Thursday, August 13, 2009

ગાઓ, નાચો સાથે સાથે છતાં એકલાં

hansh.jpgદરેક માણસને સુખની તલાશ હોય છે, તેથી તો એ સાથી ઇરછે છે, બાલ્યાવસ્થામાં એ રમતગમત માટે ભેરુ ઇરછે છે અને એ યૌવનમાં પ્રવેશે છે ત્યારે એના સ્વપ્નામાં એને દેખાય છે, એક જીવનસાથીની મૂર્તિ, એવા જીવનસાથીની મૂર્તિ જે એની ક્ષણેક્ષણ આનંદથી છલકાવી દે, એ સ્વપ્નમૂર્તિ સાથે તાદાત્મ્ય અનુભવતો એ વાસ્તવિક જગતમાં એની શોધ આરંભે છે.

જે જે પાત્ર એના માર્ગમાં આવે એને એ રૂપ, ગુણ, સંસ્કાર, સ્વભાવ, અભ્યાસ એમ કેટકેટલી દ્રષ્ટિએ એની ચકાસણી કરીને અંતે એક પાત્રને જીવનસાથી તરીકે પોતાના જીવનમાં પ્રતિષ્ઠિત કરે છે. અનુપમ સુખથી છલકાતા આદર્શ દાંપત્યજીવનની કલ્પના સાથે ખૂબ ઉમંગ અને શ્રદ્ધાથી શુભ દિવસે, મંગલ ઘડીએ એ પાત્ર સાથે જોડાય છે. કેટલી બધી ચિવટથી ગણત્રી કરીને, સાવધાની રાખીને એ લગ્ન કરે છે, પણ કયારેક ધાર્યા પ્રમાણે જિંદગી રૂપ, રંગ અને આકાર ધારણ કરતી નથી, એ ઉદાસી અને નિરાશાથી ધેરાઇ જાય છે. એના દામ્પત્યજીવનના પાયામાં તિરાડ પડે છે.

ઊડાણમાં એને ધ્રાસ્કો પડે છે, કેમ? કેમ આવું થયું? શું મેં જીવનસાથીની પસંદગીમાં થાપ ખાધી? ના, પસંદગી તો બરાબર જ હતી પણ બહુધા એનો અભિગમ જ ખામીભર્યોહતો. આપણે યાદ રાખવું જોઇએ, લગ્ન આપમેળે સ્વયંભૂ સફળ નથી થતા. પતિ-પત્નીનો સંબંધ તન અને મનનો છે, એમાં ગાઢ આત્મીયતાની અપેક્ષા હોય છે.

એ સંતોષવા પતિ-પત્નીએ સભાનપણે ધીરજ, વિશ્વાસ અને સમતાથી સંયુકતપણે મથવાનું છે. બધા માનવીય સંબંધોમાં લગ્ન સંબંધ એ માણસના સમગ્ર જીવનનો એક અતિમહત્ત્વપૂર્ણ અને અર્થસભર સંબંધ છે. એની સફળતા કે નિષ્ફળતાનો આધાર પતિ-પત્ની એ સંબંધને કઇ દ્રષ્ટિથી જુએ છે એની ઉપર છે.

થોડા દાયકાઓ પહેલાં લગ્નજીવનનો આદર્શ હતો કે પત્ની પોતાનું સમગ્ર વ્યકિતત્ત્વ અસ્તિત્ત્વ સમર્પિતભાવે પતિમાં ઓગાળી દે. સ્ત્રી ત્યાગ, સંયમ અને સહનશીલતાની મૂર્તિ ગણાતી, એ જમાનામાં સ્ત્રીને પોતાની ઈચ્છાઓ અને અરમાનો છોડીને પતિ સાથે એકરૂપ થવામાં ગૌરવ સમજતી હતી. એને અંગત મહત્ત્વાકાંક્ષા ધરાવવાનો જાણે હક જ ન હતો.

