Thursday, August 13, 2009

પત્નીને સાંભળો અને સમજો – અવંતિકા ગુણવંત

ઋજુતા સ્વભાવથી જ રોમેન્ટીક. એ કિશોરાવસ્થામાં હતી ત્યારથી સ્વપ્નાંની રંગીન સૃષ્ટિમાં વિહરતી થઈ ગઈ હતી. સવાર બપોર સાંજ એ પ્રેમનું ગીત ગણગણતી જ હોય.

કિસલય સાથે એનાં લગ્ન થયાં ને એ નાચી ઊઠી. એ વિચારે કે, હવે જ ખરી જિંદગીનો આરંભ થશે. રોજરોજ પોતે અવનવા શૃંગાર સજશે. એક વાર ધારણ કરેલાં વસ્ત્રો કે અલંકાર એ બે-ચાર મહિના સુધી તો બીજી વાર પહેરશે જ નહિ. જાતજાતની સ્ટાઈલનાં ડ્રેસ એણે લીધેલાં. દરેક ડ્રેસને અનુરૂપ જ્વેલરી. કેટલીય જાતની હેરસ્ટાઈલ શીખેલી. એ વિચારતી કે, રોજ હું સાવ નૂતન સ્વરૂપે કિસલય સામે જઈશ. એ વિસ્મયથી મને જોઈ રહેશે ને પૂછશે : ‘આ તું છે ?’ મારી પાછળ એ પાગલ થઈ ઊઠશે. એનો ઉન્માદ કદી ઠંડો નહિ પડે.

આવી કલ્પનાઓમાં રાચતી એ કિસલય પાસે જતી પણ કિસલય તો એની સામે નજરે ન માંડે. એક પ્રેમોદ્દગાર એના મોંએ ના આવે. પત્નીના નાજુદ સંવેદનો એને સ્પર્શે જ નહિ. પત્નીની ઉત્તેજનાનો પ્રતિઘોષ ના પાડે. ઋજુતા ઉન્માદભર્યા સ્વરે અધીરાઈથી પૂછે : ‘હું કેવી લાગું છું ?’ કિસલય એકદમ સ્થિર નજરે એકાદ ક્ષણ એને જોઈ રહે પછી ઠંડા અવાજે ધીમેથી કહે, ‘સારી લાગે છે. પણ માણસે બાહ્ય દેખાવ પર બહુ ધ્યાન આપવાની જરૂર નથી. માણસે સદ્દગુણો કેળવવા જોઈએ. બહારની ટાપટીપ નહીં પણ આત્માના વિકાસ માટે જાગ્રતપણે કોશિશ કરવી જોઈએ.’

પતિના કહેવા પર ધ્યાન આપ્યા વગર ઋજુતા કિસલયની નજીક સરકીને લાડથી કહેતી : ‘કિસલય, કવિઓ રંગીન વસંતના ગીતો ગાય છે, ચિત્રકારો કુદરતમાં ફોરતી વસંતના રંગે રંગાઈને નૃત્ય કરતાં યુવાન યુગલનાં મસ્તીભર્યા ચિત્રો દોરે છે, ગામડાના અબુધ જુવાનિયા અને શહેરના કોલેજિયનો વસંતોત્સવ માણે છે, રંગબેરંગી વસ્ત્રો પહેરી પાગલ બનીને તેઓ ઝૂમી ઊઠે છે. સ્થળ સમયનું ભાન તેઓ વિસરી જાય છે. મનોવૈજ્ઞાનિકો અને સમાજશાસ્ત્રીઓ આ માનસિક અવસ્થાને સ્વાભાવિક ગણે છે. જીવનમાં મનુષ્ય જ નહિ પણ પશુપંખી ય રંગરાગ અને મસ્તીની ખેવના રાખે છે. કિસલય, આનંદ જ જીવન છે. તો તું કેમ નિયંત્રિત અને સંયમી જિંદગીની વાત કરે છે ? આપણા નવજીવનનો આરંભ આવો નીરસ ? વસંતકાળે પાનખરની બોલબાલા ?’

