Thursday, August 13, 2009

એકલતાનું ખમીર – અવંતિકા ગુણવંત

‘એટલે શું અમારે અમારાં સુખસગવડનું બલિદાન આપવાનું ? અમારી ઊંચા પગારની નોકરીને લાત મારવાની ? પપ્પા, આવી મૂર્ખામી કરવાની સલાહ તો કોઈ દુશ્મનેય ના આપે.’ કિન્નરે સાવ લાગણીહીન સ્વરમાં દિનેશભાઈને કહ્યું. દિનેશભાઈ તો આભા બનીને સાંભળી જ રહ્યા. ચંદ્રિકાબહેનને અકસ્માત થયો હતો, હાથે પગે અને પાંસળીઓમાં ફ્રેકચર થયાં હતાં, નાનાંમોટાં કંઈ કેટલાંય ઑપરેશન કરાવવાં પડશે. ચંદ્રિકાબહેન બચી ગયાં એ જ ઈશ્વરની મહેરબાની એવી પરિસ્થિતિ હતી. પણ દવાખાનામાં કેટલો વખત રહેવું પડશે એ નક્કી ન હતું.

ત્રણે દીકરાઓ કિન્નર, અક્ષય અને અશોક પરદેશ સ્થાયી થયા હતા. દિનેશભાઈએ ગભરાઈને કોલ કર્યો ને ત્રણે દીકરાઓ હાજર થઈ ગયા હતા. પણ ત્રણે એકલા જ આવ્યા હતા. કોઈ પોતાની પત્નીને સાથે લાવ્યું ન હતું. ત્રણેની પત્ની જોબ કરતી હતી. આવવાની અનુકુળતા ન હતી.

દિનેશભાઈને મનમાં હતું, ત્રણ ત્રણ દીકરાઓ અને એમની વહુઓ છે. મારે તો કોઈ ચિંતા નહિ રહે. હૉસ્પિટલમાં રહેવું, આંટાફેરા, ડૉકટરને મળવું, દવા લાવવી બધું છોકરાઓ ઉપાડી લેશે. પણ દીકરાઓ તો માત્ર મોં બતાવવા આવ્યા હતા. હાજરી પુરાવવા આવ્યા હતા. એમણે તો આવ્યા એ ઘડીએથી જ જવાની વાત ઉચ્ચારી. માની પાસે બેસવાની કોઈને પડી ન હતી. માની ચાકરીની ચિંતા ન હતી.

દિનેશભાઈએ કહ્યું, ‘તમે ત્રણે એક સાથે અહીં રહો એવું નથી કહેતો પણ વારાફરતી એક એક જણ રહો. તમારી મમ્મીની પથારી લાંબી ચાલશે માટે આપણે બધુ ગોઠવવું તો પડશે.’

‘પપ્પા, તમે તો અમારા પપ્પા છો કે વેરી ? કેવી નાદાન જેવી વાત કરો છો ? તમે અમારું હિત તો વિચારતા નથી.’ અક્ષય બોલ્યો.

‘બેટાઓ આજ સુધી તમારું જ હિત જોયું છે, તમને ભણાવ્યા, ગણાવ્યા….’ દિનેશભાઈએ લાચાર સૂરમાં કહ્યું.

‘પપ્પા, ભણાવ્યા ગણાવ્યા એમાં તમે નવાઈ નથી કરી. બધાં માબાપ પોતાના સંતાનોને ભણાવે જ છે. છતાં તમે એની કિંમત ઈચ્છતા હો તો બોલો કિંમત આપી દઈએ.’ ત્રીજો દીકરો અશોક બોલ્યો.

દીકરાઓના મોં એ આવી વાત સાંભળીને દિનેશભાઈનું ચેતન જ હણાઈ ગયું. ઓરે, આવી ખબર હોત તો દીકરાઓને ખબર આપીને બોલાવત જ નહીં. તેઓ રડી પડયા. બોલ્યા, ‘દીકરાઓ, તમારી મમ્મી તરફ તમારી કોઈ ફરજ નહીં ?’

‘ફરજની કોણ ના પાડે છે ? એટલે તો કહીએ છીએ પૈસા બોલો. અમે ભાગે પડતા આપી દઈએ. બાકી અમારી જિંદગીને પૂર્ણવિરામ મૂકીને અહીં રોકાઈ ન શકીએ. કોઈ માબાપ પોતાના સંતાનો પાસેથી આવો ભોગ ન માગે. પપ્પા, મમ્મીની સારવાર તમે તમારી રીતે કરો ને પૈસાની ચિંતા ન કરશો. તમે નિવૃત છો. તમે સમય આપી શકો.’

દિનેશભાઈ સમસમી ગયા. ભરપૂર પ્રેમ આપીને જે દીકરાઓને ઉછેર્યા હતા એમણે આવો પડઘો પાડયો ?