પણ હવે સમય બદલાયો છે. દરેક માનવીય સંબંધની વ્યાખ્યા બદલાઇ છે, પતિ-પત્નીના સંબંધોના સમીકરણો નવી દ્રષ્ટિથી જોવાય છે. આધુનિક શિક્ષણ અને પાશ્ચાત્ય વિચારસરણીના પ્રભાવમાં સ્ત્રીની ભૂમિકા ઘણી વિસ્તરી છે, એણે પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે.

વ્યકિત સ્વાતંત્ર્ય અને સમાનતા આ યુગમાં સ્ત્રી પોતાના વ્યકિતત્વનો લોપ ના કરી શકે એ શોભાની પૂતળી થઇને પ્રણાલિકાગત વિનમ્ર નારીની જેમ અન્યાય કે શોષણ ના સહી શકે. આજની શિિક્ષત, જાગ્રત નારી સંવાદી જિંદગી, પ્રેમ કે કર્તવ્યના નામ પર પોતાનું સ્વમાન હણાવા ના દે.

આજની નારીએ પોતાની શકિત અને સાધના દ્વારા સંસારના દરેકે દરેક ક્ષેત્રે દ્રઢતાથી પદાર્પણ કર્યું છે. હવે એ ઘરની ચાર દીવાલોમાં સમાઇ શકે એમ નથી. એને એનો વ્યવસાય છે, કારકિર્દી છે, સૌથી ઉરચતમ શિખરે પહોંચવાની એની મહત્ત્વાકાંક્ષા છે, એના માટે આકરી સાધના કરવાની નેમ ધરાવે છે.

આજની નારી પરણે છે, પોતાનો સંસાર રચે છે, પણ દરેક ગૃહકાર્યમાં એ પતિનો મૈત્રીપૂર્ણ સહકાર વાંછે છે. ઘર, સંસારના વ્યવહારો અને બાળકોની જવાબદારી હવે માત્ર સ્ત્રીની નથી ગણાતી. ઘર પતિ અને પત્ની બેઉનું છે. વ્યવસાયી નારી ઘરના કામમાં, બાળકના ઉછેરમાં પતિની મદદ નિ:સંકોચ લે છે. સમજદાર, પ્રેમાળ પતિ એને દાળચોખા ધોઇ આપે છે, શાક સમારી આપે છે અને ઘરની સફાઇ પણ કરી આપે છે. આમ જ અદ્વૈત સધાય છે અને ‘આઇ લવ યુ’ કહ્યા વગર અસીમ પ્રેમની અનુભૂતિ થાય છે.

એમના ઘર અને વ્યવસાયની જવાબદારી બરાબર સચવાય એ રીતે જિંદગી ગોઠવાય છે, જેથી કરીને બેમાંથી કોઇને પોતાનું કંઇ છોડવું પડયું છે એવો વસવસો નથી રહેતો પતિ-પત્ની અન્યોન્યના મિત્ર થઇને રહે છે. જીવનસંઘર્ષની એ પળો એમને નિકટ લાવે છે. અલગઅલગ વ્યવસાયવાળાં આજનાં પતિ-પત્ની પહેલાંના દંપતીની જેમ ક્ષણેક્ષણનો સાથ નથી મેળવતા પણ જયારે એક જણ સહાય માટે પોકાર પાડે ત્યારે બીજું પાત્ર પોતાનાં સર્વ કામ છોડીને પોતાના જીવનસાથીના પડખે જઇને ઊભું રહેશે. એમના માટે લગ્નસંબંધ બંધન નથી, પણ અન્યોન્યના સાથમાં તેઓ ખુલ્લા વ્યોમમાં વિહરે છે, વિકસે છે.

