Thursday, August 13, 2009

પ્રતીક્ષામાં નીરવે શું જોયું ? અવંતિકા ગુણવંતપ્રતીક્ષાને જોઈને વિચાર આવે કે સામાન્ય દેખાવની સીધીસાદી છોકરીને કોણ પસંદ કરશે ? નથી એને ટાપટીપ આવડતી, નથી બોલવા-ચાલવાની છટા, સાવ સરળ છોકરી છે. હા, એ ઘરકામમાં હોશિયાર ને લાગણીવાળી છે પણ એ એને જોવા આવનારને પ્રથમ નજરે કેવી રીતે ખબર પડે ? અને ખબર પડે તો ય હવે માત્ર ઘરકામની આવડત કે લાગણીને કોણ પૂછે છે ? બધાંને સ્માર્ટ રૂપાળી છોકરી જોઈએ છે. એનાં માબાપને પણ એની ચિંતા રહેતી હતી. કેટલાય ઠેકાણેથી ના પડી હતી. ભાંગેલા હૈયે પણ એમના પ્રયત્ન ચાલુ જ હતા.

એક દિવસ નીરવ એને જોવા આવ્યો. નીરવ એમ.કોમ થયેલો ને બે ઠેકાણે જૉબ કરીને સારું કમાતો ને દેખાવમાં સ્માર્ટ અને હસમુખો હતો. એને જોઈને પ્રતીક્ષાને થયું કે આવા રૂપાળા છોકરાને મમ્મીપપ્પા શું કામ બોલાવતાં હશે ? આવો સરસ છોકરો તો મને ના જ પાડશે. પણ સૌના આશ્ચર્ય વચ્ચે નીરવ તરફથી હા આવી. કોઈએ નીરવને કહ્યું : ‘પ્રતીક્ષા કરતાં ક્યાંય સુંદર છોકરીઓ તને મળત. આવી ગાંગલીને શું હા કહી ? એનામાં તેં શું જોયું ?’
નીરવ બોલ્યો : ‘એક સ્ત્રીમાં જે જોઈએ એ બધું જ એનામાં છે. હું એને જોવા ગયો ત્યારે મારી સાથે મમ્મી હતી ને સાથે ભાભીનો બે વર્ષનો બાબો સત્યમ હતો. સત્યમને શરદી અને કફ હતાં. એણે નાસ્તો કર્યો ને તરત ત્યાં ઊલટી કરી. હું ને મમ્મી એકદમ સંકોચ પામી ગયાં હતાં, પરંતુ પ્રતીક્ષાએ કેટલી સાહજિકતાથી બધું સાફ કર્યું. સોફા-કારપેટ બધું બગડ્યું હતું પણ એના મોં પર જરાય અણગમો નહીં, સૂગ નહીં. પ્રતીક્ષાનાં મમ્મી ય કેટલાં ખાનદાન. એ કહે, હોય છોકરાંને તો આવું થાય. સારું થયું એનો કફ નીકળી ગયો. હવે એ સાજો થઈ જશે.’ એમના બોલવામાં ક્યાંય બનાવટ ન હતી. એમનાં સોફા-કારપેટ બગડ્યા એનો જરાય કચવાટ નહીં.

હું પ્રતીક્ષાને એકાંતમાં મળ્યો ન હતો. અમે બેઉએ વાત કરી ન હતી. મેં એને હા કહી ન હતી, એ મારું મન જાણતી ન હતી ત્યારે અમે માત્ર મહેમાન જ હતાં, મહેમાનને આવી રીતે સાચવનાર સ્નેહાળ, સેવાભાવવાળી છોકરી દીવો લઈને શોધવા જઈએ તો ય નથી મળતી. પ્રતીક્ષા લાગણીશીલ છે, વિવેકી છે, ફરજના ભાનવાળી છે, સમજદાર અને ઠરેલ છે. જીવનસાથીમાં આનાથી વધારે શું જોઈએ ! બાહ્યરૂપનો મને કદી મોહ નથી થયો. એ કેટલી સરળ અને આડંબરહીન છે. મારી સાથે મમ્મી હતી. મમ્મી ઘરડી નથી. એ સત્યમને સાફ કરી શકતી હતી. ઘેર ભાભી હોય તો ય મમ્મી જ સત્યમને નવડાવે છે, સત્યમ મમ્મીનો જ હેવાયો છે પણ પ્રતીક્ષામાં એવી તો કઈ આવડત, કેવી ખૂબી કે સત્યમે એની પાસે બધું સાફ કરાવ્યું. એને જરાય અજાણ્યું ન લાગ્યું. બાળક માણસને બહુ સારી રીતે ઓળખી શકે છે. એ ક્ષણે જ મારા હૈયામાંથી પ્રતીક્ષા માટે હા નીકળી હતી. આવી છોકરી હોય તો હું એકલો જ નહીં, મારું આખું કુટુંબ સચવાય. ઘણાં ઘરોમાં રૂપાળી, હોંશિયાર, બાહોશ પુત્રવધૂ હોય છે તોય માબાપ દીનહીન, લાચાર, ઓશિયાળાં થઈને એક ખૂણામાં બેસી રહ્યાં હોય છે. મને આવું ન ગમે. મને વિશ્વાસ છે પ્રતીક્ષાના રાજમાં મારાં મમ્મીપપ્પા કદી ઓશિયાળાં કે લાચાર બનીને નહીં જીવે. એમનાં હૈયાં સૂનકારનો અનુભવ નહીં કરે.

કેટલાય યુવાનો જીવન વ્યવસ્થિત જીવી શકાય, કુટુંબ ને ઘર બરાબર સચવાઈ શકે માટે સંસ્કારી, સદગુણી અને ખાસ તો નમ્ર છોકરી પસંદ કરે છે. જે છોકરીઓ ગૃહિણી થવામાં ગૌરવ સમજતી હોય ને અહમવાળી ન હોય, એ છોકરીઓ ભલે દેખાવે મનમોહક કે આકર્ષક ન હોય, પણ એમનું ભીતર ભાવનાશીલ હોય છે. તેઓ બીજાને સુખી કરવામાં માને છે. સદભાવ અને સર્વ પ્રત્યેનું હેત એમના ચહેરાને અનેરી શોભા આપે છે. હા, એ સૌંદર્ય જોવા દષ્ટિ જોઈએ.

No comments:

Post a Comment