Wednesday, August 12, 2009

સુખના ખજાનાની ચાવી – અવંતિકા ગુણવંત


‘લગ્ન પછી તમે ક્યાં ફરવા જવાના છો ?’ અર્ચનાને એની બહેનપણી રીનાએ પૂછ્યું.
‘અરે ભાઈ મારો વર તો બહુ રોમેન્ટિક છે. એણે એ વિશે તો મને જરાય ખબર જ નથી પડવા દીધી. હનીમૂનનો ‘હ’ પણ એણે ઉચ્ચાર્યો નથી. એ મને સરપ્રાઈઝ આપવા માગતો હશે તો મારે શું કામ પૂછવું પડે ?’ મલકાતાં મલકાતાં અર્ચનાએ કહ્યું.
‘પણ તને જાણવાની ઈંતેજારી નથી થતી ? એણે તને કોઈક ક્લ્યૂ તો આપી હશે ને !’
‘ના ભાઈ ના, એણે તો મને એવું ય નથી પૂછ્યું કે તને પહાડ ગમે કે સમંદર. અને હું ય અંધારામાં જ રહેવા માગું છું. બધું પહેલેથી ખબર પડી જાય તો પછી વિસ્મય જ ના રહે, રોમાંચ જ ના અનુભવાય. એ જ્યાં લઈ જશે ત્યાં એનો હાથ પકડીને આપણે તો જવાનું છે. મેં તો હું ફોટો પડાવતાં કેવો પોઝ આપીશ, કેવી સ્ટાઈલો મારીશ એ નક્કી કરી રાખ્યું છે.’ ઉત્સાહથી છલકાતાં અર્ચના બોલી.

વિવાહ થયા પછી વર અને મોજમસ્તી સિવાય બીજી કોઈ વાત અર્ચનાના મોંએ ન હતી. દાગીના કપડાં ય ગૌણ થઈ ગયાં હતાં. એની બહેનપણીઓ દાગીના કપડાં વિશે પૂછતી તો એ કહેતી : ‘દાગીના કપડાં તો આખી જિંદગી કરાવવાનાં જ છે ને ! દાગીના કપડાંની શું નવાઈ ? એ તો અત્યારેય પહેરું જ છું ને ! આપણને તો બસ ફરવા જવામાં રસ છે. એકાંત પહાડીઓ, પગદંડી વગરનાં જંગલો અને સૂના સમુદ્રકિનારે હાથમાં હાથ પરોવીને બસ ફર્યા જ કરીશું. ગાલને ગાલ અડાડીને ગીતો ગાઈશું, વાતો કરીશું. બસ, હું ને મારો વર…’ અર્ચના સ્વપ્નમાં રાચતી હતી.

અર્ચનાનું સાસરું ખૂબ પૈસાદાર હતું. ત્રણ દિવસ સુધી લગ્નનો ઉત્સવ ઊજવાયો. લાખો રૂપિયા ખર્ચાયા. સગાંવહાલાં ને સ્નેહીજનોના આનંદ-ઉત્સાહનો કોઈ પાર ન હતો. દરેકે મન મૂકીને પ્રસંગ માણ્યો. અર્ચના વિચારતી, અહીં તો પૈસાની કોઈ ગણતરી જ નથી કરતું. પૈસા ઉડાવે જ જાય છે. લગ્નમાં આટલી ધામધૂમ છે તો પછી અમારે ફરવા જવાનો પ્રોગ્રામ તો કેવોય ધમાકેદાર હશે ! દૂર દૂર આફ્રિકાનાં જંગલોમાં જવાનું હશે કે સ્વિટ્ઝરર્લેન્ડ હશે ! હું તો કદી વિમાનમાં બેઠી નથી. જિંદગીમાં ક્યારેય જે જોયું નથી, માણ્યું નથી એવું બધું હવે મને મળશે. હર પળ મારા માટે તો ઉત્સવ જ હશે. હું ને મારો રાજેશ.