ઋજુતા ભાવાવેશમાં આવેગથી બોલે જતી હતી, એના શબ્દો છેક ઊંડાણમાંથી આવતા હતા. કિસલય એકાદ પળ ઋજુતા સામે જોઈ રહ્યો પછી કઠોર સ્વરે ધૂત્કારતાં બોલી ઊઠ્યો : ‘મને નખરાં પસંદ નથી. માણસે આગળ વધવું હોય, કંઈક બનવું હોય તો છીછરાપણું ના ચાલે.’
‘આનંદ કરવો એ છીછરાપણું છે ? આછકલાઈ છે ? ઓ કિસલય તું શું કામ તારી જાતને એવી સંકુચિત શુષ્ક વાતોમાં જકડી રાખે છે ? જાતે ને જાતે આપણી આજુબાજુ કેદખાનાની દીવાલો ઊભી કરે છે ? લોકો મુક્તિ ઝંખે, આકાશમાં ઊડવા આતુર હોય ત્યારે તું પોથીપંડિતોની રુગ્ણ મનોદશામાંથી ઊભા થયેલા આદર્શોની ખોખલી ભૂલભૂલામણીમાં ફસાય છે ? એ જાળાં ઝાંખરામાંથી, કિસલય, તું બહાર આવ. સ્વતંત્રપણે તારા પોતાના મનથી તું વિચાર. તાર હૈયા પર હાથ મૂકીને તું કહે કે, ‘શું તારું હૈયું મોજમસ્તી નથી ઝંખતું ? કોઈ પણ પ્રકારના છોછ વગર જીવવાનું આપણા પ્રાચીન કવિઓ કહી ગયા છે અને આધુનિક કવિઓ પણ ખુલ્લા હૃદયમનથી જીવવાનો મહિમા કરે છે. મન મૂકીને જીવો તો જ જીવન કહેવાય, નહિ તો જીવન ભારરૂપ બની જાય.’ ઋજુતા નિ:સંકોચ હૈયું ખોલીને પોતાની માન્યતાઓ જણાવે છે.

પરંતુ કિસલય તો કંઈ કેટલીય ગ્રંથિઓથી જકડાયેલો હતો. એ ઋજુતાની રીતે વિચારી નથી શકતો. સ્ત્રીના માનસનો ખ્યાલ કરવાની આવશ્યકતા એ સમજતો નથી. એ ગંભીરતાથી બોલ્યો : ‘ઋજુતા, જીવન બહુ મોટી વાત છે, એની ગંભીરતા અને ગહનતાને આમ ઉપરછલ્લી રીતે ના લેવાય. રંગરાગ અને મસ્તીમાં પગ રાખીએ તો આપણે ડૂબવા માંડીએ, નષ્ટ થઈ જઈએ. આપણી શક્તિઓ વેડફાઈ જાય.’

કિસલયની વાત સાથે ઋજુતા સંમત થઈ શકતી નથી. એને થાય છે કે જીવનમાં રંગ ના હોય, મસ્તી ના હોય તો એ જીવનને કરવાનું શું ? બધું સુસ્ત સપાટ નીરસ ! એવા જીવનમાં સુખ શું ? ઋજુતા અકળાઈ ઊઠી. આવા શુષ્ક માણસ સાથે જીવન કઈ રીતે પસાર થશે ? આ તો ગુંગળાઈ જવાય. એ બોલી : ‘કિસલય, તેં લગ્ન શું કરવા કર્યા ? તું મને, મારી લાગણીઓને સમજવા પ્રયત્ન કેમ નથી કરતો ? મારો આ તલસાટ તને કેમ સ્પર્શતો નથી ! મારે હીરામાણેક મોતી કે સોનાચાંદીના અલંકારો નથી જોઈતા, મબલખ દોલત નથી જોઈતી. મને કોઈ ભૌતિક ચીજવસ્તુનો મોહ નથી. મારે તો તારો ભરપૂર પ્રેમ જોઈએ. એ પ્રેમની રંગભરી મોજ જોઈએ, ઉમળકાભર્યો સંગ જોઈએ. ભલે તું તારા મોંથી મને ‘આઈ લવ યુ’ ના કહે પણ તારી આંખોમાં તો એ ભાવ મને વંચાવો જોઈએ. તારી આંખોમાં મારા માટે પ્રેમનો મહાસાગર ઘૂઘવતો હોવો જોઈએ. કિસલય, માત્ર હું નહિ દરેકે દરેક નારી એના પતિનો પ્રેમભર્યો ઉત્કટ સંગ ઈચ્છે, એમાં કશું અજૂગતું નથી. બધું સ્વાભાવિક છે. જીવનમાં જો એ મળે તો સ્ત્રી પરમ તૃપ્તિ પામે છે. એ પછી જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ કે તકલીફો આવે સ્ત્રી એનો પ્રતિકાર કરી શકે છે. જીવનમાં એ રંગ અને રસ એના હૃદયને એવું ભરી દે છે કે પછી કોઈ ઉણપ કે અભાવ સાલતા નથી.’

