Thursday, August 13, 2009

પ્રેમનો આદર્શ – અવંતિકા ગુણવંત

જાનકી ગ્રેજ્યુએટ થઈ ગઈ, એટલે રૂપાબેન તથા અક્ષયભાઈ કહે, ‘બેટા, તું ઈન્ડિયા જા, ત્યાં મોટા કાકાએ બે-ત્રણ છોકરા જોઈ રાખ્યા છે. તું તારી રીતે જો, પસંદ કર, પછી લગ્ન કરાવવા અમે આવી જઈશું.’
જાનકી બોલી, ‘પણ એમ કઈ રીતે છોકરો પસંદ થાય ? એકાદ-બે વાર કોઈને જોઈએ એટલે એની બુદ્ધિનો ખ્યાલ આવે, સ્વભાવનો ખ્યાલ આવે પણ લગ્નનું નક્કી કરવા માટે તો પ્રેમ હોવો જોઈએ. પ્રેમ થયા વગર લગ્નનું શી રીતે વિચારાય ?’ જાનકીના અવાજમાં મૂંઝવણ હતી.

આ પહેલાં જાનકી એનાં મમ્મી-પપ્પાના મોંએ કેટલીય વાર સાંભળી ચૂકી હતી કે જાનકીનાં લગ્ન તો ભારતમાં કરીશું, ભારતમાં જન્મેલા અને ભારતમાં ભણીગણીને તૈયાર થયેલા યુવક સાથે.
આવું વિચારીને એમણે જાનકીને ડેટિંગ પર કોઈ દિવસ મોકલી ન હતી. જાનકીનું નાનપણ વિદાય થવા માંડ્યું ત્યારથી એમણે એને છોકરાની સોબતના ખતરા વિશે સમજ આપવ માંડી હતી. તેમણે જાનકીનો ઉછેર ભારતમાં વસતાં માબાપની જેમ કર્યો હતો. અહીં અમેરિકામાં પણ એમનું સર્કલ બધું ભારતીય હતું. જાનકીને પણ પોતે ભારતીય છે એનું ગૌરવ હતું. ભારતીય સંસ્કારનું ગૌરવ હતું. ભારત જવું એને ગમતું હતું. પરંતુ આ તો વર પસંદ કરવા જવાનું હતું. ઘડી બે ઘડી કોઈને મળીને એની સાથે આખી જિંદગી રહી શકાશે કે નહિ એ નક્કી કરવું કેટલું કઠિન છે.
પણ અક્ષયભાઈ કહે, ‘આપણા દેશની આ જ રીત છે. ઘર અને કુટુંબ વિશે તપાસ કરીને વડીલો બે-ચાર પાત્રો નક્કી કરે, પરણનાર વ્યક્તિ એકાદ-બે વાર જુએ મળે ને પસંદગી કરી લે. અમે બધાં આ રીતે જ પરણ્યાં છીએ. અને સુખી થવું હોય તો આપણી રીત શ્રેષ્ઠ છે.’

રૂપાબેન બોલ્યાં, ‘છોકરો ભારતીય હોય, આપણી સંસ્કૃતિ, સંસ્કાર અને રીતરિવાજ પ્રમાણે ઊછર્યો હોય તો એની સાથે મનનો મેળ સહેલાઈથી બેસે, એ આપણી લાગણીઓ સમજી શકે.’

