Thursday, August 13, 2009

તેઓ માત્ર આપવાનું જ જાણે છે – અવંતિકા ગુણવંત

મોટી બહેન સુજ્ઞાના દિલને જરાય આંચકો ન લાગે એમ કિસાએ એક પછી એક ઘરનાં કામ પોતાના હાથમાં લઈ લીધાં. દરેક કામ એ પોતે કરતી પણ સુજ્ઞાને પૂછીને જ કરતી. સુજ્ઞાની જરાય અવગણના ન કરતી. એ મહિને મળેલો પગાર હરિતે કિસાના હાથમાં મૂક્યો તો કિસા બોલી, ‘આજ સુધી મોટી બહેને પૈસાનો કારભાર સંભાળ્યો છે તો આજે પગાર એમના હાથમાં જ આપો. નાણાંનો વ્યવહાર એ જ સંભાળશે.’
‘આ પૈસા તું એમને આપી દેજે ને !’ હરિતે કહ્યું.
‘ના, તમે તમારા હાથે જ એમને આપો.’ કિસાએ વિનયથી કહ્યું.
હરિત બોલ્યો : ‘હું શું ને તું શું ? નાની વાતમાં તું આટલી ચિકાશ કેમ કરે છે ? લે, આપી દેજે બહેનને.’
‘એ તમે ન સમજો. હું નાની એમને આપું એ એમને અપમાન લાગે. આજ સુધી તમે જે રીતે વિવેકપૂર્વક કરતા આવ્યા છો એમ જ કરો. એમને જરાય ઓછું ન આવવું જોઈએ.’
‘તું ય ગજબની છે. મારી બહેન સમજુ છે, નાની નાની વાત લક્ષ્યમાં લે એવી નથી.’ હરિત બોલ્યો, પરંતુ કિસાના આગ્રહથી એ સુજ્ઞાને પૈસા આપવા ગયો.

હરિત જે ના સમજે એ કિસા સમજે છે કારણ કે કિસા એક સ્ત્રી છે. એ જાણે છે કે સ્ત્રીનું મન કેટલું આળું હોય છે, નાની બાબતો એના મન પર કેવી અસર કરે છે ને એ દુ:ખી થઈ જાય છે. આજ સુધી આ ઘરમાં બહેન કર્તાહર્તા હતી. એનું એ આસન જરાય ડગમગવું ના જોઈએ. કિસા સુજ્ઞાનો પળેપળ આદરમાનથી ખ્યાલ રાખે છે છતાં પોતે નણંદ માટે વધારે પડતું કરે છે કે એના માટે ખાસ ભોગ આપે છે એવો કોઈ ભારબોજ એનાં વાણી કે વર્તનમાં દેખાતો નથી. બધું ખૂબ સ્વાભાવિકતાથી એ કરે છે. એ આ ઘરમાં આવી ત્યારથી માત્ર પતિનેજ નહીં, નણંદને પણ સંપૂર્ણપણે પોતાનાં માની લીધાં હતાં. આ ઘરમાં એણે પગ મૂક્યો ત્યારથી એને એની જવાબદારીનો પૂરો ખ્યાલ હતો, કે આ ઘરનો ખૂણેખૂણો હેતપ્રેમ અને કાળજીથી એણે ભરી દેવાનો છે. ઘરની વહુ તરીકે એ એનું કર્તવ્ય છે.

વળી હરિત અને સુજ્ઞા સ્વમાની અને શિક્ષિત હતાં. એટલે એક મનોચિકિત્સકની જેમ એમના મૂડ પારખીને એમની લાગણીઓની માવજત કરવાની હતી. ક્યાંય દયા બતાવે છે એવું ના દેખાવું જોઈએ. ક્યાંક બહાર જવાનું હોય ત્યારે કિસા કાયમ સુજ્ઞાને આમંત્રણ આપતી. સુજ્ઞા વિચારતી : ભાભી સારી છે તો મને સાથે જવાનું કહે છે; પણ એમ કંઈ જવાય નહીં. નવાં પરણેલાં ભાઈ-ભાભી સાથે જવાનો મને હક નથી પહોંચતો. ભાઈ પરણ્યો છે. હવે હું એક બાજુ ખસી જાઉં એમાં જ મારું શાણપણ છે, શોભા છે. તેથી સુજ્ઞા ના પાડતી; હસીને સ્નેહપૂર્વક સાથે જવાનો ઈન્કાર કરતી.
પોતાની વહાલસોયી નણંદની ના સાંભળીને કિસા બોલી ઊઠતી, ‘તમે નહીં આવો તો આપણે ત્રણે ઘેર બેસીને વાતો કરીશું.’ હવે ? હવે જો સુજ્ઞા ના પાડે તો કિસાનું અપમાન છે. એની નિષ્ઠા અને એના હેતનું અપમાન છે. એને નકારવાની શક્તિ સુજ્ઞામાં નથી. સુજ્ઞાનું હૈયું હેતપ્રેમ અને આનંદ-ઉલ્લાસથી છલકાઈ ઊઠ્યું. ઘરનો ખૂણેખૂણો સુખથી ઝળહળી ઊઠ્યો. આવી સમજદાર, ઉદાર અને પ્રેમાળ જીવનસાથી માટે હરિત ઈશ્વરનો આભાર માને છે.

