Thursday, August 13, 2009

સંસ્કારની સૌરભ – અવંતિકા ગુણવંત

પીયુષે ઘરમાં અરુણા સાથે લગ્ન કરવાની વાત કહીને મધુભાઇ ઘાટો પાડીને બોલ્યા, ‘બીજી જ્ઞાતિની છોકરી સાથે લગ્ન ? ના, ના હું નહિ ચલાવી દઉં.’

મધુભાઇએ અરુણાના ગુણ, સંસ્કાર, ભણતર કશુંય જોયા વગર વિરોધ કર્યો. પીયૂષ વિનંતીના સૂરમાં બોલ્યો, ‘બીજી જ્ઞાતિની છોકરી એટલે એના નામ પર ચોકડી મારી ના દો, પણ એક વાર એનાં મા-બાપને મળો, એના ઘરને જુઓ, એને જુઓ ને કોઇ નિર્ણય લો !’ પણ મધુભાઇએ દીકરાની વાત સાંભળી જ નહિ. મધુભાઇનો સ્વભાવ જ એવો હતો. પોતે કહે એ જ સાચું, પોતે કહે એમ જ ઘરનાંએ કરવાનું. આજ સુધી ઘરમાં એમનો બોલ કદી ઉથાપાયો ન હતો. એમની ઇચ્છા આજ્ઞા બરાબર હતી.

પણ લગ્નની બાબતમાં પીયૂષે બાપનું કહ્યું ન માન્યું. એણે અરુણા સાથે કોર્ટમાં લગ્ન કર્યાં ને એને ઘરમાં લઇ આવ્યો. બાપને પગે લાગ્યો, ત્યારે બાપે મોં ફેરવી લીધું. મધુભાઇએ દીકરાને આશીર્વાદ ન આપ્યા તેથી મધુભાઇનાં પત્ની તારાબહેન પણ મૂંગા જ રહ્યાં. રાગિણી પણ ઇચ્છા હોવાં છતાં ભાઇભાભીની આવકારી શકી નહીં. કોઇનું મૃત્યું થયું હોય એમ ઘરમાં ભારેખમ વાતાવરણ થઇ ગયું, પરંતુ પીયૂષ ઘર છોડીને ગયો નહિ.

એ સારું ભણેલો હતો. એક મલ્ટીનેશનલ કંપનીમાં ઊંચા હોદા પર હતો. કંપની તરફથી રહેવા ફ્લેટ મળતો હતો પણ એક જ શહેરમાં રહેવું અને મા-બાપની જુદા ! એ એકનો એક દીકરો હતો. માબાપે ખૂબ પ્રેમ અને જતનથી એને ઉછેર્યો હતો. એણે માબાપને પોતાની પસંદગીની છોકરી સાથે લગ્ન કરીને દુઃખ તો પહોંચાડ્યું હતું. હવે એમને વધારે દુભાવવા એ તૈયાર ન હતો. એ પત્નીને લઇને ઘરમાં જ રહ્યો. પીયૂષ નોકરીએ જાય પણ અરુણા તો આખો દિવસ ઘરમાં રહેતી. રસોઇ કરતી ને ઘરનાં નાનાં મોટાં કામ કરતી. મધુભાઇ વહુની ચાકરી સ્વીકારતા, પણ પ્રેમથી એની સાથે બોલતા નહિ.

અરુણા ધીરજથી સસરાના હ્રદય પરિવર્તનની આશા રાખી રહી હતી. ત્યારે મધુભાઇ દિવસમાં એકવાર તો બોલતા, ‘દીકરો છો ને વહુ બીજી જ્ઞાતિની લાવ્યો, પણ જમાઇ તો મારે શોધવાનો છે, હું આપણા ગોળનો જ છોકરો શોધીશ. આપણા ગોળનો હોય તો સગાનું સગપણ રહે, મીઠાશ રહે.’