પ્રાચીન પરંપરા પ્રમાણે જીવતી ગઇ પેઢીની શોષાયેલી ગૃહિણીને પણ થાય છે કે નવી પેઢી સાચું સમજી છે અને સાચી રીતે જીવે છે. પતિ-પત્ની વરચે આવું મૈત્રીપૂર્ણ સાયુજય અપેક્ષિત છે. એકબીજાની નાની નાની વાતમાંય કોમળતાથી કાળજી લઇ કદર કરી, પ્રોત્સાહન આપીને નિષ્ઠાપૂર્વક સહજીવન જીવવું જોઇએ. કેવું અદ્ભૂત છે આ જીવન. કોઇને ચાહવું એટલે એની અપૂર્ણતાને સ્વીકારીને, એને અનર્ગળ પ્રેમ આપીને પોતે પૂર્ણ થવું અને અન્યને પૂર્ણતાનો અહેસાસ કરાવવો.

જીવનસાથીની ખામીને લાચારીથી નિભાવવાની નહીં પણ પૂરેપૂરી સમજણથી નિભાવવી જોઇએ, અને એ સમજણ બુદ્ધિની નહીં પણ હૃદયની એટલે કે પ્રેમની હોવી જોઇએ. પ્રેમ તો ચમત્કારીક રસાયણ છે જેમાં બધી મલિનતા, બધી કડવાશ નષ્ટ થાય છે, રહે છે માત્ર પ્રસન્નતા. પતિ-પત્નીએ આ બૌદ્ધિક યુગમાં સફળતાથી સંપૂર્ણ મનથી સાથે જીવવું એ એક પડકાર છે. લગ્નથી જોડાયાં એટલે સુખી થવાની ખાતરી નથી મળી જતી.

સહજીવનમાં અવારનવાર મન ઊચા થવાના પ્રસંગો તો આવે જ છે, ત્યારે મતભેદ સર્જાય, ચર્ચા થાય, ઘાંટાઘાંટ થાય પણ મનમાં કલેશ ના થવો જોઇએ. બીજી જ પળે મુકત મને ખિલખિલાટ હસવાની ઝિંદાદિલી હોવી જ જોઇએ. પતિ-પત્નીએ સતત ખ્યાલ રાખવો જોઇએ કે કોઇ પણ વ્યકિત સંપૂર્ણ નથી. એનામાં જે કોઇ ઉણપ દેખાય એનેય પ્રેમથી ચલાવી સમજીને સમાધાન કરવું જોઇએ. માનવીય સંબંધોની ગરિમાને ઝાંખપ લાગે કે એનું ગૌરવ હણાય તેવાં વાણી, વર્તનનો ત્યાગ કરો.

‘એ ગુડ મેરેજ મસ્ટ બી ક્રીએટેડ ડેઇલી.’ જીવનસાથી કંઇ કહે નહીં તોય એને મનોભાવ સમજાય એટલા એની સાથે તદ્રૂપ થઇ જાઓ. પતિ-પત્નીનો પ્રેમ શરતમુકત હોવો જોઇએ. આ સંબંધમાં કોણે કેટલું છોડયું એની ગણતરી ના હોય. ફાધર વાલેસ કહે છે, બેમાંથી એક થઇને નિકટ સાન્નિઘ્યમાં જિંદગીભર જીવવા માટે વ્યકિત વ્યકિતને મળે એ એક સાહસ છે, પડકાર છે, સાધના છે. માણસ માણસને મળે એનાથી મોટી ઘટના બીજી એકેય નથી. મક્કમ નિર્ધાર કરો તો ચોકકસ સફળ થવાય.

એકવાર જીવનસાથીની પસંદગી થઇ ગઇ એટલે સુખની કોઇ ગેરન્ટી નથી. તમારે પણ તમારા જીવનસાથીને યોગ્ય બનવા પૂરા પ્રયત્નશીલ રહેવાનું છે. અનુકૂલન, સમર્પણ અને પ્રત્યાર્પણ ઉભયપક્ષે સ્વેરછાએ અને સહજ રીતે થવું જોઇએ. પ્રિયજનના આનંદ અને સંતોષને પોતાના આનંદ અને સંતોષ માનવા જોઇએ, એમાં ઔદાર્ય, નિખાલસતા અને સાહજીકતા હોવાં જોઇએ.

