Thursday, August 13, 2009

જીવનસાથીની પસંદગી – અવંતિકા ગુણવંત


sapnaneકુલીને અર્પિતાને સૌથી પ્રથમ એક સંગીત સમારંભમાં જોઈ. જોઈ એવી જ એને અર્પિતા ગમી ગઈ. કુલીન એન્જિનિયર હતો. પાંત્રીસ વરસનો હતો છતાં હજી લગ્ન કર્યાં ન હતા. એને પોતાનું કારખાનું હતું. કામધંધામાંથી જે સમય બચે એ સંગીતસાધનામાં ગાળતો હતો. તે એક ઉસ્તાદ પાસે સંગીતની તાલીમ લેતો હતો. સંગીતના કાર્યક્રમોમાં એ અચૂક જતો. આવા જ એક કાર્યક્રમમાં એ અને અર્પિતા મળી ગયાં. બેઉ એકબીજા પ્રત્યે આકર્ષાયાં. વગર કહે બેઉને એકબીજાના પ્રેમનો અહેસાસ થયો. ખાતરી થઈ. બેઉ વારંવાર મળવા માંડ્યાં.

સમય પસાર થતો ગયો. કુલીને લગ્નની વાત ના ઉચ્ચારી તો અર્પિતાએ જ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. કુલીન બોલ્યો : ‘આપણે નિર્ણય લઈએ એ પહેલાં તમે એક વાર મારા ઘેર આવો. ઘર જુઓ.’
‘ઘરને શું જોવાનું ? મેં તો તમને જોયા છે ને મારા હૈયાએ કબૂલ કર્યા છે. હવે વધારે વિચાર કરવાની કે તમારું ઘર જોવાની જરૂર નથી લાગતી.’
‘પણ હું જેમની સાથે રહુ છું તેમને એક વાર તમે જુઓ, મળો.’
‘એ બધાંને શું કામ મળવાનું ? રહેવાનું તો આપણે બંનેને છે.’
‘મારી સાથે મારાં એ સગાં આવી જાય છે. તેઓ આજીવન મારી સાથે મારા ઘર સાથે જોડાયેલાં છે.’ મક્કમતાથી કુલીને કહ્યું.
‘આમાં કોઈ નવી વાત નથી. જેઓ તમારી સાથે જોડાયેલાં છે એ બધાં મારી સાથે જોડાશે. પતિનાં સગાં આપોઆપ પત્નીનાં સગાં બને છે. ભારતીય છોકરીને આ બધું કહેવાનું ન હોય.’ અર્પિતાએ સ્પષ્ટતા કરી.

‘છતાં તમે ઉતાવળ ન કરો, આદર્શમાં ખેંચાઓ નહીં. મારા ઘરમાં મારી સાથે મારાં વૃદ્ધ નાનીમા, મારા મામા અને મારી બા રહે છે. નાનીમા બાણું વરસનાં છે. લગભગ પથારીમાં છે. એમના માટે ખાસ એક બાઈ રાખી છે, જે એમનું બધું કામ કરે છે, માટે એમની વિશેષ કોઈ જવાબદારી મારા માથે નથી પણ મામા અસ્થિર મગજના છે. એ બોલવા માંડે તો બોલવા જ માંડે, ભાષણો જ કરે અને ચૂપ થઈ જાય તો દિવસો સુધી એક અક્ષરે બોલે નહીં. એક જ જગ્યાએ બેસી રહે. ખાય નહીં, પીએ નહીં, અને મારાં બાના જીવનમાં એવા આઘાત આવી ગયા છે કે એમનું મન સાવ દુર્બળ બની ગયું છે. કોઈ અજ્ઞાત ભયથી એ સતત ફફડતાં રહે છે. બારી કે બારણું જોરથી અથડાય, ડોરબેલ વાગે કે ટેલિફોનની રિંગ વાગે તોય થરથર ધ્રૂજે. કોઈ એમને મારવાનું હોય એમ શરીર સંકોચીને એક ખૂણામાં ભરાઈ જાય. એમને સતત આશ્વાસન અને હૂંફની જરૂર પડે છે. કોઈ વાર ધંધાકીય કામ વધારે હોય અને એમની સાથે એમને સંતોષ થાય ત્યાં સુધી બેસું નહીં તો એમને ઓછું આવી જાય ને રડવા માંડે. એક વાર એ રડવા માંડે તો કલાકો સુધી રડ્યા જ કરે. એમને છાનાં રાખવાં ભારે પડી જાય.’ કહેતાં કહેતાં કુલીન ગળગળો થઈ ગયો.

