું કામ ? એને આવી રીતે અધવચ્ચે છોડી દેવા ?’
‘તો હું શું કરું ?’ રુચિરે બાઘાની જેમ પૂછ્યું. આ સાંભળ્યું ને રાજુલાનું મગજ તપી ગયું, ‘ઓ ભગવાન, આ માણસને શું કહેવું ? રાજકુંવર જેવા બત્રીસલક્ષણા કંઈ કેટલાય છોકરાઓ પ્રાણ પાથરતા હતા એ બધાને મૂકીને દેવશ્રીએ આવા ઊણા, અધૂરા, ઓછા છોકરાની સાથે કેમ હૃદય જોડ્યું ? આમાં શું જોઈને વારી ગઈ ? આ એના નસીબની કરુણતા જ ને ! કમનસીબી.’ પોતાના ગુસ્સા પર માંડ માંડ કાબૂ રાખીને રાજુલાએ કઠોરતાથી પૂછ્યું :
‘રુચિર, દેવશ્રી તને રોજ કાગળ લખતી હતી કેમ ? બીજા કોઈને નહિ ને તને રોજ મળતી હતી, તને જોઈને નાચી ઊઠતી હતી કારણ કે એને તારા માટે પ્રેમ હતો. એટલું તો તેને સમજાય છે ને ?’
‘હા’ રુચિર શાંતિથી બોલ્યો.
‘તો આવા ઉત્કટ પ્રેમની પરિણીતિ શું હોય ? લગ્ન. તું દેવશ્રીને ચાહતો નથી ? એની સાથે લગ્ન કરવાની ઈચ્છા તને નથી ?’ રાજુલાએ ચોખવટથી પૂછ્યું.
‘દેવશ્રી લગ્ન કરવા ઈચ્છે છે ?’ સામાન્ય સવાલ પૂછતો હોય એમ રુચિરે પૂછ્યું. રાજુલા ગુસ્સાથી બોલી, ‘કોઈ અબુધ, અબુઝ માનવી પણ આ સમજી શકે, રુચિર પ્રેમ કંઈ વિચારવાની કે સમજવાની જ વાત નથી. એ તો અનુભવવાની વાત છે, ફીલ કરવાની વાત છે. તારું હૈયું શું ઈચ્છે છે ? તું લગ્ન નથી ઈચ્છતો ? પ્રેમીઓની ઈચ્છા શું હોય ચિરમિલન. લગ્ન.’
‘જો દેવશ્રીની ઈચ્છા હશે, માગણી હશે તો હું લગ્ન કરીશ.’ ઠંડા અવાજે રુચિરે પૂછ્યું.

રાજુલાના મોંએ દેવશ્રીએ સાંભળ્યું કે રુચિરે કહ્યું છે, ‘જો દેવશ્રીની ઈચ્છા હશે તો હું લગ્ન કરીશ.’ ને દેવશ્રીએ માથું કૂટ્યું, ‘ઓરે મને તો મારા પ્રેમમાં પારાવાર શ્રદ્ધા હતી. મને ભરોસો હતો કે રુચિર વગર કહે સમજશે. મને તો એ ઘડીની ઝંખના હતી કે રુચિર પ્રેમમાં પાગલ બનીને દોડી આવશે, કહેશે ચાલ દેવશ્રી, આપણે લગ્ન કરી લઈએ.’ પણ રુચિર તો મારા જેવી પ્રેમની ઉત્કટતા ને તીવ્રતા અનુભવતો જ નથી. એ તો મારા ખાતર, મારી જો ઈચ્છા હોય તો દયા કરતો હોય એમ મારી સાથે લગ્ન કરશે. દેવશ્રીનો અહંકાર ઘવાયો. એ બોલી ઊઠી, ‘રહેવા દો નથી કરવાં મારે લગ્ન’ એનું મન મરી ગયું.

દેવશ્રીએ ઘરમાં કહી દીધું પોતે લગ્ન નહિ કરે. એના ઈન્કારમાં એટલી મક્કમતા હતી કે એના લગ્નની વાત પર પડદો પડ્યો. પાંચ-છ મહિના પસાર થયા ને રુચિર દેવશ્રીના દ્વારે આવ્યો,
‘દેવશ્રી, ચાલ લગ્ન કરી લઈએ.’
‘રુચિર, એ ઘડી પળ તો ક્યારનાં વીતી ગયાં.’ નિસાસો નાંખતા દેવશ્રીએ કહ્યું.
‘તો શું હવે તું મને પ્રેમ નથી કરતી ? તારો પ્રેમ મરી ગયો ? તારો પ્રેમ એવો ઝાકળબિંદુ જેવો હતો ?’
‘તને શું જવાબ આપું ? રુચિર, પ્રેમ કદી મરતો નથી. હું રુચિરને જ પ્રેમ કરું છું. સ્વપ્નમાં કે જાગ્રત અવસ્થામાં રુચિર જ મારી સાથે હોય છે. એના વિના બીજા કોઈ પુરુષનો સાથ મને ખપે નહિ.’
‘તો પછી લગ્નની ના કેમ કહે છે ?’
‘રુચિર, મારો રુચિર આ મારી નજર આગળ ઊભો છે એ દેહધારી રુચિર નથી. મારો રુચિર તો મારા મનનો મોરલો છે. જે આ સ્થૂળ આંખે દેખાય નહિ, હાથથી અડકાય નહિ. એ તો મારા હૃદયમનનો સાથીદાર છે. મારી સાથે એકાકાર થઈ ગયો છે.’