‘અહીંના ધોળિયાઓ આપણી કુટુંબભાવના કંઈ ના સમજે, પતિ-પત્નીના સંબંધની ગરિમા ના જાણે, એમને તો તરંગ ઊઠે એટલે છૂટાછેડા લઈ લે. એમને એમની જાત સિવાય કોઈ દેખાય નહિ. લાંબા લગ્નજીવનનો એક ઘડીમાં ફેંસલો મૂકીને ચાલી નીકળે.’ જાનકી મમ્મી-પપ્પાની વાત સાંભળે છે, વિવેકથી સાંભળે છે અને પછી ધીરે રહીને કહે છે, ‘તમે કહો છો એમાં પ્રેમનું નામ તો આવતું જ નથી. મારી નજરે તો સુખી થવા પ્રેમ સૌથી પહેલાં જોઈએ.’
‘ઓ બેટા, તારી વાત સાચી છે. પ્રેમ જોઈએ, પરંતુ સંબંધને ટકાવી રાખવા, એની માવજત કરવા સંસ્કાર જોઈએ, નિષ્ઠા જોઈએ, જે આપણા ભારતીય છોકરામાં મળશે.’

મમ્મી-પપ્પાની સલાહને મનમાં વાગોળતી વાગોળતી જાનકી ઈન્ડિયા પહોંચી. જાનકીનો જન્મ ઈન્ડિયામાં થયો હતો. પાંચેક વર્ષની ઉંમર સુધી એ ઈન્ડિયામાં જ ઊછરી હતી. અમેરિકામાં વસ્યા પછી ય એ એક-બે વાર ઈન્ડિયા ગઈ હતી. ઈન્ડિયા એના માટે અપરિચિત નહોતું. મોટાકાકાએ એને ખૂબ ભાવથી આવકારી. બધાં સગાં ભાવથી ભેટ્યાં.

જાનકી વિચારે છે, આ સગાંઓ પપ્પાને ઓળખે છે, પપ્પા સાથે તેઓ રહ્યાં છે અને હું પપ્પાની દીકરી છું એટલું સાંભળીને કેવા પ્રેમથી વાતો કરે છે. પપ્પા સાથેની યાદો તાજી કરે છે. એમની વાતોમાંથી પપ્પા અને મમ્મી વિશે કેટલું બધું નવું જાણી શકાય છે. મારા કરતાંય તેઓ મમ્મી-પપ્પાને વધારે જાણે છે. જાનકીને થયું, અમે બધાં કેવા અદશ્ય તંતુથી બંધાયેલાં છીએ. આ બધાં મારાં છે, હું આ બધાંની છું. હું ભારતની છું.

મોટાકાકાએ બતાવેલા ત્રણેક છોકરામાંથી જાનકીને શુભમ્ સૌથી વધારે ગમ્યો. એ પોતાની નજીક લાગ્યો.

શુભમ્ એનાં માબાપનો એક નો એક છોકરો હતો. દેખાવમાં સોહામણો અને સૌમ્ય, સ્વભાવે આનંદી અને કુશાગ્ર બુદ્ધિમાન હતો, એન્જિનિયર થઈને એમ.બી.એ થયેલો. જાનકી નિ:સંકોચ એના ઘરે જવા-આવવા માંડી. શુભમ્ ઘણીવાર બહાર ફરવા જવાનું સૂચન કરતો ત્યારે એ કહેતી, અમેરિકામાં ખૂબ ફરવાનું મળે છે, અહીં મને ઘરમાં બેસવા દે. જાનકી શુભમ્ ને જીવનસાથી તરીકે નક્કી કરી ચૂકી હતી. ખૂબ વિશ્વાસથી એ વિચારતી, અમારો જીવનપંથ ભવિષ્યમાં ઉપર જતો હશે કે નીચે, હું ને શુભમ્ સાથે ને સાથે જ હોઈશું. પરિસ્થિતિ ગમે તેવી હશે, અમારામાં કોઈ પરિવર્તન નહિ આવે.