અર્ચના કોઈ સુરમ્ય એકાંત સ્થળે જવા અધીરી થઈ ઊઠી હતી. મનોમન તો એ કલ્પનાના પ્રદેશમાં પહોંચી ગઈ હતી. લગ્ન પછી એક દિવસ ગયો, બીજો દિવસ ઊગ્યો, પણ ક્યાંય જવાનાં કોઈ એંધાણ વરતાતાં નથી. હવે અર્ચનાની ધીરજ ખૂટી, તે બોલી ઊઠી : ‘આપણે ક્યારે ફરવા જવાનું છે ?’
અર્ચનાના સમગ્ર અસ્તિત્વમાંથી નીકળેલો એ ગભરાઈ ગયો કે અર્ચનાને શી રીતે કહું કે હનીમૂન જેવો શબ્દ મારાં મા-બાપ પાસે ઉચ્ચારાય નહિ. અમારા કુટુંબમાં આજ સુધી કોઈ નવપરિણીત યુગલ એકલું ફરવા નીકળી પડ્યું નથી. એકલા બહાર જવું છે એવી ઈચ્છા વ્યક્ત કરવામાં ય મર્યાદાભંગ લાગે. તેઓ હબકી જાય. અમારે ત્યાં મબલખ ધનસંપત્તિ છે. હવેલી જેવું વિશાળ રહેઠાણ છે. અદ્યતન ફર્નિચર છે. સગવડ સુવિધા છે. પણ હજી, અમારા કુટુંબનું માનસ તો અઢારમી સદીનું છે. મારા પપ્પાના દાદાના ય દાદા જે વિચારતા હતા એ જ મારા પપ્પા વિચારે છે. એ જ રીતરિવાજ ચાલ્યા આવે છે.

આ ઘરમાં પપ્પા કહે એ કાયદો. એમની ઈચ્છા સર્વોપરી ગણવાની. અહીં બીજા કોઈનું સ્વતંત્ર અસ્તિત્વ જ નથી. ભલે હું ગ્રેજ્યુએટ થયો, લેટેસ્ટ ફેશનના કપડાં પહેરું, લેટેસ્ટ મોડલની કાર વાપરું, કાર હું જાતે ચલાવું પણ મારા જીવનના કોઈ નિર્ણય જાતે લેવાની મને સત્તા નથી. મારો દોર તો પપ્પાના હાથમાં છે. અરે અર્ચના, તને મેં જોઈ એ પહેલાં મારાં મમ્મી-પપ્પાએ તને જોઈ હતી. એમણે તને પસંદ કરી પછી જ તને હું જોઈ શક્યો હતો. એમણે મારું મન જાણવા કોઈ પ્રયત્ન કર્યો ન હતો. એની એમને જરૂર જ લાગી ન હતી. એમને મારા માટે એક જીવનસાથી લાવવાની હોંશ ન હતી. એમને તો એમની હવેલીમાં શોભે એવી એક ઢીંગલી જોઈતી હતી. એમના કહ્યા મુજબ કરે એવી આજ્ઞાંકિત ઢીંગલી.

મારી મમ્મીને મારા પપ્પાએ નહીં પણ દાદા-દાદીએ પસંદ કરી હતી, એમ તને મારાં મમ્મી-પપ્પાએ પસંદ કરી. યુવાન દીકરાને હૈયે શું અરમાન છે એ જાણવાની એમણે કોશિશ જ નહોતી કરી. અર્ચના, તું માગે છે એવી જીવનશૈલી અમારે ત્યાં નથી. તારી કોમળ લાગણી કે મધુર અરમાન સમજે એવાં સંવેદનશીલ મારાં માવતર નથી, પણ આ વાત મારે કઈ રીતે સમજાવવી ?
રાજેશે ખૂબ પ્રેમથી સ્નિગ્ધ કંઠે અર્ચનાને કહ્યું : ‘હાલને હાલ ફરવા શું જવાનું ? પછી ક્યારેક જઈશું.’ રાજેશના બોલવામાં કોઈ પ્રાણ ન હતો.
‘ઓહ, મેં તો કેટકેટલાં સ્વપ્નાં સેવ્યાં હતાં ?’ અર્ચના રુદનભર્યા કંઠે બોલી. એ સાવ થીજી ગઈ. આસમાનમાં ઊડતી ભોંયે પટકાઈ ગઈ. રાજેશ સૂની આંખે જોઈ રહ્યો. પ્રિય પત્નીનું મન રાખી શકતો નથી એનું રાજેશને પારવાર દુ:ખ હતું, પણ જૂનવાણી માબાપને કંઈ પણ કહેવાની એનામાં હિંમત ન હતી. મા-બાપે સમાજમાં પોતાનો વટ પાડવા ભલે લાખો રૂપિયા ખર્ચીને લગ્નોત્સવ ઊજવ્યો પણ વહાલા દીકરાની ઈચ્છાની એ પરવા નહિ કરે એવું રાજેશ જાણતો હતો. અર્ચનાની ઈચ્છા એ જ રાજેશની ઈચ્છા હતી. એને પણ દૂર અજાણ્યા પ્રદેશમાં કુદરતના સાંનિધ્યમાં નવજીવનનું પરોઢ માણવું હતું. પત્નીનો પૂર્ણ પરિચય ત્યાં જ પામવો હતો, પરંતુ એને સમજે એવું ઘરમાં કોઈ ન હતું. અરે એ જો આવી મતલબનું કંઈ બોલે તો હાંસીને પાત્ર ઠરે. ઘરમાં ઉલ્કાપાત થઈ જાય.