આજ સુધી અમે આવી ભ્રમણામાં જીવ્યાં ? મારો પગાર ટૂંકો હતો પણ છોકરાઓ પાછળ ખરચ કરવા જેવો હોય ત્યાં કર્યો જ હતો. અમારા મોજ શોખ બધા વિસારે પાડયા હતા. બાર બાર મહિના થઈ જાય તોય ચંદ્રિકા એના માટે એક સાડલો લેતી નહીં, આખા જીવન દરમ્યાન એક ઘરેણું મેં એને કરાવી આપ્યું નથી, ગાંધીજીના જેવી સાદાઈથી અમે જીવ્યા માત્ર છોકરાઓ ના વિકાસ ખાતર ! છોકરાઓ પાસેથી અમે આજ પહેલાં કશું માગ્યું નથી.

ચંદ્રિકાને આવો અકસ્માત ન થયો હોત તો છોકરાઓને અંહી રોકાઈ જાઓ એમ કહેત જ નહીં. આટલાં વરસો થઈ ગયાં, છોકરાઓ જયારે આવ્યા ત્યારે આવો કહ્યું છે, ગયા ત્યારે આવજો કહ્યું છે. કોઈ દિવસ અમારી ઈચ્છા પ્રગટ કરી કોઈ સૂચન નથી કર્યું. આગ્રહ નથી કર્યો. એમની આડે કયાંય આવ્યા નથી. કદી અધિકાર નથી કર્યો.

છોકરાઓને આ બધું કેમ નથી સમજાતું ? અમે બીજાં સામાન્ય માબાપ જેવા સ્વાર્થી નથી, ગણતરી બાજ નથી, છોકરાઓ પર આધિપત્ય જમાવવા નથી માગતાં. અમારી કોઈ જવાબદારી એમના પર નાખવા પ્રયત્ન નથી કર્યો. અમારી હોંશ, લાલસા, તૃષ્ણા પર અંકુશ રાખ્યો છે.

પણ સંજોગો એવા આવ્યા કે મારે એમને સહાય માટે કહેવું પડયું અને તેઓ ત્રણ જણ છે, થોડો થોડો સમય વહેંચી કાઢવાની યોજના કરે તો ! આટલો ભોગ આપવાય દીકરાઓ તૈયાર નથી. આટલોય મા માટે પ્રેમ નથી ? એ ન રહી શકે તો એમની પત્ની વારાફરતી રહે.

ચંદ્રિકાએ છોકરાઓને પોતાનાથી જરાય અલગ નથી કર્યા. એમની નાનામાં નાની માંગણીને સંતોષી છે. નાની ખુશી માટેય કેટલી મહેનત કરી છે.

છોકરાઓ પહેલે નંબરે પાસ થતા તો અમે કેટલું હરખાતાં. એ નાટકમાં ઊતરતા ને સ્ટેજ ગજાવતા તો અમારી છાતી ગજ ગજ ફૂલતી. રમતગમતમાં ઈનામો જીતતા તો અમે ફૂલ્યાં ન સમાતાં.

દીકરાઓ માટે અમે કેટલું ગૌરવ લેતાં હતાં. દીકરાઓ અમારા પ્રાણ હતા. આવા તેજસ્વી દીકરાઓ આપવા માટે અમે પ્રભુનો કેટલો આભાર માનતાં હતાં. એ દીકરાઓને આજે અમારી ચિંતા નથી. જરાય ચિંતા નથી.

એમની વહાલસોઈ મા પથારીમાં પડી છે. આટલી વેદના, આટલી પીડા, આટલું કષ્ટ પામી રહી છે ત્યારે એને એકલી મૂકીને પૈસા ગણવા જઈ રહ્યા છે.

દીકરાઓ તો કાલે પરણ્યા એ એમનો સંસાર થયો પણ એ પહેલાં એમના નાનપણના ખેલકૂદના દિવસમાં, અભ્યાસકાળમાં કોનો સાથ એમને હતો ? પરીક્ષા હોય ત્યારે રાતોની રાતો એમની સાથે જાગતું કોણ બેસી રહેતું ? એ ચિત્રો કરતા ત્યારે એમના રંગ પૂરતા જોવા ને દીકરા આ બરાબર નથી જામતું, હા હવે વંડરફૂલ લાગે છે એમ કહી કહીને એમનો પાનો કોણ ચડાવતું હતું ? એમની સાથે કવિતાઓ ને શ્લોકો ગોખવા કોણ બેસતું ? દીકરાઓને પળેપળનો સાથે જે માબાપે આપ્યો છે, એ માબાપ સાથે માત્ર પૈસાનો સંબંધ ? કિંમત ચૂકવવાની વાત ? જે માબાપ વડીલ તરીકે નહિ પણ મિત્ર તરીકે વર્ત્યાં એ માબાપ આજે પારકા થઈ ગયા ? માબાપની જરૂર નથી એટલે ? દીકરાઓના હ્રદય આવાં લાગણીશૂન્ય કેમ ?