‘તમારા સિવાય આ બધાંને સંભાળનાર બીજું કોઈ નથી ?’ અર્પિતાએ પૂછ્યું.
‘ના, મારે કોઈ ભાઈબહેન નથી. હું એકનો એક છું. હું અગિયાર વરસનો હતો ત્યારે મિલકતના ઝઘડામાં અંદરોઅંદરનાં સગાંએ જ મારા બાપુજીને ઝેર આપ્યું ને બાપુજી તત્કાળ મૃત્યુ પામ્યા. ત્યારે અમારો જીવે જોખમમાં હતો. આ બધું બર્મામાં બન્યું. ત્યાં લાખો રૂપિયાની મિલકત રહેવા દઈને થોડુંક ઝવેરાત જે હાથવેંત હતું તે લઈને બા મને લઈને ત્યાંથી ભાગી. કોને ખબર એનામાં ક્યાંથી એટલી હિંમત અને હૈયા ઉકલત આવ્યાં ? અમે મારા મોસાળ ભાવનગર પહોંચ્યાં. નાનાજીએ અમને સાચવ્યાં. પણ સ્થિરતા કે શાંતિ અમારા નસીબમાં લખાયાં ન હતાં. પાંચેક વરસ પછી મારા નાનાજીનું હાર્ટફેલ થયું. એ વરસે મેં મેટ્રિકની પરીક્ષા આપી હતી. મારા મામા મદ્રાસ સેટલ થયા હતા. મામા નાનીમા, મને અને મારી બાને મદ્રાસ લઈ ગયાં. મામા-મામીનો સ્વભાવ ખૂબ પ્રેમાળ હતો. અમે ત્યાં બરાબર ગોઠવાઈ ગયાં. પણ નિરાંતનો શ્વાસ લીધો ના લીધો ને ત્રીજા જ વરસે એક મોટર અકસ્માતમાં મામાનો એકનો એક પચ્ચીસ વરસનો દીકરો મૃત્યુ પામ્યો. દીકરા પાછળ રડી રડીને મામી પણ ગયાં. આઘાતથી મામાનું મગજ સમતોલપણું ગુમાવી બેઠું. મારી બાએ હબક ખાઈ ગઈ કે અમે એવાં તે શાં પાપ કર્યાં છે કે જ્યાં જઈએ છીએ ત્યાંનું સુખ નષ્ટ થઈ જાય છે ને વિપદા આવે છે. આમ, આક્રોશ ને કલ્પાંતમાં બાનું હૃદય, મન સાવ નિર્બળ થઈ ગયાં.’

વાત સાંભળતાં સાંભળતાં અર્પિતાની આંખમાં આંસુ આવી ગયાં. એ કંઈ બોલી શકી નહીં. સહેજ વાર અટકીને કુલીન બોલ્યો, ‘મોતને વારંવાર આવા બિહામણા સ્વરૂપમાં જોવાથી હુંય થોડો નિરાશાવાદી થઈ ગયો છું. મારું બાળપણ ભયમાં જ વીત્યું છે. બા મને નજર આગળથી દૂર જવા દેતી નહીં. નિશાળે જાતે તેડવા-મૂકવા આવતી. સરખેસરખા મિત્રો સાથે રમવા જવા દેતી નહીં. પિકનિક કે પ્રવાસે જવા દેતી નહીં. એને કોઈની પર ભરોસો રહ્યો ન હતો. મને કોઈના ત્યાં જવા દેતી નહીં. વાતે વાતે એ શંકા કરતી. બધાંને વહેમથી જોતી. ક્યારેક તો દેખીતું કોઈ કારણ ના હોય છતાં એના મનમાં શું ભાવ જાગે કે મને છાતીસરસો દાબીને રડ્યા કરે. રાત્રે હું ઊંઘતો હોઉં ત્યારે હજુય એ આવીને મારા મોંએ, માથે હાથ ફેરવે છે. ક્યારેક લાગણીથી હું માત્ર એટલું જ કહું કે શું કરવા વારંવાર ઊઠીને આવો છો ? શાંતિથી સૂઈ જાઓને, તોય એ રડી પડે. સતત ભય અને ડરમાં એ જીવે છે. કંઈ ખરાબ બનશે તો એની દહેશતમાં એ ચેનથી જીવતાં નથી.’