અર્ચનાએ રાજેશનું ઊતરી ગયેલું મોં જોયું, એને રાજેશ માટે સમભાવ જાગ્યો પણ પોતાની અદમ્ય ઈચ્છા, તીવ્ર તલસાટ…. એનું શું ? જિંદગીમાં આ પ્રસંગ ફરી કદી આવવાનો છે ? ઉત્કટ અભિલાષાઓના ગળે સાવ ટૂંપો દઈ દેવાનો ? આ ઘડી માટે તો એણે કેટલાં સ્વપ્નાં જોયાં હતા. આવા લગ્નને શું કરવાનાં ? એને થયું, આધુનિક જમાનામાં મા-બાપ ઉદાર બનીને દીકરા-વહુને સમજવા પ્રયત્ન કરે છે, નવપરિણિત દંપતી વચ્ચે કોઈ સમસ્યા ન ઉદ્દભવે એવું વલણ લે છે તો આ ઘરમાં આવું કેમ ? એણે રાજેશને આજીજીના સૂરે કહ્યું : ‘તું મમ્મીપપ્પાને કહે ને ફકત ચાર દિવસ માટે નજીકમાં નજીકના કોઈ સ્થળે જઈને, મારે બહાર જવું છે.’
રાજેશ બોલ્યો : ‘મમ્મી-પપ્પાને કહી શકાય એટલું બધું મેં કહ્યું. હવે વધારે કહેવું એટલે ઝઘડો કરવો. બોલ અર્ચના, જીવનના આરંભે તને કલેશ ગમશે ? આપણાં મધુર અરમાન ખાતર મા-બાપ સાથે કાયમનો કકળાટ વહોરવો છે ? તારા જેટલી જ મનેય ઈચ્છા છે પરંતુ પપ્પા સામે બોલ્યા પછી એનું પરિણામ શું આવે એ હું જાણું છું. એ આપણો જરાય વિચાર ના કરે.’

વાસ્તવિકતાની કઠોરતાએ અર્ચનાને લાચાર પાડી દીધી. એ સમજી ગઈ કે હવે આગ્રહ રાખીશ તો અમે પતિ-પત્ની કદાચ ઝઘડી પડીશું. ઝઘડીએ નહિ તોય મન ઊંચા થઈ જ જશે. રાજેશ મને ફરવા નથી લઈ જઈ શકતો એનું એને દુ:ખ છે, પણ અત્યારે એ મારો છે. સંપૂર્ણપણે મારો. અહીં અમારી વચ્ચે તાદાત્મ્ય સાધવાનું નિર્માણ થયું હશે. એનો આ અઢળક પ્રેમ અકબંધ રાખવો હોય તો મારે મારા સ્વપ્નાંને ભીતરમાં દાટી દઈને, આ પરિસ્થિતિને સ્વીકારવી જ રહી. રડવાથી કે ગુસ્સો કરવાથી કંઈ બદલાશે નહિ. અર્ચના સમજુ હતી. ઘડી પળ વર્તીને એ હૃદય મનને સંયમમાં રાખી શકી. આખી જિંદગીને અખિલાઈપૂર્વક નિહાળીને એણે ઘડી બે ઘડીની એ રંગભરી મસ્તીને બાજુ પર રાખી દીધી. એણે એક ઉચ્છવાસ સાથે મનની નિરાશા, ઉદાસી બહાર ફગાવી દીધી. અને એ બોલી : ‘ભૂલી જા એ આખી વાત. આપણા જીવનની તો હરેક ક્ષણ અનન્ય હશે. જિંદગીભર લગ્નોત્સવ ઊજવાશે.’

આજકાલ તો સામાન્ય નિમ્ન મધ્યમવર્ગના સંતાનોય હનીમૂન માટે જાય છે જ્યારે અહીં તો ધનદોલતની છોળો ઊડે છે તો ય અર્ચના-રાજેશને ફરવા જવા ન મળ્યું. મન મારવું પડ્યું. તેમ છતાં અર્ચનાએ રાજેશને ‘તું માવડિયો છે’ કહીને મહેણું ન માર્યું. કેટલી કુશળતા અને નાજુકાઈથી એણે આખી વાત સંભાળી લીધી ! પોતાનો આગ્રહ કેવો ચૂપચાપ છોડી દીધો ! પોતે ખાસ કંઈ છોડી રહી છે કે રાજેશ ઉપર ઉપકાર કરી રહી છે એવું શબ્દોથી શું હાવભાવથી ય ન દર્શાવ્યું.

વિદ્વાન માનસશાસ્ત્રી કહે છે : ‘જીવનસાથીમાં માફ કરવાની અને ભૂલી જવાની ક્ષમતા હોય, તો જીવનમાં ક્યારેય સમસ્યા ન ઉદ્દભવે.’

No comments:

Post a Comment