Thursday, August 13, 2009

પ્રેમનો જવાબ આપ – અવંતિકા ગુણવંત

કુમુદે પ્રવીણ સાથે લગ્ન કર્યાં હતાં પણ કોને ખબર કેમ પ્રવીણ એને ગમતો નહોતો. કદાચ એ પોતાની જાતને પ્રવીણ કરતાં ખૂબ ચડિયાતી માનતી હતી. પ્રવીણને જોઈને એ હરખાતી નહીં. એની સામે જોઈને હસતી નહીં. એની સાથે હોંશથી વાત કરતી નહીં. જાણે એને વરની જરૂર જ નથી. વર એના જીવનમાં વણનોતર્યો આવી ચડ્યો છે. એ પોતાનામાં મસ્ત રહેતી.

પત્નીનું અતડાપણું પ્રવીણને બેચેન બનાવી મૂકતું. પત્નીનું દિલ જીતવા એ જાતજાતની ભેટ લઈ આવતો પણ કુમુદ ભેટ પર એક નજરે નાખ્યા વગર બાજુ પર મૂકી દેતી. ધડકતા હૈયે અચકાતાં અચકાતાં પ્રવીણ કહેતો, ‘ખોલીને જો તો ખરી, અંદર શું છે ?’
‘મારે જોઈતી ચીજ હું મારી મેળે ખરીદી શકું છું.’ ભાવહીન સૂરે કુમુદ બોલતી.
‘આ ચીજ માત્ર તારે ખપમાં આવે એટલે નથી આપી, આ તો પ્રેમના પ્રતીક તરીકે હું આપું છું.’ પ્રવીણ કહેતો.
‘તો એ હું તમને સાભાર પરત કરું છું.’ લાગણીહીન, નિર્જીવ સૂરે કુમુદ કહેતી.
‘માત્ર આભાર જ ? સાથે પ્રેમ નહીં ?’ સંવાદ લંબાવતાં આતુર પ્રવીણ સ્નિગ્ધ કંઠે પૂછતો. એ કોઈ પણ રીતે નવોઢા પત્નીનું દિલ જીતવા માગતો હતો. કુમુદે કરેલી અવગણના લક્ષમાં ન લેતો.
‘આભાર તો વિવેક ખાતર કહેવું પડે એટલે કહ્યું, પરંતુ એનાથી વધારે મારી પાસેથી કોઈ અપેક્ષા ન રાખશો.’ ધડ કરતું કુમુદે કહ્યું. જાણે પ્રવીણ સાથે એને કોઈ સંબંધ જ નથી.

લગ્ન પહેલાં પ્રવીણ કુમુદના રૂપ પર મુગ્ધ થયેલો હતો, પણ ઓ રે ! આવા સુંદર મુખમાં આવી કડવી વાણી ? આઘાત પામીને પ્રવીણ જતો રહ્યો. થોડા દિવસ પછી પ્રવીણને શુંય ઉમળકો આવ્યો કે કુમુદને પૂછ્યું :
‘આપણે પિકનિક પર જઈશું ? મારો મિત્ર ભાવેશ ને રૂમાભાભી પણ આવશે.’
‘નિશાળનાં છોકરાં પિકનિક પર જાય, આવડા મોટા ઢગા નહીં.’
‘તું કહેતી હોય તો આબુ જવાનું ગોઠવીએ.’ પ્રવીણ કુમુદને ખુશ કરવા તત્પર હતો.
‘મિત્રોનો સંઘ લઈને આબુ જવાનું ?’ કુમુદે પૂછ્યું.
‘ના રે, આપણે બે એકલાં જઈશું. બોલ, આવતા અઠવાડિયે જઈશું ?’ ઉત્સાહથી પ્રવીણે પૂછ્યું.
‘ના, આવતા વીકમાં તો મારી ફ્રેન્ડની બર્થ ડે છે.’
‘તો તું કહે, ક્યારે જઈશું ?’ આટલી વાતચીતથી પ્રવીણમાં આશાનો સંચાર થયો હતો.
‘આબુ ગયેલાં જ છીએ ને !’ બગાસાં ખાતાં કુમુદ બોલી, ‘હું તો આબુ છપ્પન વાર જઈ આવી છું.’ કુમુદનાં એ વેણમાં જાણે ચાબખાનો માર હતો. પ્રવીણ સ્વમાની હતો. એક જ ઝાટકે એણે એનું મન કુમુદ તરફથી વાળી લીધું. પહેલાં એ કુંવારો હતો ને જે રીતે એ જીવતો હતો એ રીતે એણે જીવવા માંડ્યું. પુસ્તકોની દુનિયામાં પોતાને ખૂંપાડી દીધો. હવે એ કુમુદ સામે જોતો જ નથી. જો કે કુમુદને ય એની પરવા નથી. એના તાનમાં એ મસ્ત છે.

પ્રવીણ એકલો પડી રહે એમાં જાણે એને ખુશી થાય છે. પરંતુ પ્રવીણના કપાળે એકલતાનો અભિશાપ નહીં લખાયો હોય તે એને એક દિવસ લાઈબ્રેરીમાં વિનિતાનો પરિચય થયો. વિનિતા પરિણીત છે. એનો પતિ વકીલ છે. એ આખો દિવસ એની વકીલાત, કોર્ટ અને અસીલમાં જ ડૂબેલો રહે છે. વિનિતા મનમાં અફસોસ કરતી કે શું આવી રીતે જીવવા મેં લગ્ન કર્યાં છે ! કુંવારી હતી ત્યારે કેવી મસ્ત જિંદગી હતી ! અત્યારે તો સાવ સૂની સૂની જિંદગી. ત્યાં એને પ્રવીણનો પરિચય થયો.