દાંપત્યસંબંધમાં એક વાતનો ખ્યાલ રાખવો જોઇએ કે તમારા કોઇ ગમાઅણગમાને તમે પણ તમે સંમત થશો. જીવનસાથીને કહો કે હું તારી ભિન્નતાનો અને તારા વ્યકિતત્ત્વનો આદર કરું છું. તું જે છે તેને હૃદયભરીને પ્રેમ કરું છું. you be yourself યાદ રાખો, દાંપત્યને સાર્થક બનાવવા એમાં સ્વતંત્રતા અને મોકળાશ ઊમેરવા પડે. આજ્ઞાપાલન, સ્વામીત્વ કે સ્પર્ધા કડવાશ ઊભી કરે છે. પતિ-પત્નીના સંબંધમાં ગાઢ નિકટતા હોવા છતાં ય સ્વતંત્ર્ય અને મોકળાશ જરૂરી છે.

ખલિલ જિબ્રાને કહ્યું છે કે સાથે ગાજો, સાથે નાચજો પણ તમે બેઉ તમારી અલગતા જાળવજો. તમે બેઉ સાથે ઊભા રહેજો, પણ તમે ગુંગળાવ નહીં અને વિકસો, ખીલો, એટલી મોકળાશ રાખજો. અલગઅલગ ઊભા કરેલા કેટકેટલા સ્તંભો પર મંદિરનું નિર્માણ થાય છે. એ જ રીતે તમારા સહજીવનના મંદિરનું નિર્માણ કરજો. ઐકય છતાં અલગતા. જૂની પેઢીના વડીલોએ પણ જીવન પ્રત્યેનો આ અભિગમ અપનાવવો જોઇએ, તો જ જીવન પ્રસન્ન, મધુર, સુંદર અને સંવાદિતાભર્યું થશે અને ઘરના દરેક સભ્યનું જીવન સુખથી છલકાઇ જશે.

૧0 લવશિપ ફેક્ટ

૧. સફળ પુરુષ એ છે જે તેની પત્નીના ખર્ચ કરવાની ક્ષમતા કરતાં વધુ કમાય છે.સફળ સ્ત્રી એ છે જે આવો પુરુષ શોધી લે છે.
૨. પુરુષને જે વસ્તુ જોઇતી હોય તેના ૧૦૦ રૂપિયાને બદલે ૨૦૦ રૂપિયા ખર્ચ કરશે. સ્ત્રી ન જોઇતી વસ્તુના ૨૦૦ રૂપિયાને બદલે ૧૦૦ રૂપિયા આપી આવશે.
૩. પુરુષ એમ વિચારીને લગ્ન કરે છે કે તે બદલાઇ જશે પણ તે બદલાતો નથી. સ્ત્રી એમ માનીને લગ્ન કરે છે કે તે નહીં બદલાય પણ તે બદલાઇ જાય છે.
૪. એવી બે સ્થિતિ હોય છે જયારે પુરુષ તેની પત્નીને સમજી શકતો નથી - લગ્ન પહેલાં અને લગ્ન પછી.
૫. સ્ત્રીને પતિ મળે ત્યાં સુÊધી તે તેના ભવિષ્યની ચિંતા કરે છે. પુરુષને પત્ની મળે પછી તે ભવિષ્યની ચિંતા કરે છે
૬. પુરુષ સાથે ખુશ રહેવું હોય તો તેને સમજો વધુ અને પ્રેમ ઓછો કરો. સ્ત્રી સાથે ખુશ રહેવું હોય તો તેને પ્રેમ વધુ કરો, તેને સમજવાની જરાય જરૂર નથી.
૭. ‘અતિ પરિચયાત્ અવજ્ઞા’ પ્રમાણે ઓફિસમાં વધુ સાથે રહેવાને કારણે જ પ્રેમ સંબંધો પાંગરે છે.
૮. બે તૃતિયાંશ લોકો પોતાના ઓળખીતા હોય તેની સાથે જ સંબંધ બાંધવાનું પસંદ કરે છે.
9. Assumptions are the termites of relationships. - Henry Winkler
10. Are we not like two volumes of one book? -Marceline Desbordes -Valmore

No comments:

Post a Comment