શુભમ્ નું ઘર જાનકીને પોતાનું ઘર લાગતું. એનાં માબાપ અને બહેન એને પોતાનાં લાગતાં. એણે અમેરિકા કોલ કરીને અક્ષયભાઈ અને રૂપાબેનને કહી દીધું કે આપણને કલ્પનામાં ય ના આવે એવો સરસ છોકરો શુભમ્ મને મળી ગયો છે. હું ખૂબ ખુશ છું.
અક્ષયભાઈ બોલ્યા, ‘શુભમ્ નું ક્વોલિફિકેશન સારું છે, અહીં સેટલ થવામાં સરળતા રહેશે.’
અક્ષતભાઈ અને રૂપાબેન હોંશથી ભારત જવાની તૈયારી કરવા માંડ્યાં. બધા મિત્રો, સ્વજનોને એમણે આ શુભ સમાચાર પહોંચાડી દીધા અને લગ્ન કરાવીને અહીં આવીને ગ્રાન્ડ પાર્ટી આપવાનું વચન આપ્યું. ત્યાં જાનકીનો ઈન્ડિયાથી કોલ આવ્યો, ‘હું ત્યાં પાછી આવી રહી છું.’

‘અહીં, પાછી, કેમ? શું થયું બેટી ? તારું લગ્ન ? શુભમ્ ? બધું કુશળમંગળ છે ને ?’ અક્ષયભાઈએ એકસામટા અનેક પ્રશ્નો પૂછી કાઢયા. એમના અવાજમાં આંચકો હતો, આઘાત હતો.

અક્ષયભાઈના બધા પ્રશ્નોના જવાબમાં જાનકી બોલી, ‘એ બધી વાતો ભૂલી જાઓ.’
રૂપાબેને ચિંતાતુર અવાજે પૂછયું, ‘બેટા, હું ત્યાં આવી જાઉં ?’
જાનકી સ્વસ્થ સૂરે બોલી, ‘ના, હું ત્યાં આવું છું, તમે ચિંતા ના કરશો.’
દીકરી કહે છે, ચિંતા ના કરશો, પણ મા-બાપ એમ ચિંતા છોડીને નઘરોળ બની શકે ? કંઈ કેટલીય શંકા, કુશંકા, તર્ક, વિતર્કથી મન ઊભરાવા માંડ્યું.

જાનકી આવી. ઘરના દીવાનખાનામાં શાંતિથી બેસીને એ બોલી, ‘શુભમ્, એનું ઘર, એનાં મા-બાપ, બધાં સારા છે. એમને કોઈ વ્યસન નથી, દુર્ગુણ નથી, સમાજમાં આબરુ છે, પ્રતિષ્ઠા છે….’
‘તો વાંધો ક્યાં આવ્યો, તારું મન કેમ પાછું પડ્યું ?’ અક્ષયભાઈએ ધીરેથી દીકરીને પૂછયું. એમને દીકરીની બુદ્ધિ અને નિર્ણયશક્તિ પર પૂરો ભરોસો હતો. દીકરી ઉતાવળિયું કોઈ પગલું ભરે એવી નથી. એને યોગ્ય લાગે એમ જ એણે નક્કી કર્યું હશે. તો પહેલાં શુભમ્ માટે હા કહી અને પછી ના કેમ ? એવું શું બની ગયું હશે બે વચ્ચે ?

જાનકી બોલી, ‘શુભમ્ સાથે જીવવું હોય તો મારે મારી જાતને ભૂલી જવી પડે. મનોમન ગૂંગળાવું પડે એ મને મંજૂર નથી.’

‘એ એવો ડોમિનેટિંગ છે, સરમુખત્યાર છે એ નક્કી કર્યા પહેલાં ખ્યાલ નહોતો આવ્યો ? તે સ્પષ્ટપણે પૂછયું ન હતું ? તારા વિચારો એને જણાવ્યા ન હતા ?’

