Thursday, August 13, 2009

કુર્યાત સદા મંગલમ્ – અવંતિકા ગુણવંત

‘માનસ, બે ગ્લાસ પાણી લેતો આવજે.’ બહાર ઓટલા પર બેઠેલી જાહન્વીએ હાક મારીને એના વરને કહ્યું.

નવવધૂની આવી નિ:સંકોચ રીત જોઈને એનાં સાસુ ચંદ્રાબહેન તો ચમકી જ ગયાં. એ વિચારવા માંડ્યા, શિક્ષિત છોકરી આવી નિર્લજ્જ હોય ! બે દિવસ પહેલાં પરણીને આવી છે ને મારા છોકરાં પર હુકમ છોડે છે. આધુનિક કેળવણી પામેલી આવી હોય ! આ સંસ્કાર કહેવાય ! બહાર બેઠી બેઠી આટલા મોટા અવાજે પાણી મંગાવે એટલે ચારે બાજુના લોકો સાંભળે અને મારા ઘરની હાંસી ઉડાવે. તેઓ તો એવું જ સમજે કે માનસ એની વહુથી દબાઈ ગયો છે. આટલા માટે જ હું કહેતી હતી કે, ભણેલી ને નોકરી કરતી છોકરી નથી લાવવી, પણ મારું સાંભળ્યું નહિ તો હવે કરો નોકરવેડા. પાડોશીઓને નાટક જોવા મળશે ને મારા ઘરની આબરૂ જશે.

પરંતુ ચંદ્રાબહેન જાણતાં નથી કે છેલ્લાં વીસ-પચીસ વર્ષોમાં સંસાર બહુ બદલાયો છે. પરિવર્તનના વાયરાએ દરેક ક્ષેત્રને ઊંધુચત્તું કરી મૂક્યું છે. પતિ-પત્નીએ અન્યોન્ય સાથે કેમ બોલવું, કેવું વર્તન કરવું એ એમનો અંગત મામલો છે. એના વિશે બહારના કોઈએ કે ઘરના વડિલોએ વિચારવાનું કે તે અંગે ટીકા કરવાની હોય નહિ. આજના દંપતી પોતાની રીતે પોતાની જિંદગી ગોઠવવામાં માને છે. તેઓ કોઈનું સાંભળતા નથી.

પુત્રવધૂ જાહન્વી નોકરી કરે છે, એ ઑફિસથી થાકેલી આવી છે, ઓફિસની ચાર દીવાલોમાં સાત-આઠ કલાક કામ કરીને આવેલી જાહન્વીને લીમડાના થડની આજુબાજુ ગોળાકાર બનાવેલા ઓટલા પર બેસવાનું મન થયું તો ત્યાં જ બેસી પડી. ઘરમાં ગયેલો માનસ બહાર આવે ત્યારે બે ગ્લાસ પાણી લાવે એમાં કશું ખોટું નથી. આધુનિક દંપતી પુરુષ ચડિયાતો ને સ્ત્રી ઊતરતી અથવા તો અમુક કામ સ્ત્રીનાં અને અમુક કામ પુરુષનાં એવું નથી માનતાં. સમાનતાના આ યુગમાં પતિ-પત્ની બે મિત્રોની જેમ રહેવામાં માને છે.

આ યુગમાં સ્ત્રી-પુરુષ દરેક દરેક ક્ષેત્રમાં ખભેખભો મિલાવીને કામ કરે છે. પુરુષની જેમ સ્ત્રીને સમયસર ઓફિસ પહોંચવાનું હોય છે. એ પહેલાં એણે રસોઈ કરવાની હોય છે, ઘરનાં બીજાં કામો પતાવવાનાં હોય છે, તો એ આશા રાખે જ કે પતિ પણ એની સાથે વહેલો ઊઠીને એના કામમાં મદદ કરાવે. એ દાળ ચોખા ધોઈ આપે કે શાક સમારી આપે એમાં નાલેશી નથી પણ સમજદારી છે. પત્ની રોટલી વણે ને પતિ કૂકર ચડાવે એ એક સુભગ દશ્ય છે. બહારના ક્ષેત્રે કે ઘરમાં રહીને ઉદ્યમ કરતી સ્ત્રી એના પતિ પાસેથી મદદની અપેક્ષા રાખે એ સ્વાભાવિક છે. પતિ મદદ કરે તો પત્નીને રઘવાયા ના થવું પડે, વળી સાથે કામ કરવામાં હૂંફ અને આત્મીયતા અનુભવાય. આમ જ અદ્વૈત સધાય. દામ્પત્યની મીઠાશ જળવાય.

