Wednesday, August 12, 2009

માની સાધના – અવંતિકા ગુણવંત


‘યુગાંક પહેલો આવ્યો… યુગાંક બોર્ડમાં પહેલો આવ્યો….!’ બારમા ધોરણનું પરિણામ હતું. વિદ્યાર્થીઓ અને વાલીઓ સૌ ઉત્સુકતાથી નિશાળમાં ભેગાં થયાં હતાં. પરિણામ જાહેર કરાયું ને ચોમેર આનંદોલ્લાસના સુર ગાજી ઊઠ્યા.
‘યુગાંક… પ્રથમ…’ ઓહ… આ બે શબ્દો સાંભળવા, આ એક પળ માટે તો ઉષ્માબહેન છેલ્લા સોળ વરસથી મથી રહ્યાં હતાં. સોળ વર્ષનો પુરુષાર્થ. મા અને દીકરાની સોળ વર્ષની લગાતાર સાધના ફળી. એમનું સમગ્ર અસ્તિત્વ પુલકિત થઈ ઊઠ્યું.

આ દીકરો યુગાંક બે વર્ષનો હતો ત્યારે ઉષ્માબહેન એને લઈને રાજકોટ ગયાં હતાં. પોતાની મોટીબહેનના ઘેર. વિશાળ બંગલો ચોમેર રળિયામણો બગીચો, અદ્યતન સુખસગવડો, બે બે મોટરો, મોટીબહેનને ત્યાં વૈભવ અને વિલાસની છોળો ઊડતી હતી. મોટીબહેનના બે દીકરાઓ, મોહિત અને ચકિત યુગાંકથી ચાર-છ વર્ષ મોટા હતા. બેઉનો અલગ વિશાળ રૂમ હતો. ત્યાં મોટાં ખાનાનાં નીચાં કબાટો હતાં. તેમાં દેશપરદેશથી લાવેલા સુંદર સુંદર ચિત્રોવાળાં પુસ્તકો હતાં. બાળકો તો શું મોટાં ય બે ઘડી જોઈ રહે એવી કરામતવાળા રમકડાં હતાં. એન્જિનવાળી આઠ ડબ્બાની લાંબી ગાડી. આબેહૂબ સાચી જ ગાડી જોઈ લો. નાના નાના પાટા આખી રૂમમાં વાંકાંચૂકાં મનફાવે તેમ ગોઠવી દો, અને એના પરથી અવાજ કરતી ગાડી ચાલે. તાળીઓ પાડીને હસતી-કૂદતી ને આંખ ઉઘાડમીંચ કરતી મોટી મોટી ત્રણ ફૂટની ઢીંગલી. ઢોલક બજાવીને ગાતો-નાચતો વાંદરો, ઊડતું વિમાન – આવા તો કેટલાંય રમકડાં હતાં.

યુગાંક વિસ્મયથી આ બધું જોયા કરે. કુતૂહલથી એ કોઈ રમકડાંને કે ચોપડીને લેવા હાથ લાંબો કરે. એ અડકે તે પહેલાં તો કોઈક તાડૂકી જ ઊઠે. ‘આને અડાય નહીં હોં. તું દૂરથી જો.’ બાજુમાં મોટીબહેન કે બનેવી ઊભાં હોય તે ધીમેથી સલાહ આપતાં હોય તેમ કહે : ‘આ રમકડાં તો કેટલાં મોંઘા છે.’ અને પછી તરત રમકડાંની કિંમત બોલી કાઢે. આ સાંભળે ને યુગાંક અટકી જાય. લાંબો થયેલો એનો હાથ નીચે પડી જાય. નાનકડું બાળક, એનું મોં એકદમ વિલાય જાય. નાનકડું બાળક વગર કહ્યે ઘણુંબધું સમજી જાય છે. આ ચીજ એની નથી. એને ના અડકાય એનું તીવ્ર ભાન એને થાય છે. મોં ખોલીને એ રમકડું માગતો નથી. રડતો નથી, જીદ કરતો નથી, પણ એની આંખોમાં ઉદાસી ઊભરાઈ આવે છે. પોતાના ઘેર રાજકુંવરની જેમ થનગનતો યુગાંક ચૂપચાપ માના ખોળામાં લપાઈ જાય છે.