‘જણાવ્યા હતા, પતિપત્નીના સમાન હકની વાત મેં કરી હતી અને એણે કહ્યું કે એ સમાન હકમાં માને છે. એણે કહ્યું હતું કે કોઈની પર હુકમ ચલાવવો એ તો જંગલીપણું છે, માણસ માત્રને માન આપવું એ સંસ્કારી માણસનું પહેલું લક્ષણ છે. એ મને પૂરું માન આપતો હતો. મારી લાગણી અને સુક્ષ્મમાં સુક્ષ્મ સંવેદન એ પામી જતો હતો. હું દુભાઉં નહિ એની કાળજી લેતો હતો. પણ એક દિવસ હું એના ઘેર બેઠી હતી…’ આટલું કહીને જાનકી અટકી ગઈ, પછી સહેજ વારે બોલી, ‘મમ્મી, પપ્પા, એ આખો પ્રસંગ હું નથી વર્ણવતી, પણ શુભમે એની મમ્મી સાથે જે તોછડાઈ દાખવી, અપમાનભર્યું વર્તન દાખવ્યું, હું તો ડઘાઈ જ ગઈ. એની મમ્મી કંઈક કહેવા ગઈ અને એણે જે ધૂત્કારથી એને દબાવી દીધી, ચૂપ કરી દીધી એ વખતે એનાં મમ્મી લાચાર બનીને ચૂપ રહ્યાં, એમને એવું વર્તન સહન કરવાની, ચલાવી લેવાની ટેવ હશે પણ મમ્મી, પપ્પા, હું એવું ના ચલાવી શકું. અને એવું ચલાવવું પણ શા માટે? તે દિવસે મને શુભમ્ નું સાચું સ્વરૂપ દેખાઈ ગયું. જે છોકરો આવો રુક્ષ, તોછડો, જડ બની શકે એ મારો જીવનસાથી થવાને યોગ્ય ના હોય. મમ્મી, મને થયું, એના આવા સ્વભાવના કારણે મારે એની સાથે મતભેદ પડે જ પડે. એના આવા વર્તનનો વિરોધ કરીને એનો સદભાવ, એનો પ્રેમ હું જાળવી શકું ખરી ? મારી અસંમતિ સાથે એ સંમત થઈને ખુશ રહી શકે ખરો ? પપ્પા આપણે અહીં વસેલા ભારતીયો ઈન્ડિયન ખોરાક ખાઈએ, ભારતના સંસ્કાર અને ધર્મની વાતો કરીએ અને માનીએ કે આપણે ભારતીય છીએ. તમે અને તમારી પેઢીના જેઓ પાછળથી અહીં આવીને વસ્યા છો એમના માટે એ સાચું છે. તમારાં જીવનમૂલ્યો, તમારા સંસ્કાર, તમારું માનસ સંપૂર્ણપણે ભારતીય છે. તમારા મોંએ અમે ભારતની વાતો સાંભળ્યા કરી હતી. જે સાંભળ્યું એ બધું અમારી અંદર ઊતરી ગયું હશે, પણ અમારું ઘડતર માત્ર તમારી વાતોથી જ નથી થયું. પાંચ વર્ષની ઉંમરે હું અમેરિકા આવી હતી, અહીંના સંસ્કારો પણ મારા કુમળા માનસ પર ઝીલાયા હશે. અહીંની સમાજિક માન્યતાઓ, પ્રથાએ મારા માનસને ઘડવામાં ભાગ ભજવ્યો છે. મારો બાહ્ય દેખાવ, રૂપ, રંગ તમારા જેવા છે, પણ અંદરથી હું તમારા જેવી નથી, હું મારી જાતને બીજામાં ઓગાળી ના શકું. સંવાદી જિંદગી કે પ્રેમના આદર્શ માટે સ્વમાન છોડી ના શકું. ત્યાં જન્મેલો અને ત્યાંની રીતે જીવતો છોકરો હું ના સ્વીકારી શકું.’

‘તો હવે તું શું કરીશ, બેટી ?’

‘હું અહીં રહેતા, અહીંના માનસથી, માન્યતાઓથી પરિચિત કોઈ ભારતીય છોકરા સાથે પરણીશ. એવું યોગ્ય પાત્ર મારા જીવનમાં આવે ત્યાં સુધી રાહ જોઈશ. તમે મારી ચિંતા ના કરશો.’

No comments:

Post a Comment