Wednesday, August 12, 2009

એ જિંદગી જીવવાની કલા જાણે છે


ઋષભ મુંબઈથી કન્યાની પસંદગી માટે એના ગામ આવ્યો. મામી બોલ્યાં : ‘શહેરની એકે છોકરી નજરમાં ન આવી તો છેક અહીં છેવાડાના ગામમાં આવ્યા ? અહીંની છોકરી તમને નજરમાં ય નહીં આવે. અહીંની છોકરીને ટાપટીપ બહુ ન આવડે, પટ પટ બોલતા ન આવડે, થોડી શરમાળે હોય. તમે તો મોટા સર્જન ડૉક્ટર. કેવો તમારો ફલેટ, ત્યાં અહીંની ઊછરેલી શોભતી હોય ?’
મામા બોલ્યા : ‘બહેન કહેતાં હતાં કે કેવી કેવી ડૉક્ટર છોકરીઓ આવે છે, ઋષભ જેટલું જ ભણેલી, કમાતી ને વળી રુઆબદાર, રૂપાળી પરંતુ ઋષભ કહે છે ઘરમાં હું એક ડૉક્ટર છું તો બસ છે. મારે ડૉક્ટર નહીં કલાકાર છોકરી જોઈએ છે.

બનેવી કહેતા હતા કે, ‘આવું સાંભળ્યું ને કલાકાર છોકરીઓની લાઈન લાગી ગઈ. કોઈને ગાતાં આવડે, કોઈને નાચતાં તો કોઈને ચીતરતાં. એ બધીઓનાં નામનાં સિક્કા પડે, છાપામાં ફોટા આવે, પણ ભાઈસાહેબને એકે પસંદ ન પડે. કહે છે મારે તો જેનો આત્મા કલાકારનો હોય, જેનાં રૂંવેરૂંવેથી સૌમ્યતા ને શીતળતા પ્રગટતી હોય એવી જીવનસાથી જોઈએ. એ છોકરી જીવન જીવવાની કલા જાણતી હોવી જોઈએ.’ મામાએ એમનું કહેવાનું પૂરું કર્યું એટલે મામી બોલ્યાં : ‘જુઓ ભાઈ, આ મયૂરી તમને પસંદ પડે તો એના તો ભાગ્ય જ ખૂલી જશે. છોકરી ખોટી નથી.’

ઋષભ મામા-મામી સાથે મયૂરીના ઘરે પહોંચ્યો. આંગણામાં પગ મૂક્યો ને એને ઘર ગમી ગયું. નાનું એક માળનું એ ઘર હતું. એ હતું એના કરતાં ય નીચું દેખાતું હતું, કારણ કે પ્લીન્થ ઊંચી ન હતી ને છત સાવ નીચી હતી. ચારેબાજુ ફૂલછોડના ક્યારાઓ હતા. વાતાવરણમાં મધુરતા અને તાજગીનો અહેસાસ થતો હતો. ઘરમાં મયૂરીનાં દાદા, દાદી, મમ્મી, પપ્પા તથા એક કુંવારા ફોઈ હતાં. આગલી રૂમમાં જ ત્રણેક કબાટો હતાં જેમાં પુસ્તકો જ પુસ્તકો હતાં. ભીંતો પર પેઈન્ટિંગો હતાં. ઋષભ મયૂરીને એકાંતમાં મળ્યો ત્યારે બોલ્યો : ‘તમારા ઘરનું વાતાવરણ કેવું અલગ છે ! એકદમ શાંત છતાંય ભર્યું ભર્યું અને જીવંત.’
‘તમને ગમ્યું ?’ મયૂરીએ પ્રેમાળ સ્નિગ્ધ કંઠે પૂછ્યું.
‘હા’ ઋષભ બોલ્યો. વાતનો દોર સાધતાં મયૂરીએ પૂછ્યું, ‘અને બીજું શું શું ગમ્યું ?’ ઋષભ મયૂરીના વાકચાતુર્યં અને સાહજિક સરળ વર્તનથી પ્રસન્ન થઈ ગયો. કેવી સ્વાભાવિકતાથી નિ:સંકોચ છતાં પૂરા વિવેકથી મયૂરી વાત કરે છે. એ હસી પડ્યો ને નિખાલસતાથી બોલ્યો, ‘મને તમે ગમ્યાં અને આ સવાલ હું તમને પૂછી શકું ને ? તમને હું ગમ્યો ?’

ઋષભના સવાલનો જવાબ આપવાના બદલે મયૂરી બોલી, ‘તમે મારી સાથે કોઈ લાંબી વાત ન કરી, પ્રશ્નો પૂછી પૂછીને મારો તાગ મેળવવા મથ્યા નહીં ને સીધો નિર્ણય લઈ લીધો અને તમારા ઘરનાં સાથે ચર્ચાવિચારણા કર્યા વિના પ્રગટ કરી દીધો !’
‘તમને કોઈ પ્રશ્નો પૂછવાની જરૂરત જ ક્યાં છે ? તમારો પરિચય તો તમને જોતાંવેંત મળી જાય છે. તમારો આ હાસ્યમંડિત ચહેરો, તમારી આંખોના મૃદુ ભાવ, તમારી વેશભૂષા, તમારું બોલવું, ચાલવું, આ અવાજ. મેં કલ્પના કરી હતી એના કરતાંય તમે વધારે સુંદર છો, મનમોહક છો. મારે ઘરમાં કોઈને પૂછવાની જરૂર નથી, કોઈનો અભિપ્રાય જાણવાની જરૂર નથી. મમ્મીપપ્પાએ બધું મારી પર છોડ્યું છે. મારા હૃદયે મને મંજૂરી આપી દીધી છે.’ મયૂરી ઋષભની નિર્દંભ ભાવુકતા પર વારી ગઈ. એણે ઋષભને એવું ય ન પૂછ્યું કે તમારા આ ભાવ જિંદગીભર રહેશે ને ? મયૂરી બુદ્ધિશાળી છે પણ શંકાશીલ નથી. લાગણી અને તર્કનું સમતોલન સાચવીને એ જીવનારી છે. ક્યાં હૃદયનું અને ક્યાં બુદ્ધિનું કેટલું સાંભળવું એ જાણે છે. લાંબી ચર્ચા કર્યા વિના બેઉએ એકબીજાને સમસ્ત હૃદયથી પસંદ કરી લીધાં.