ઉષ્માબહેનનું હૈયું વીંધાય જાય છે. દીકરાની વિવશતા એમને માટે અસહ્ય બની જાય છે. એક રીતે મોટી બહેન, બનેવીની વાત ખોટી નથી. મોંઘા રમકડાં છે, તેની કાળજી રાખવી જોઈએ, પણ એને શું યુગાંક અડકીય ના શકે ? એમનાં પોતાનાં બાળકો તો ધડાધડ કરતા હોય છે, ચોપડીઓ ફેંકે છે એનું કંઈ નહિ, પણ મારો યુગાંક એને અડકી ના શકે. જોઈ ના શકે. કારણ કે, એ સાધારણ બાપનો દીકરો છે. એના પિતામાં દીકરાને મોંઘા રમકડાં લાવી આપવાની હેસિયત નથી. ઉષ્માબહેનને ભયંકર અપમાન લાગી ગયું. એમના આળા બનેલા હૃદયને ત્યાં વધારે રહેવું રૂચ્યું નહિ. બીજે જ દિવસે એ અમદાવાદ આવવા નીકળી ગયાં. સુખનાં સાગરમાં ગરકાવ મોટી બહેન અને નાની બહેનનાં હૈયાંની ઊથલપાથલનો કંઈ ખ્યાલ ના આવ્યો.

રસ્તામાં યુગાંક માને પૂછે છે : ‘મા, આપણે મોટર કેમ નથી ? મારી પાસે મોટાં રમકડાં કેમ નથી ? આપણા ઘરે ચોપડીઓ કેમ નથી ?’
‘બધું તને લાવી દઈશું, બેટા !’ દીકરાને ચૂમી ભરીને ગળગળા અવાજે ઉષ્માબહેને કહ્યું. હવે તો કપડાં પહેરતી વખતે યુગાંક ‘આ નથી ગમતું, નથી પહેરવું, મારે તો લાલ બટનવાળું પહેરવું છે, ચકિતભાઈ જેવા બૂટ જોઈએ.’ કહેવા માંડ્યો. રાજકોટથી આવ્યા પછી જાણે એનું મન જ બદલાઈ ગયું છે. પોતાના સાધારણ ઘરની કોઈ વસ્તુ એને નજરમાં જ આવતી નથી. માસીને ઘેર જોયેલી વસ્તુઓ માગે છે, જીદ કરે છે, કજિયો કરે છે. ઉષ્માબહેનને તંગ કરે છે. ઉષ્માબહેન એને સમજાવીને, ફોસલાવીને શાંત પાડવા પ્રયત્ન કરે તેમ તે વધારે ઊંચે સાદે માગણીઓ કરે છે. ત્યારે ઉષ્માબહેન અકળાઈને કડક શબ્દોમાં કહી દે છે : ‘આવું બધું આપણે ઘેર નથી.’
‘કેમ નથી ?’ અબુધ બાળક પૂછે છે.
‘પૈસા નથી.’ કડવા અવાજે મા ઉત્તર આપે છે.
‘કેમ પૈસા નથી ?’ યુગાંક પ્રશ્નોનો મારો ચાલુ જ રાખે છે.
‘માસાની જેમ આપણે કારખાનું નથી.’
‘કેમ કારખાનું નથી ?’ યુગાંક લીધી વાત મૂકતો નથી.
ઉષ્માબહેન આનો શું જવાબ આપે ? ‘તારા પપ્પા બહુ ભણેલા નથી.’ એમ કહે કે ‘તારા પપ્પા મહેનતુ નથી, ખંતીલા નથી, મહાત્વાકાંક્ષી નથી.’ એમ કહે કે પછી ‘આપણા ભાગ્યમાં નથી.’ એમ કહે !