‘તમારા બા માટે બહુ લાગણી થાય છે. એમને કેટકેટલું વેઠવું પડ્યું ?’
‘હા, એટલે જ એમનું દિલ જરાય દુભાય એ હું ના સહી શકું. મારી બાને હું વધારે દુ:ખી કરવા નથી માંગતો. વળી, મામાનીય કાળજી લેવાની છે, નાનીમાનુંય ધ્યાન રાખવાનું, મારી આટલી બધી જવાબદારીમાં સાથ આપે એવું પાત્ર ક્યાંથી મળે ?’
‘કેમ ના મળે ?’ અર્પિતાએ પૂછ્યું.
‘તમે જાણો છો મારી માને સાચવવી એટલે શું ? એમના મનમાં એક વાત આવે એ રીતે જ થવું જોઈએ. એમને સમય કે સ્થળનું ભાન રહેતું નથી. સામા માણસને પોતાની અલગ જિંદગી હોય, વિચારો હોય, ગમતું ના ગમતું હોય, અગવડ હોય એવું કશું એ સમજી શકતાં નથી. એવું સમજવાની શક્તિ જ એ ગુમાવી બેઠાં છે. એમને સાચવવા કેટલી ધીરજ અને સંયમ જોઈએ. એમને શાંતિ આપવા રોજ કલાકો સુધી હું એમની પાસે એમને પંપાળતો બેસી રહું છું. કઈ પત્ની આ બધું ચલાવી લે ? અને આ બેચાર દિવસ માટે નથી. આ સેવા એ જીવે ત્યાં સુધી કરવાની છે. અને બદલામાં મારી પત્ની થઈને આવનાર સ્ત્રી શું પામે ?’
‘કેમ આમ બોલો છો ? તમારી કસોટીરૂપ આવા આકરા કામમાં એ સાથ આપે તો એને તમારો અનહદ પ્રેમ મળે. દુ:ખમાં જ પતિપત્ની એકબીજાની વધારે નજીક આવી શકે છે. દુ:ખમાં સહભાગી થવામાં મનને જે સંતોષ મળે છે એ અમૂલ્ય છે. જેને ચાહતા હો એના દુ:ખનો ભાર હળવો કરવામાં તો સાર્થકતા લાગે.’ અર્પિતા ભાવથી બોલી.
‘ઓહ, આવું બધું તમે આધુનિક સ્ત્રી વિચારી શકો છો ?’ નવાઈ પામતો કુલીન બોલ્યો.
‘આધુનિક સ્ત્રીને તમે શું સમજો છો ? શું એને હૃદય નથી હોતું ? ભાવના કે આદર્શ નથી હોતાં ?’
‘સૉરી, પણ મારી જનરલ છાપ એવી છે કે આધુનિક સ્ત્રી સ્વકેન્દ્રી હોય છે. તે પોતાનાં સુખસગવડનો, વિકાસનો, એશઆરામનો જ વિચાર કરે છે. બીજાના ખાતર કંઈક સહન કરવું, ભોગ આપવો કે ત્યાગ કરવો એમાં એ માનતી નથી. યુવતીઓ જ નહીં યુવકો પણ આવી જ વિચારસરણી ધરાવે છે. આ જમાનો જ નફાનુકશાનની ગણતરીનો છે. ત્યાં મારી સાથે ખોટનો ધંધો કરવા કોણ કબૂલ થાય ? ત્યાગના પંથે સાથી બનવાનું આમંત્રણ મારાથી કોને અપાય ?’ બોલતાં બોલતાં કુલીન અટક્યો, એટલે અર્પિતા બોલી : ‘કહેવાનું હતું એટલું કહી દીધું તમે ?’ અર્પિતાના બોલવામાં જાણે અધિકાર હતો.
‘હા’

‘તો હવે મારી વાત સાંભળો, તમે કહો છો એ અમુક અંશે સાચું છે. માણસનાં જીવનમૂલ્યો, આદર્શો, ભાવનાઓ બદલાયાં છે. માણસ પોતાનાં અંગત સુખનો વિચાર પહેલાં કરે એ સ્વાભાવિક છે. પણ સુખની વ્યાખ્યા માણસે માણસે જુદી હોય છે. મને પોતાને ભૌતિક ભોગવિલાસ કે રંગરાગ કરતાં પતિનો પ્રેમ પામવામાં વધારે સુખ લાગે છે. પતિનાં સુખદુ:ખમાં ભાગીદાર થવામાં જે ઐક્ય અનુભવાય એમાં જ જીવનની ધન્યતા લાગે છે. હું પ્રેમની શોધમાં છું. હું ઈચ્છું છું એવો પ્રેમ તમારી પાસેથી જ મને મળી શકે. તમને તમારાં સગાંઓ સાથે હું મારા જીવનમાં આવકારું છું. તમારી બધી જવાબદારીઓ મારી છે.’

કુલીન આશ્ચર્યચકિત થઈને સાંભળી રહ્યો. બોલ્યો, ‘છતાં પણ હું તમને વિનંતી કરું છું, કોઈ પણ આવેશ કે આવેગમાં નિર્ણય ના લો. મારા ઘેર આવો. સાથે તમારાં વડીલોને પણ લાવો.’ અર્પિતા એનાં બા-બાપુજીને લઈને કુલીનના ઘેર ગઈ. ત્યાં નાનીમા, મામા અને બાને જોયાં. એમને જોઈ એને પોતાપણાની લાગણી થઈ આવી. બોલી : ‘હવે તો તમારી સાથે લગ્ન કરવાની મારી ઈચ્છા વધારે પ્રબળ થઈ છે.’ અર્પિતાનાં માબાપને પણ કુલીનની સજ્જનતા, ખાનદાની, ગંભીરતા અને પ્રેમ સ્પર્શી ગયાં. તેમણે સંમતિ આપી અને બેઉ પરણી ગયાં.

No comments:

Post a Comment