મયૂરી બોલી, ‘મારા દાદાજી કાયમ કહે છે તમારા માટે જે પાત્ર નિર્માણ થયું હોય એને વ્યવહારિક બુદ્ધિથી મૂલવવાની કે ટકોરા મારીને એની ખાતરી કરવાની કોઈ જરૂરત નથી. તમે જુઓ ને એ પાત્રને ઓળખી જશો, હ્રદય જ પોકારી પોકારીને તમને આ વાત કહેશે, માત્ર એ સાંભળવા માટે તમારા કાન સરવા જોઈએ. તમારું ચિત્ત શાંત, કોલાહલશૂન્ય જોઈએ.’

આવો જ કિસ્સો છે વાસવી અને મોહિતનો. અમેરિકા સેટલ થયેલો ઍન્જિનિયર મોહિત ઈન્ડિયા પરણવા આવ્યો ત્યારે એનાં માબાપે ઍન્જિનિયર, ફાર્માસીસ્ટ અને ડૉક્ટર છોકરીઓ જોઈ રાખી હતી. દુનિયાના કોઈ પણ દેશમાં વસી શકે એવી પાવરફૂલ અને બહિર્મુખી એ છોકરીઓ હતી. આજકાલ પરદેશથી આવનાર છોકરાઓ કે છોકરીઓ આવા ડિગ્રીધારી જીવનસાથીને પસંદ કરે છે. આવાં પાત્રોની પસંદગીમાં ભૌતિક લાભની ગણતરી હોય છે. પસંદ કરેલું પાત્ર મબલખ કમાશે એવી ધારણા હોય છે. પરંતુ મોહિતે ટૅકનિકલ ભણેલી નહીં પણ સાયકૉલોજી સાથે ગ્રેજ્યુએટ થયેલી વાસવીને પસંદ કરી. અમદાવાદમાં ઊછરેલી ને ગુજરાતી માધ્યમમાં ભણેલી વાસવીને ફટાફટ અંગ્રેજી બોલતાં ય નહોતું આવડ્યું. એ બુદ્ધિમતી હતી પણ સંકોચશીલ હતી. તો શું જોયું મોહિતે વાસવીમાં ? મોહિતને તો એક પ્રેમાળ ઉષ્માભરી પત્ની જોઈતી હતી, જેનો હેતભર્યો સંગ અને કાળજી એને રોજેરોજ મળી રહે. મોહિત કહે છે સગાં, સ્વજનો, મિત્રો અને આપણા દેશથી દૂર રહેનાર મારા જેવા માટે તો પત્ની જ બધાંની ખોટ પૂરી કરનાર હોવી જોઈએ. એની પાસેથી ભરપૂર પ્રેમ મળે, પછી મારી કોઈ વિશેષ માગ નથી. હા, વાસવીને ઈચ્છા હશે તો એ આગળ ભણશે, કમાશે. એના વિકાસ માટે એને જે યોગ્ય લાગે તે કરશે, બધામાં મારો ટેકો હશે. બસ, મારે તો એક એવી જીવનસાથી જોઈએ છે, જેની સાથે હું તાદાત્મ્ય અનુભવું ને અમારા બેઉનાં જીવન ભર્યાં ભર્યાં થાય.

હજી આજેય ઘણાં યુવાનોને પરંપરાગત શાંત જિંદગી ગમે છે. એમને પૈસાની કમાણી કરતાં ય ભર્યા ભર્યા ગૃહસ્થજીવનનો મોહ હોય છે. પુરુષની જેમ જ સ્ત્રી જીવનસાથી કમાય ને બેઉ જણ ભેગાં થઈને ધન એકઠું કર્યા કરે એવી કોઈ લાલસા એમને નથી હોતી. એમના જીવનમાં પૈસા સિવાય પ્રેમની વધારે મહત્તા હોય છે.

હા, સ્ત્રી બહાર નીકળે. બહારની દુનિયાના પડકારો ઝીલીને પોતાનું દૈવત બતાવી દે એ ગમે છે. એમાં તેઓ પૂરો સહકાર આપે છે. સાથે સાથે સ્ત્રી એનું પોતાનું નાજુક કોમળ પ્રેમાળ હૃદય પણ સાચવે, ઘરમાં એની હૂંફ વર્તાય એવું પણ ઈચ્છે છે. આમ સ્ત્રી પાસે ઘણી અપેક્ષાઓ રખાય છે. એને દરેક કાર્યમાં સહયોગ આપવા પુરુષ તૈયાર રહે છે. એ તંદુરસ્ત સમાજ માટે બહુ સરસ એંધાણ છે. આવી દષ્ટિ રહેશે તો જ કુટુંબો પ્રફુલ્લિત રહેશે.

No comments:

Post a Comment