જૂની પેઢીએ આ નવો અભિગમ સમજવો જોઈએ ને સ્વીકારવો જોઈએ. પરંતુ ચંદ્રાબહેન જેવાં વડીલો આવું વિચારવા જેટલાં ઉદાર નથી બની શકતા. ચંદ્રાબહેન દીકરા-વહુનું સાયુજ્ય જોઈને હરખાવાના બદલે પાણીના ગ્લાસ લઈને આવેલા માનસ સામે કટાણું મોં કરીને જોવા માંડ્યા. એ આંખો અને ચહેરાના હાવભાવ દ્વારા એવું સૂચવવા માંગતા હતાં કે વહુમાં શાલીનતા કે વિનય નથી. એ છીછરી અને ઉછાંછળી છે. પણ માનસ માની વિચારસરણીમાં તણાય એવો ન હતો. એ તટસ્થ રીતે વિચારનારો પરિપક્વ બુદ્ધિનો હતો. એણે એની મમ્મીના મનોભાવને પ્રોત્સાહન ના આપ્યું, તેથી ચંદ્રાબહેન નારાજ થઈ ગયાં. એમણે મોં મચકોડ્યું. એમની આંખોમાં રોષ દેખાયો. માનસને થયું, આ વાત અહીં ડામવી જ પડશે. મમ્મી જો કંઈ બોલશે તો સાસુ-વહુમાં ચડભડ થવા માંડશે, અને પછી તો આમનેસામને જ રહેશે. ઘરની શાંતિ ખોરવાઈ જશે.

તેથી એ હસીને બોલ્યો : ‘મમ્મી, આ જમાનામાં સ્ત્રી-પુરુષની સમાનતાનો સ્વીકાર થયો છે. આજનો પુરુષ સ્ત્રીને ઘરકામમાં મદદ કરે છે. પરંતુ મમ્મી, આપણા ઘેર તો વરસો પહેલાં આ વાતનો સ્વીકાર થયો હતો. રોજ સવારે પપ્પા જ ચા-દૂધ કરતા હતા ને ! તું દાળ-ચોખા ધૂએ ને પપ્પા શાક સમારી આપતા. તું જોબ કરતી ન હતી કે તારે ક્યાંય બહાર જવાનું ન હતું તેથી તું પપ્પાને કામમાં મદદ કરવાની ના પાડતી હોય તોય પપ્પા તને મદદ કરતાં. એ મેલાં કપડાં સાબુમાં બાફી આપતા, ઘર ઝાપટી નાખતા, દીવાનખાનું વ્યવસ્થિત ગોઠવી દેતા. પપ્પા કેવી સરસ રીતે બધું કરતા. એ કદી ઘાંટાઘાંટ ન કરતા, કે પોતે કામ કરે છે એવો દેખાડો નહોતા કરતા. તેઓ ઘરકામ કરતાં શરમાતા નહિ કે લોકો શું કહેશે એનો ડર રાખતા નહિ.

માનસે ચંદ્રાબહેનને એમના સંસારની વાતો એટલી સાહજિકતાથી યાદ કરાવી દીધી કે દીકરો એની વહુને કામ કરાવે છે કે પાણી લાવી આપે છે એની ટીકા જ ના કરી શકે. ચંદ્રાબહેનને એમના દીકરાએ જૂના દિવસો યાદ કરાવ્યા એટલે અચાનક એમનું હૈયું ય એ મધુર દિવસોની યાદમાં ગરકાવ થઈ ગયું. એ બોલી ઊઠ્યાં : ‘દીકરા, આપણા ઘરમાં તો પુરુષો કાયમ ઘરકામોમાં મદદ કરાવતા જ આવ્યા છે. તારા દાદા યે ઘરકામને નાનમ ના સમજતા. હું પરણીને આવી ત્યારે ઘરમાં મારાં સાસુ હયાત ન હતા. દિયર, નણંદ પણ હતાં નહિ. ઘરમાં હતા મારા સસરા. એ નિવૃત્ત શિક્ષક, સ્વાવલંબનમાં માને. એમને કોઈ કામની શરમ નહિ કે આળસે નહિ. હું રસોઈ કરતી હોઉં ત્યારે બાથરૂમમાં બેસીને એ બધાનાં કપડાં ધોઈ નાખતા. હું શરમાઈને એમને વારવા જાઉં તો એ સ્નેહથી કહે બેટા, આપણે નોકર રાખતા નથી તો ઘરનાં કામ વહેંચીને કરવા પડે. આપણું કામ આપણે નહિ કરીએ તો કોણ કરશે ? તમારે બહારના કોઈ શું માનશે એવો વિચારે નહિ કરવાનો.’ ચંદ્રાબહેનની વાત સાંભળીને માનસને નિરાંત થઈ કે મમ્મી હવે કોણ કયું કામ કરે છે એની માથાકૂટ નહીં કરે. મમ્મીને એણે યાદ દેવડાવ્યું કે, એના ઘરમાં પુરુષો સ્ત્રીઓને મદદ કરતાં અચકાતા નથી. માનસે પાણી પહેલાં પાણ બાંધી લીધી. તેથી કોઈ વિખવાદ ઊભો થવા પામ્યો નહિ. ચંદ્રાબહેને પુત્રવધૂની કોઈ ટીકા કરી નહિ.