પત્નીની આર્દ્રતાભરી વાણીથી ભીંજાવાના બદલે કિસલય ધૂંધવાઈને બોલ્યો : ‘તારી આવી બહેકી બહેકી વાતો મારા મગજમાં ઊતરતી નથી. હલકું સાહિત્ય અને થર્ડ કલાસ ટી.વી. સિરિયલો જોઈને તારામાં આવા નિમ્ન પ્રકારના ટેસ્ટ કેળવાયા છે. તારામાં સારા સંસ્કારોનું સિંચન થયું નથી. તારે સાદાઈ અને સંયમના પાઠ ભણવાની જરૂર છે.’

કિસલયના વિચારની જડતા છે, એ પોતાનું દ્રષ્ટિબિંદુ છોડીને પત્નીની નજરે વિચારી શકતો નથી. ઋજુતાના ઉમંગ, ઉલ્લાસ, ઝંખનાને સમજવા પ્રયત્ન કરતો નથી. ઋજુતા યૌવનનો ઉંબરો વટાવી ચૂકેલી એક નવવિવાહીતા છે. એના હૈયે શું અરમાન છે એ જાણવાની પતિ તરીકે કિસલયને કોઈ ઈંતેજારી નથી. પોતાની પત્નીમાં એને રસ નથી. પત્નીમાં રસ લેવાની પતિની ફરજ છે એવું ય એ માનતો નથી. પત્નીને એનું સ્વતંત્ર વ્યક્તિત્વ છે, અલગ સંવેદનતંત્ર છે, એને પોતાના વિચારો અને ઈચ્છાઓ છે એવું સમજવાની કિસલયમાં બુદ્ધિ નથી. દામ્પત્ય એટલે શું એ, એ સમજતો જ નથી.

પતિ-પત્ની બે અલગ હોય છે. બે મટીને એક થવું એ એક મોટો પડકાર છે. પોતાના ‘હું’ ની બહાર નીકળીને જીવનસાથીની સૂક્ષ્મમાં સૂક્ષ્મ ઈચ્છા જાણવા તત્પર રહો તો જ લય સધાય, જીવન સંવાદી બને. આજકાલ માણસના મનનો ઊંડાણથી અભ્યાસ થાય છે, ચીવટપૂર્વક એની પર ચિંતન થાય છે અને પછી એનો વિગતવાર વિસ્તૃત અહેવાલ અવારનવાર બહાર પડે છે. શું કિસલય એવું કશું વાંચતો નહિ હોય ? પ્રશ્ન થાય છે કે કિસલય કઈ સદીમાં જીવે છે ? એક માણસ તરીકેના માનવીય ભાવો એ અનુભવી શકે છે કે નહિ ! સ્ત્રીના મનની નાજુક કોમળ લાગણીઓ એને કેમ ઝકઝોરતી નથી ? પત્નીને સંતોષ આપવા એ કેમ ઉત્સુક નથી !