બેઉને જિંદગીનો પ્રથમ પ્રેમ મળ્યો હોય એમ બેઉ મહોરી ઊઠ્યાં. પોતાના જીવનસાથી સાથે બેવફાઈ કરે છે એવો અપરાધભાવેય ન અનુભવ્યો કારણ કે બેઉનાં જીવનસાથી એમની તરફ બેદરકાર હતાં. બેઉમાંથી એકેને કોઈ ભૌતિક ચીજવસ્તુની અપેક્ષા ન હતી, માત્ર પ્રેમ આપવો હતો ને પ્રેમ પામવો હતો, હૃદય ભરીને પ્રેમ કરવો હતો. પ્રવીણ બોલે ત્યારે વિનિતા એકાગ્રચિત્તે, સમગ્ર અસ્તિત્વથી એની વાત સાંભળતી અને વિનિતા બોલે ત્યારે પ્રવીણ પણ એકચિત્તે એનો શબ્દે શબ્દ આત્મસાત્ કરતો. વાતો કરવામાં એમને ત્રણે ભુવનનું સુખ લાગતું. એમના પ્રેમમાં કોઈ કામના નથી, મલિનતા નથી; નિષ્પાપ પ્રેમ છે. આ પ્રેમે બેઉનાં હૈયાં સભર બનાવ્યાં, જીવનમાં રંગ-રસ આવ્યાં. હવે બેઉ પ્રસન્ન રહે છે.

કુમુદે પતિમાં આ ફેરફાર જોયો ને ચમકી. આને એવો તો ક્યો અમૃતકુંભ લાધ્યો છે કે હવે મારી સામે જોતોય નથી ! મારા વગર હિજરાતો નથી ને પ્રસન્ન રહે છે ! આજ સુધી જે પતિને કુમુદ ધૂત્કારતી હતી એને બીજી સ્ત્રીએ અપનાવી લીધો છે. પતિ બીજી સ્ત્રીનો થઈ ગયો આ જાણીને કુમુદ ઈર્ષાથી સળગી ઊઠી. પોતે પ્રવીણને સાચવે નહીં, ગણકારે નહીં, ધ્યાન ન આપે તોપણ એની પર સંપૂર્ણ હક એનો જ રહેવો જોઈએ. એ બીજા કોઈનો ન થવો જોઈએ, એવું એ દઢપણે ઈચ્છતી હતી.

પતિને બીજા પાસે જતો રોકવા એ જાતજાતના નુસખા અજમાવવા માંડી, પણ હવે પ્રવીણને કુમુદ માટે કોઈ આકર્ષણ ન હતું. હવે એ રોક્યો રોકાય એમ ન હતો. એક સામાન્ય સર્વવિદિત સત્ય અને અનુભવ એ છે કે સાત ફેરા ફરવાથી સ્ત્રી-પુરુષ પતિ-પત્નીનો દરજ્જો મેળવે છે, પરંતુ પ્રેમ પામવા તો પોતાની જાતને અન્યમાં ઓગાળી દેવી પડે.

કુમુદે પહેલાં અક્કડ રહી પતિના પ્રેમનો પ્રતિભાવ ન આપ્યો. એના મધુર આમંત્રણનો કોઈ સ્વીકાર ન કર્યો. પ્રતિઘોષ ના આપ્યો. પતિ એના સંગ માટે ઝૂરતો હતો ત્યારે એ દૂર રહી અને હવે એ ઝનૂનમાં આવી ગઈ છે. ગઈકાલે જે એનું હતું એ આજે પણ કાયદેસર તો એનું જ છે, પણ એની સાચી સ્વામિની બીજી બાઈ વિનિતા છે અને કુમુદ વંચિતા નારીની જેમ પસ્તાવાની આગમાં જલ્યા કરે છે. ઈર્ષામાં બળ્યા કરે છે. પોતે ભૂલ કરી હવે પસ્તાય છે. પરિણીત સ્ત્રી કે પુરુષે સમજવું જોઈએ કે સાથીદાર પ્રેમનો પોકાર પાડે ત્યારે એને જવાબ આપવો જ જોઈએ. જો એક સાથી બેદરકાર રહે તો દામ્પત્યજીવન ખંડિત થઈ જાય છે. એક વાર મન તૂટે પછી સંધાતું નથી.

પ્રેમ સાતત્ય અનુભવે, સદા ચેતનવંતો કે જીવંત રહેશે એમ ઈચ્છતાં હો તો ભાવનાઓનું જતન કરો. પ્રથમ ક્ષણથી પ્રિયજનની ભાવનાને માન આપો. સુખનો આધાર માલમિલકત, સત્તા પ્રતિષ્ઠા પર નહીં પણ આપણે જેમને ચાહતાં ને સન્માનતાં હોઈએ એમની સાથેના સંબંધ પર રહે છે. એ સંબંધમાં મજાક ન ચાલે, અવહેલના કે અવગણના ન ચાલે. પ્રેમ માગે છે નિષ્ઠા.

No comments:

Post a Comment