દીકરાએ પૂછેલા આ પ્રશ્ન લગ્ન પછી ઉષ્માબહેનના પોતાના હૈયામાં સતત ઊઠયો જ હતો. સાધારણ ઘર ને ટૂંકી કમાણીવાળા સામાન્ય પતિને પામીને એ આક્રંદ કરી ઊઠ્યાં હતાં. સામાન્ય પતિની પત્ની તરીકે જીવવામાં એમને કોઈ રસ ન હતો, ઉમળકો ન હતો. જ્યારે એમણે જાણ્યું કે પતિને કોઈ મોટી ઈચ્છાઓ નથી, અરમાનો નથી, એને તો એની મુફલિસ જીન્દગીથી સંતોષ છે ત્યારે તો એ મનોમન મરી જ ચૂક્યાં હતાં. ત્યારથી એમની જિંદગીથી એમને બોજ સમી લાગતી હતી. યુગાંકનો જન્મ પણ એમનામાં નવચેતન પ્રગટાવી શક્યો ન હતો. મનથી તે અચેતન બની ગયાં હતાં. પરંતુ યુગાંકના આ પ્રશ્નોએ ફરી એક વાર એમના હૃદયને વલોવી નાખ્યું. હૃદયમાં ઘમાસાણ મચી ગયું. આ દીકરાને શું જવાબ આપું ? એને શી રીતે સમજાવું ? શી રીતે એના મનનું સમાધાન કરું ?ને…. હૃદયના ઊંડાણમાંથી એક વાત આવી : ‘હું એને ભણાવીશ. ખૂબ ભણાવીશ, એટલી વિદ્યા એ પ્રાપ્ત કરશે કે પૈસો તો એની પાછળ દોડતો આવશે.’
દીકરાને કહ્યું : ‘બેટા તારે કારખાનું કરવું છે ને ?’
‘હા મમ્મી.’
‘તો તું ભણ…. હું ભણાવું એટલું ભણ.’ દીકરાના કુમળા હૈયામાં માએ એક જબરજસ્ત મહાત્વાકાંક્ષા જગાડી. ઉષ્માબહેન પોતે ગ્રેજ્યુએટ હતાં. એ જાણતાં હતાં કે માણસના મગજમાં અનંત શક્તિ ભરી છે. બસ, એનો ઉપયોગ કરવો જોઈએ. એમણે જીવનની ઘરેડ જ બદલી નાખી. દિવસની પ્રત્યેક પળ પુત્રની પરવરિશ પાછળ ગાળવા માંડી.

પ્રભાતના સૂર્યનો આછો આછો ઉજાસ દેખાય ને એ વ્હાલ કરીને દીકરાને ઉઠાડે, આંગણામાં લઈ આવે, શાંત, મધુર વાતાવરણનો સ્પર્શ કરાવે. અંધકાર જાય છે ને પ્રકાશ આવે છે, પૂર્વ દિશામાંથી તેજનાં કિરણો ફૂટે છે. તેને માથું નમાવતાં શીખવે. પૂર્વ દિશામાં ઊગતા સૂર્યને રોજેરોજ બતાવીને સમજાવે કે સૂર્ય કાયમ પૂર્વ દિશામાં જ ઊગે અને પશ્ચિમે આથમે. આ કુદરતી નિયમ છે, એ કદીયે બદલાય નહિ. આમ એ દીકરાને સવાર, સાંજ, દિશાને કુદરત વિશે ઘણી ઘણી વાતો કહે. આપણી ચારે તરફ વિશ્વમાં ડગલે ને પગલે અજાયબીઓ છે. ઘડીએ ને પળે કોઈ આશ્ચર્યજનક ઘટના બને છે. રોજેરોજ જોવાથી આપણને એની નવાઈ નથી લાગતી. પરંતુ ઉષ્માબહેન એક નવી જ ઉત્સુકતાથી દીકરાને આ બધું બતાવે છે. દીકરાની આંખો આ કૌતુક જુએ છે, કાન આ સાંભળે છે. હૃદય-મન રોમાંચિત થઈ નાચી ઊઠે છે.

યુગાંકના હાથમાં જાતજાતનાં બી આપીને ઘર સામેના ક્યારામાં વાવે છે. ક્યારો બનાવતાં એ ધૂળ કોને કહેવાય, રેતી કોને કહેવાય, કેવી રીતે બને ને ક્યાં મળે, એના પ્રકાર કેટલા ને ઉપયોગ શું ? એ બધું કહે. વર્ગમાં બેસીને ચોપડીઓમાંથી મળતું જ્ઞાન મા ખૂબ સાદી ભાષામાં સરળતાથી દીકરાને આપે છે. બીજમાંથી અંકુર ફૂટે, થોડું ઊંચું વધે ને પાંદડું દેખા દે, પાંદડું મોટું થાય ને આકાર પામે, જુદા જુદા છોડના પાંદડાના આકાર જુદા હોય, રંગ લીલો હોય, પણ ક્યાંક વધારે લીલો, ક્યાંક આછો લીલો, એમ રંગ તરફ ધ્યાન દોરે. કોક અંકુર છોડ બને, કોક વેલ ને કોક ઝાડ, દરેકની પર જુદા જુદા રંગના જુદા જુદા આકાર અને સુગંધના ફૂલ આવે. આ વનસ્પતિમાં જીવ છે, તેને ખોરાક જોઈએ, પાણી જોઈએ – આ બધું ખૂબ રસથી દીકરાને નજરે બતાવીને કહે. મા-દીકરો બહાર ઓટલા પર બેઠાં હોય ને આકાશ જુએ. આકાશના બદલાતાં રંગ જુએ. ઊડતાં પંખીઓ જુએ. શરૂઆતમાં બે પાંખો હલાવી પછી સ્થિર પાંખો રાખીને ઊડતી સમડી બતાવે અને ઉષ્માબહેન કહે : ‘બેટા આ બધું જોઈને જ માણસે વિમાન શોધી કાઢ્યું છે.’ વિજ્ઞાનની શોધો વિશે જાણવા એ પોતે લાઈબ્રેરીમાં જતાં, પુસ્તકો લઈ આવતાં. રાત્રે દીકરો ઊંઘતો હોય ત્યારે જાગીને વાંચતાં. જાણે પોતે નવેસરથી ભણવાનું શરૂ કર્યું. ઉત્સાહ ને ખંતથી દીકરાનો વિકાસ એ જ એમના જીવનનું એકમાત્ર ધ્યેય બની ગયું.