રુચિર જોઈ રહ્યો. આ વિચિત્ર છોકરીને શું કહેવું ? એ મારી પાછળ પાગલ હતી, તેથી તો બીજા કોઈની સાથે લગ્ન કર્યા નથી. હું સામેથી લગ્નનું કહું છું તો ના પાડે છે. એનાં મા-બાપને વાંધો નથી. ક્યાંય અંતરાય નથી. અવરોધ નથી છતાં મારો પ્રસ્તાવ સ્વીકારતી નથી. એ આજીજીભર્યા સૂરે બોલ્યો : ‘દેવશ્રી, તારા વગર હું નહિ રહી શકું’
‘પણ તારા વગર રહેવાનો મેં નિર્ણય લઈ લીધો છે. હવે ભૂતકાળની યાદ ના દેવડાવ, એ સ્થૂળ સહવાસ તો ભુલાઈ ગયો.’ દેવશ્રી બોલી.
‘જો ભૂતકાળ યાદ ના કરવો હોય તો તેં અપરિણીત રહેવાનો નિર્ધાર કર્યો હતો એ ઘડીય વીતી ગઈ છે. એ ભૂતકાળની વાત થઈ. તો એ નિર્ણયને શું કામ વળગી રહે છે. દરેક ક્ષણના નવા નિર્ણય હોય. દેવશ્રી, આ ઘડીએ નવો નિર્ણય લે. એક થવાનો સંકલ્પ કર.’ આર્તભર્યા કંઠે રુચિર બોલ્યો.
‘રુચિર, ભૂતકાળ વીતી જાય છે પણ એની અસર રહી જાય છે. એના પાયા પર જ વર્તમાન રચાય છે. રુચિર, વિચાર કર, આપણે બે આટલાં પાસે હોવાં છતાં પહેલાંની જેમ કેમ નજીક બેસીને હાથમાં હાથ પકડીને વાત નથી કરતાં ? એનું કારણ શું ? વચ્ચે જે ઘટના ઘટી એની અસર વર્તમાન પર છે જ.’
આ સાંભળીને રુચિર અકળાઈને બોલ્યો : ‘આ તો જડતા કહેવાય. દેવશ્રી, તું હાથે કરીને તારા હૃદયનાં બારણાં ભીડી દે છે. સુખ ઉંબરે આવ્યું છે ને તું અંદર નથી પ્રવેશવા દેતી. તારી બુદ્ધિ બહેર મારી ગઈ છે. ભૂલી જા એ તારા ગાંડા નિર્ણયને.’
‘રુચિર, મારા હૃદય પર બુદ્ધિની ગણતરી કે તોલમાપ લાગુ નથી પડતાં. એના રાહ જુદા છે. એ એની રીતે જ વર્તે છે. તારી સાથેના લગ્નની ઈચ્છા મેં ત્યજી દીધી. હવે એ વાત સમાપ્ત થઈ ગઈ. હવે ફરી ત્યાં અંકુર ફૂટે જ નહિ. હવે લગ્નની વાત જ નહિ. તારી સાથેય નહિ કે બીજા કોઈની સાથેય નહિ. રુચિર, મારા જીવનમાં લગ્ન નથી, એ વાત મેં સ્વીકારી લીધી છે.’

રુચિરે નિસાસો નાખ્યો, ‘ઓ રે, આ દેવશ્રીના દિલને કોણ મનાવે ? એની પર કોની સત્તા ચાલે ? એને એકલતાનો ડર નથી, ભવિષ્યનો ભય નથી. એ ગભરુ કે નિર્બળ નથી. એનું તેજ જરાય ઝાંખું નથી પડ્યું. એવી જ મસ્તી એના વ્યક્તિત્વમાંથી છલકાય છે, માત્ર મારી સાથેના લગ્નની બાદબાકી થઈ ગઈ. હવે ત્યાં કોઈ સરવાળો ના થાય. મારે જવું જ રહ્યું.’ લાચાર બનીને આશાહીન રુચિર લથડતા પગે દીન મુખમુદ્રા સાથે પાછો વળી ગયો.

No comments:

Post a Comment