સવાર સાંજ ઊઠતાં બેસતાં એક વાર તો આ રીતે હૈયાવરાળ નીકળે જ. અરુણા ચૂપચાપ સાંભળી રહે. એનાં માબાપ શિક્ષિત અને સુધારક હતાં. અરુણાએ બીજી જ્ઞાતિમાં લગ્ન કર્યાં, એમાં એમને કોઇ વાંધો ન હતો. તેઓ દીકરીનાં સાસરિયાં સાથે સંબંધ બાંધવા ઇચ્છતા હતાં. તેમણે બેચાર વાર મધુભાઇને મળવા આવવાનો પ્રયત્ન કર્યો હતો, પણ મધુભાઇએ કદી એમને ભાવથી આવકાર્યા ન હતા. વિવેકથી પાસે બેસાડ્યા ન હતા. હેતથી વાતચીત કરી ન હતી. તેથી અરુણાએ જ કહ્યું હતું, ‘તમને જુએ છે ને મારા સસરાનો ઉશ્કેરાટ વધી જાય છે માટે હમણાં તમે મારાં ઘેર આવશો નહીં.’

એકાદ વરસ આમ જ વીત્યું, મધુભાઇની મનોદશામાં કે ઘરની પરિસ્થિતિમાં કોઇ ફરક પડ્યો નહિ. અરુણાને એ પોતાની પુત્રવધૂ તરીકે સ્વીકારી શક્યા ન હતા. બધા ઉદ્વેગમાં જીવતાં હતાં ત્યાં પીયુષને કંપની તરફથી પરદેશ જવાનું થયું. પીયુષ અને અરુણા પરદેશ ગયાં. ત્યાં ગયા પછી પીયુષ દર મહિને નિયમિત પૈસા મોકલતો, ને એ તથા અરુણા વિગતવાર લાંબા પત્રો લખતાં પણ મધુભાઇ કદી જવાબ લખતા નહિ ને એમની ધાકના લીધે ઘરમાંથી ય કોઇ જવાબ લખી શકતું નહિ.

સમય જતાં રાગિણી માટે એમણે એમની જ્ઞાતિનો મુરતિયો જોઇને પરણાવી દીધી. એ લગ્નમાં એમણે પીયુષ કે અરુણાને આમંત્રણ પણ ન પાઠવ્યું. દીકરાની સાવ અવગણના કરી. દીકરા અને વહુ પર જાણે દાઝ કાઢી. તેઓ ખુશખુશાલ હતા કે દીકરીને પોતાની જ્ઞાતિમાં પરણાવી પણ એ ખુશાલી લાંબું ન ટકી. દીકરીના સાસરિયાં લાલચુ ને લોભી હતાં. એ વારંવાર નવી નવી ચીજવસ્તુઓની માગણી કરતા ને રાગિણી વિરોધ કરે તો એને મારઝૂડ કરતાં.

મધુભાઇ દીકરીને પોતાના ઘેર પાછી તેડી લાવ્યા. પીયુષ અને અરુણાને ખબર પડી તો તેઓ તરત ઇન્ડિયા આવ્યાં. રાગિણીને પૂછ્યું, ‘બહેન, બોલ તારી શું ઇચ્છા છે ? એ ઘેર પાછી જવા ઇચ્છતી હોય તો એમની માગણી મુજબ બધી વસ્તુઓ આપીએ. અમે તને સુખી જોવા ઇચ્છીએ છીએ.’
રાગિણીએ કહ્યું, ‘ના, એ લાલચુ લોકોના ઘેર મારે નથી જવું.’
‘તો છૂટાછેડાની કાર્યવાહી કરીએ.’

છૂટાછેડાનું નામ સાંભળ્યું તો મધુભાઇ ભડકી ઊઠ્યા, ‘ના, ના, આમ કરવાથી તો આબરૂ જાય.’ પણ પીયુષે એમને સમજાવ્યા, મનાવ્યા ને રાગિણીને છૂટાછેડા લેવડાવ્યા. પછી એને બીજે ઠેકાણે પરણાવી. રાગિણીના જીવનને સુંદર વળાંક મળ્યો. હવે એ ખુશ હતી. સુખી હતી. મધુભાઇ દીકરા-વહુ તરફ કૂણા બન્યા. હવે તો એ ઊઠતા બેસતા બોલતા, ‘પ્રભુએ મને બધાં સુખ આપી દીધા. હવે મારા પીયુષના ઘેર એક બાળક આવી જાય એટલે બસ.’