પોતે રસોઈ કરતાં હોય ને દીકરો સામે બેઠો હોય ત્યારે આદિમાનવની વાતો કહે. એ શું ખાતો હતો, કેવી રીતે શિકાર કરતો હતો, ક્યાં રહેતો હતો એની તબક્કાવાર વાત એ ખૂબ રસથી દીકરાને કહેતાં. દીકરો જમવા બેસે ત્યારે આપણે શું કામ ખાવું જોઈએ, દાળ ખાવાથી શું થાય ? શાક ખાવાથી શું થાય એ સમજાવે. ખાધા પછી શરીરમાં શું ક્રિયા થાય, આપણા ક્યા અંગનું શું કામ છે એ કહેતા. નહાવા બેસે ત્યારે સ્વચ્છતાની વાતો કરે. આમ દીકરાને વાતવાતમાં ગંભીર જ્ઞાનના પાઠ ભણાવ્યા. એમણે કદી યુગાંકને ‘તું આમ કર’ કે ‘આમ ના કર’ એવું નથી કહ્યું. ‘શું કામ આમ કરવું જોઈએ ?’ એટલું હૈયાના હેતથી સમજાવ્યું છે. દીકરો નાનમાં નાની વાત જાતે જુએ, વિચારે ને સમજે એવી ટેવ કેળવી દીકરાની યાદશક્તિ કેળવાય માટે ગીતો, જોડકણાં, શ્લોકો રાગથી પોતે ગાય ને એની પાસે ગવડાવતાં.

રાત પડે ત્યારે દીકરાને સૂવાડતી વખતે ઈતિહાસ, પુરાણો ને ધર્મની વાર્તાઓ કહેતા. વાતવાતમાં એને સદગુણો અને બોધ આપતાં. દીકરામાં કુટેવ અને અવગુણ ના આવે તેની કાળજી લેતાં. સાથેસાથે એ દીકરાને રોજ સરખેસરખા મિત્રો સાથે રમવા મોકલે. કસરત અને રમતથી યુગાંકનું શરીર પણ ખડતલ બન્યું હતું. મા-દીકરાની એકધારી સાધના ચાલે છે. હવે તો ઉષ્માબહેન એમના કાર્યમાં જ એટલા રત થઈ ગયાં છે કે કોઈ નિરાશા, કડવાશ કે હીનભાવના મનને અકળાવી મૂકતાં નથી. દીકરો દરેક વર્ષે નિશાળના અભ્યાસમાં પ્રથમ જ આવે છે. યુગાંકની સફળતાથી ઉષ્માબહેનમાં આત્મવિશ્વાસ સાથે હરીફાઈનો જે અભાવ હતો તે અદશ્ય થઈ ગયો.

યુગાંક વિરલ વિભૂતિઓનાં જીવનચરિત્રો વાંચી વાંચી મહેનતુ અને ખંતીલો બની ગયો હતો. હવે તો એ જાતે જ પોતાનો અભ્યાસ કરે છે. માએ હવે ભણાવવા બેસવું પડતું નથી. આ વખત બારમું ધોરણ હતું. યુગાંક બોર્ડમાં પ્રથમ આવ્યો. એણે એનું દૈવત બતાવી દીધું. ઉષ્માબહેનની આંખમાં હરખનાં આંસુ આવી ગયાં. હેતથી દીકરાને ભેટી પડ્યાં. એમની સુદીર્ઘ સાધના ફળી.

No comments:

Post a Comment