અક્ષય ઓસ્ટ્રેલિયા વસ્યો, કિન્નર સિંગાપોર ને અશોક અમેરિકા જઈ વસ્યો. દેશમાં અમે બે જણ એકલાં રહ્યાં તો ય કદી ફરિયાદ નથી કરી. એમના આનંદના સમાચાર જાણીને અમે ખુશ થતાં હતાં.

પણ આજે ચંદ્રિકા પથારીમાં ને હું એકલો પડી ગયો છું. ત્યારે દીકરાઓ અમારો ટેકો બનવાને બદલે કેટલી આસાનીથી ખસી જાય છે. હું ઘરડો છું, દોડાદોડ થતી નથી. છતે દીકરે પારકાના ઓશિયાળા.

આવા વિચારો કરી કરીને દિનેશભાઈ કકળવા માંડયા. લાંબા દીર્ઘજીવનમાં દિનેશભાઈ અને ચંદ્રિકાબહેન વચ્ચે એટલું ઐક્ય સધાયું હતું કે મનમાં ઊઠતી વાત એકે એક તરંગ, કલ્પના, ચિંતા એકબીજાને કહેતાં જયારે આજે તો ચંદ્રિકાબહેન પથારીમાં છે. એમને આવી આઘાતજનક વાત કહેવાય નહીં. દિનેશભાઈના હૈયામાં આ વાત ઘૂંટાતી રહી, હૈયાને વલોવતી રહી, વહેરતી રહી.

ચાર દિવસમાં દીકરાઓ પોતપોતાના સ્થાને પહોંચી ગયા. એ પછી આઠ દિવસે દિનેશભાઈને હાર્ટએટેક આવ્યો ને મૃત્યુ પામ્યા. સમાચાર સાંભળીને ત્રણે દિકરાઓ વહુઓ સાથે દોડાદોડ આવી પહોંચ્યા. દીકરાઓ સફેદ ઝભ્ભો ને સફેદ લેંઘા, વહુઓ સફેદ કપડાં પહેરી ગંભીર મોં લઈને બેઠાં છે. નથી બોલતા નથી ચાલતા. બોલે છે તોય ખૂબ ધીમા સ્વરે, ખપપુરતું ના છૂટકે. જાણે કે પિતાના મૃત્યુના શોકમાં દટાઈ ગયાં છે.

પણ ખરેખર શું એમને બાપ ગયાનું દુ:ખ હતું ? ના. આ તો એક દેખાવ હતો. સમાજને બતાવવાનું નાટક હતું. સમાજને પ્રભાવિત કરીને સર્ટિફિકેટ લેવાનું.

દસ દિવસ થયા એટલે દીકરાઓ જવા તૈયાર થયા. ત્રણેએ માને કહ્યું, ‘હિંમત રાખજે. તારી તબિયત સાચવજે. અમે અવારનવાર કોલ કરતા રહીશું.’

ચંદ્રિકાબહેને માથું ધુણાવીને હા કહી. એમને દીકરાઓ પરથી સાવ મન ઊઠી ગયું હતું. આવા નગુણા દીકરાઓનો એમને જરાય મોહ નહોતો રહ્યો. તેઓ જાય એનો અફસોસ ન હતો. તેઓ દીકરાને એમનો આધાર નહોતા માનતા.

એમનું મન મક્કમ થઈ ગયું હતું. સ્વાભાવિક નિર્બળતા, દૂર્બળતા અદ્રશ્ય થઈ ગઈ હતી. એમણે નક્કી કર્યું હું જીવીશ, શાનથી જીવીશ. આ ઘર વેચીને નાનકડી જગ્યામાં રહેવા જઈશ પણ પૈસા ખરચીને મારી બરાબર દવા કરાવીશ. બાઈ રાખીને રસોડું ઘર એને સોંપી દઈશ પણ ઑપરેશન કરાવીને ફરી એકવાર ચાલતી થઈશ.

દીકરાઓ પણ જાણશે કે હું એમની પર આધારિત નથી. એમની તરફ મેં મારી ફરજ બજાવી દીધી. હવે એ જંજાળ દૂર થઈ છે. તો દૂર જ રહેવા દઈશ. હવે મારું નવું જીવન શરૂ થશે. હું મારું જીવન કે મોત બગાડીશ નહિ. આવા આવા વિચારથી ચંદ્રિકાબહેનમાં હિંમત આવી ને મનની શરીર પર અસર થઈ.

એમની તબિયત ઝડપથી સુધરવા લાગી. ફરી એકવાર એ ચાલતા થઈ ગયા. દીકરાઓ ન આવ્યા પણ દીકરાઓથીય અધિક સંભાળ લેનાર સ્નેહીજનોની ખોટ ન હતી. મિત્રોની ખોટ ન હતી. એમણે ચંદ્રિકાબહેનને હૈયાના હેતથી સાચવ્યાં.

No comments:

Post a Comment