ઇશ્વરે એમની એ ઇચ્છા ય પૂરી કરી, પીયુષના ઘેર દીકરાનો જન્મ થયો. મધુભાઇ અને તારાબહેન અમેરિકા જઇને પૌત્રને રમાડી આવ્યાં. ને નીકળતાં પહેલા કહ્યું, ‘દીકરો સવા વરસનો થાય એટલે તમે ઇન્ડિયા આવજો. આપણે એની બાબરી ઊતરાવીશું, મોટો જમણવાર કરીશું.’ પણ મધુભાઇની એ ઇચ્છા ન ફળી. જોબ પર જતા પીયુષની કારને અકસ્માત થયો ને તત્કાળ સ્થળ પર જ એનું અવસાન થયું. મધુભાઇ કકળી ઊઠ્યા, ‘ઓ ભગવાન આ તેં શું કર્યું ?’ કલ્પાંત કરતા મધુભાઇને સાંત્વન આપતા સૂરે અરુણા બોલી, ‘બાપુજી, તમે પડી ભાંગશો તો અમારું કોણ ? તમે હિંમત રાખો.’
‘બેટા, તમે અહીં ક્યારે આવશો ?’
‘અહીંનું સમેટીને હું ત્યાં આવું છું.’ ને બેત્રણ મહિનામાં તો અરુણા નાનકડા દીકરા હર્ષને લઇને દેશમાં આવી. આવીને સસરાને પગે લાગીને પીયુષના વિમાની પૂરી રકમ સસરાના હાથમાં મૂકી.
‘આ શું ? વિમાની રકમ પર તમારો હક હોય, તમે રાખો.’

‘બાપુજી, આ રકમ તમારી પાસે રાખો.’ વહુની વાત સાંભળીને મધુભાઇના મગજમાં વિચાર ચમક્યો, અરે વહુ તુ તો યુવાન છે, આખી જિંદગી એ શું કામ વૈધવ્ય પાળે ? એ ફરી લગ્ન કરવા માંગતી હશે, માટે એનો દીકરો મને સોંપવા ઇચ્છતી હશે ને એની પરવરિશ માટે આ રકમ આપે છે. પરંતુ હવે એમનું હૈયું સહાનુભૂતિપૂર્ણ બન્યું હતું, અરુણાની દૃષ્ટિએ વિચાર કરીને એ બોલ્યા, ‘તમે બીજે ગોઠવાઓ તો ય આ પૈસા હશે તો તમને સુગમતા રહેશે, તમે મારી ચિંતા ન કરો.’

અરુણા એકાદ ક્ષણ મૌન રહી, પછી ગળગળા અવાજે બોલી, ‘આ પળે તો મારો એવો વિચાર નથી. આ હર્ષને ઉછેરવામાં કેળવવામાં મારું ધ્યાન કેન્દ્રિત કરવા ચાહું છું.’
‘તો આ પૈસા એના નામે મૂકો.’
‘બાપુજી, એના માટે તો હું કમાઇ લઇશ. આ રકમ તમે તમારી પાસે જ રાખો. તમને ટેકણ લાકડી લાગે.’
‘બેટા, મારે પૈસો નથી જોઇતો. આજ સુધી તમે જે રીતે મારું ધ્યાન રાખ્યું છે એ રીતે ધ્યાન રાખજો.’
‘બાપુજી, ધ્યાન તો હું રાખીશ પણ આ પૈસા ય તમારા હસ્તક રાખો. ઘડપણમાં પૈસો તાકાત ગણાય.’
અરુણાના શબ્દો સાંભળીને મધુભાઇ રડી પડ્યા. ઓહ જેને હું પારકી કહેતો હતો, મારા ઘરમાં આવકારતો ન હતો એ મારો કેટલો ખ્યાલ રાખે છે ! એ કેટલી ઉદાર છે !

એણે ધાર્યું હોત તો આ હર્ષ મને સોંપીને ફરી લગ્ન કરત, પણ ના, એ તો મારો ખ્યાલ રાખે છે. એમના હ્રદયમાંથી પુત્રવધૂ માટે આશીર્વાદનો ધોધ વહ્યો. હર્ષને છાતી સરસો ચાંપીને એ બોલ્યા, ‘બેટા અરુણા, મારી ખરી તાકાત તો તમે છો. આ હર્ષ છે. પ્રભુ તમને બેઉને સલામત રાખે.’

No comments:

Post a Comment