દુનિયાના દરેક દેશના શાણા માણસો પોકારી પોકારીને કહે છે કે ઘરનાં સુખનો આધાર બહુધા સ્ત્રી પર જ હોય છે. સ્ત્રીએ એક મનોચિકિસ્તકની જેમ ઘરનાં દરેક સભ્યને અને એની લાગણીઓને સમજીને એ સંતોષાય એ રીતે વ્યવહાર કરવો જોઈએ. કિસા જેવી યુવતી બીજાને સુખી કરવાનું પોતાનું પરમ કર્તવ્ય માને છે. એ સામી વ્યક્તિમાં ઓગળી જવા તત્પાર હોય છે. એને અહમ નથી હોતો. એવું કહેવાય છે કે પ્રેમ એટલે આત્મવિલોપનની સતત પ્રક્રિયા. તમામ ઈચ્છાઓની શરણાગતિ અને નર્યું સમર્પણ. પ્રેમના કારણે જ પ્રેમના ઐશ્વર્યનો અનુભવ થાય છે. પ્રેમ આપવાનું જ જાણે છે. પોતે આપે છે એવું સામી વ્યક્તિને ભાન પણ નથી કરાવતી. આવી યુવતીઓ કર્તવ્યપરાયણ હોય છે.

આવી જ વાત છે નૃપાની. એ પરણી ત્યારે નિશાળમાં નોકરી કરતી હતી. પણ સાસરે આવીને એણે જોયું કે સાસુની તબિયત જરાય સારી નથી; લગભગ પથારીવશ છે. નાનીમોટી ફરિયાદોથી એમનું શરીર કંતાઈ ગયેલું. નૃપાએ જોયું કે સાસુને કાળજીભરી માવજત અને આરામની જરૂર છે અને એમની ચાકરી કરવાની મારી ફરજ છે. નૃપાએ તરત પોતાની નોકરી છોડવાનો નિર્ણય કર્યો. એનાં સાસુ-સસરાએ કહ્યું કે આવી સારી નોકરી શું કામ છોડે છે ? નૃપાના મમ્મી-પપ્પાને પણ થયું કે દીકરી આદર્શમાં તણાઈને કૅરિયર બગાડે છે. અરે, નૃપાના વર સૌમિલે કહ્યું : ‘મમ્મીને સવાર-સાંજ મદદ કરજે ને, ચાલશે. તું ભાવનાના આવેશમાં નિર્ણય ના લે. પછી કદાચ આવી સારી નોકરી ના મળે…’ પણ નૃપાએ કોઈનું સાંભળ્યું નહીં. એણે નોકરી છોડી દીધી. એણે સાસુની આયુર્વેદિક દવા શરૂ કરી. પાચનશક્તિ નબળી પડી ગઈ હતી તો દર બે-ત્રણ કલાકે કંઈ ગરમ બનાવીને આપતી. એમનું મન પ્રસન્ન રહે માટે સાહિત્યનું કંઈક કંઈક વાંચતી. યોગ્ય માવજતથી એનાં સાસુ એકાદ વરસમાં સાજાં થઈ ગયાં.

નૃપાની બહેનપણીઓ એને અવારનવાર કહેતી : ‘તારું એક વર્ષ ફોગટ ગયું.’ ત્યારે નૃપા કહેતી, ‘શરૂઆતમાં મેં ફરજ સમજીને મમ્મીની સેવા શરૂ કરી હતી, પણ મને મમ્મીનાં એટલાં લાડપ્યાર મળ્યાં કે મને થાય છે મેં કશું ગુમાવ્યું નથી, મને જે મળ્યું એ અણમોલ છે, નોકરી કરતાં ક્યાંય વધારે. મને જીવનનું એક પાસું જોવા ને અનુભવવા મળ્યું, કે પ્રેમ આપો તો પ્રેમ મળે જ. સમાજમાં બહુ વગોવાઈ ગયેલાં સાસુ-વહુના સંબંધમાંથી મને તો ફાયદો જ થયો છે. મેં આપ્યું એનાથી અનેકગણું હું પામી છું અને હું તો માનું છું કે મારી ટીચર તરીકેની કૅરિયર મારા જીવનનો એક ભાગ હતી, સમગ્ર જીવન નહીં. જીવન તો બહુ મોટું છે, એમાં પ્રેમ જીવનનું મુખ્ય કેન્દ્રબિંદુ છે, સુખનું ઉદ્દભવસ્થાન છે.’ પોતાની જાતને અર્પી દેવામાં ગૌરવ હોય છે એના કરતાંય વધારે તૃપ્તિનો આનંદ હોય છે એ નૃપા નાની ઉંમરમાં સમજી છે.

આધુનિક વિચારસરણીવાળી નોકરી કરતી યુવતી સ્વને ભૂલીને પતિ કે કુટુંબ માટે ઘસાવાનું બિનજરૂરી માને છે. પરંતુ પોતાની જાતને ઘરના હિત ખાતર અને કુટુંબીજનોનાં સુખ ખાતર ઓગાળી નાખવામાં કર્તવ્ય સમજનાર ગુણિયલ ગૃહલક્ષ્મી કુટુંબના શ્રેષ્ઠ સત્વનું પ્રતીક છે. આપણી ભારતીય સંસ્કૃતિનો આ આદર્શ છે. ઘરમાં આવી સ્ત્રી હોય તો કોઈ સમસ્યા સર્જાય નહીં.

No comments:

Post a Comment