ઘણીવાર દામ્પત્યજીવનમાં અચાનક અણધાર્યા પ્રશ્નો ઊભા થાય છે. કારણ વિના કલહ થઈ જાય છે. બિનજરૂરી બોલવામાં કે હાવભાવથી મન દુભાય છે. અને જ્યારે દામ્પત્યજીવનનો આરંભ જ થતો હોય, પતિ-પત્નીએ એકમેકને ઓળખવાનાં બાકી હોય ત્યારે તો ખૂબ ખ્યાલ રાખવો પડે. જે યુવતી એનાં મા-બાપ અને ચિરપરિચિત વાતાવરણ છોડીને આવી હોય એ આ નવા અપરિચિત ઘરમાં અજાણ્યા માણસો વચ્ચે મૂંઝાતી હોય, ત્યારે તેને કાળજીભરી પ્રેમાળ હૂંફ ઘરના દરેક સભ્યે આપવી જોઈએ. એની લાગણી ના ઘવાય તેનું ધ્યાન રાખવું જોઈએ. આ નવું ઘર એને પોતાનું લાગે એવા સભાન પ્રયત્ન કરવા જોઈએ.

આજની ગતિશીલ દુનિયામાં તાલ મિલાવવા સ્ત્રીએ કારકિર્દીને મહત્વ તો આપવું જ રહ્યું આ વાત એના પતિએ સ્વીકારી લેવી ઘટે અને પત્ની થાકે નહિ માટે એને એના કામમાં સહયોગ આપવો જોઈએ. નવપરિણીતા નવા પરિવારનાં સભ્યો પ્રત્યે ફરજ બજાવે. સાથે સાથે એ કુટુંબના રીત-રીવાજો નિભાવે, એક સુપર પુત્રવધૂ અને સુપર પત્નીની ભૂમિકા ભજવતાં એ એટલી થાકી જાય છે કે એની નોકરીમાં તે એક સામાન્ય કર્મચારી બનીને રહી જાય છે. એની કારકિર્દી ખોરંભે ચડે છે તેથી તે નિરાશ થઈ જાય છે. આજની સ્ત્રી કુંવારી હતી ત્યાં સુધી પોતાની કેરિયર પ્રત્યે ખૂબ ગંભીર હતી, પોતાનો સમય અને શક્તિ એ પોતાની કેરિયર બનાવવા પાછળ ગાળતી હતી પણ હવે જો એણે ઘરકામ અને રસોઈને જ પ્રાધાન્ય આપવાનું હોય અને પતિ એને સહાય ન કરે તો એનું મન વિષાદથી ભરાઈ જાય. પતિ અને પરિવારજનો માટે અણગમો આવી જાય. ભારતીય સ્ત્રીઓમાં સુખ-દુ:ખ એના પતિ અને વડીલો પર આધારિત હોય છે. એ પોતાની ફરજ એક નિષ્ઠાથી બજાવી શકે. એનાં ઉત્સાહ અને જોમ જળવાઈ રહે એ માટે પતિએ આપણા જૂના સંસ્કાર કે ‘ઘરકામ તો પુરુષ કરે જ નહિ’ એ સંસ્કાર છોડવા પડશે.

જે રીતે સ્ત્રી બહારની દુનિયામાં પુરુષ સાથે ખભેખભો મિલાવીને કામ કરે છે એ રીતે જ પુરુષે ઘરના કામમાં શરમાયા વગર સ્ત્રીને મદદ કરવી જોઈએ. એમાં ગૌરવ લેવું જોઈએ. ઘરનાં કામ એ માત્ર પત્નીનાં કામ છે એ રૂઢ માન્યતામાંથી બહાર આવવું જોઈએ અને જીવન નવી પ્રણાલિકા પ્રમાણે ગોઠવવું જોઈએ. જીવનશૈલી એવી હોવી જોઈએ કે જેમાં પતિ-પત્ની બેઉનો વિકાસ હોય, અને ઘરમાં પ્રસન્નતા હોય. ઘરનાં વડીલોએ આ નવી જીવનશૈલી અને ગૃહવ્યવસ્થામાં પ્રેમથી સહકાર આપવો જોઈએ. ઘરની આબાદી માટે દરેક સભ્યે યોગદાન આપવું જોઈએ. તો જ સુખી સંસાર રચાય. આત્મીયતા બંધાય. જીવન ભર્યું ભર્યું લાગે.

No comments:

Post a Comment