કિસલયમાં પુરુષ તરીકેનું જડ ગુમાન છે, ગુરુતાગ્રંથિ છે, એ જે માને છે એ સાચું છે અને પત્નીએ એને અનુસરવું જોઈએ એમ દઢપણે માને છે. છતી આંખે એ અંધ છે, છતે કાને બધિર છે, અથવા તો એનું હૈયું સંવેદનશૂન્ય છે તેથી પત્નીને એ સમજી શકતો નથી અને તેથી એને અન્યાય કરે છે. માનવતાની દષ્ટિએ આ ગુનો છે. પતિ તરીકેની ફરજ એ ચૂકે છે. દરેક ઉંમરનો પોતાનો એક તકાદો હોય છે, એક માંગ હોય છે, દરેક માણસે એ રીતે બદલાવું જોઈએ. માણસ એકલો હોય ત્યારે તેને સાદાઈ અને સંયમ ઈષ્ટ લાગતા હોય તો ભલે એ પ્રમાણે જીવે. પરંતુ લગ્ન પછી જીવનશૈલી બદલવી પડે. દામ્પત્યજીવનના પરોઢે એ જીવનસાથી તરફ ભાવથી વર્તવાના બદલે આવું એકાંગી વર્તન કરે એ યોગ્ય નથી.

પુરાણકાળના ઋષિઓ પણ એમની પત્નીઓની માંગ પૂરી કરવા તત્પર રહેતા. પત્નીને જો શૃંગાર સજવાની અભિલાષા જાગે તો રાજા પાસે ધનની યાચના કરીનેય પત્નીના કોડ પૂરા કરતા. આમાં કશું અનુચિત કે અશિષ્ટ નથી. સ્ત્રી માત્રને શૃંગાર સજીને પોતાના રૂપને સંવારવાની ઈચ્છા હોય છે જ. આ સ્વાભાવિક છે. આમાં કંઈ શરમજનક નથી. પરિણીત સ્ત્રી પુરુષ અન્યોન્યને સમજે તો જ ગૃહસંસાર દીપી નીકળે, નહિ તો જીવન વેરાન થઈ જાય. માનસશાસ્ત્રીઓ તો ઠોકી ઠોકીને કહે છે કે દામ્પત્યજીવનને હર્યુંભર્યું રાખવા પતિ-પત્નીએ એકબીજામાં પૂરેપૂરો રસ લેવો જોઈએ. તો જ જીવનમાં ઉત્સાહ વધે. અન્યોન્યની ભૂલ બતાવવી કે વિરોધ કરવો એ તો સુખની ઈમારત પર હથોડા ઠોકવા બરાબર છે. ઈમારત તૂટી ના જાય તોય ધ્રૂજી તો ઊઠે જ. ક્યારેક ઈંટો ખરવા માંડે ને ઈમારત જમીનદોસ્ત થઈ જાય. પણ કિસલય જેવાને આનો ખ્યાલ જ નથી આવતો.

જ્યારે જીવનસાથીઓ વચ્ચે વિચારોનું ઐક્ય ના સધાય ત્યારે જીવનમાંથી ઘણી બાદબાકી થઈ જાય છે. જીવનમાં અનેક રૂપરંગ સંભવી શકે છે, પોતાના ઈચ્છિત રૂપરંગ પ્રમાણે જીવન બનાવવું હોય તો બેઉએ થોડી બાંધછોડ કરવી જોઈએ. બાંધછોડ કરવામાં કોઈ નાનમ નથી, પણ ઊંડી સમજદારી છે. સ્નેહથી એ સમજદારી દાખવવાની છે, ત્યારે કોણે કેટલું છોડ્યું એની ગણત્રી ના કરવાની હોય. પોતાના પ્રિયજન માટે શું છોડ્યું એ યાદ રાખવાનું ન હોય. પ્રિયજનના સંતોષ અને આનંદને પોતાનો આનંદ અને સંતોષ સમજવા જેટલી ઉદારતા હોવી જોઈએ.

No comments:

Post a Comment