Thursday, August 13, 2009

આપણી જિંદગી – અવંતિકા ગુણવંત

મધુકાંતના ગયા પછી અમુભાઈ એકદમ ચૂપ થઈ ગયા. સવિતાબહેન વિચારે છે આ બે દિવસ મધુભાઈ હતા ત્યારે તો બેઉ મિત્રો કેટલી વાતો કરતા હતા ને હસતા હતા. અરે જમવા બોલાવું તોય ઝટ ડાઈનિંગ ટેબલ પર આવે નહિ, રાત્રે હું તો ઊંઘી ગઈ હતી પણ એ બેઉ તો વાતો જ કરતા રહ્યા હતા, અને મધુભાઈના ગયા પછી આ કેમ ચૂપ થઈ ગયા ? જાણે કોઈ ગંભીર વિચારમાં ડૂબી ગયા છે, શું થયું છે પૂછું ? પૂછું, પછું એમ સવિતાબહેનને થાય પણ પૂછી શક્યાં નહિ.

એક દિવસ આખો પસાર થઈ ગયો, પરંતુ અમુભાઈ તો એવા જ સૂનમૂન અને વિચારમગ્ન હતા. હવે સવિતાબહેનથી રહેવાયું નહિ. એમણે પૂછ્યું તો અમુભાઈ બોલ્યા, ‘સવિતા ! તેં ના પૂછ્યું હોત તોય તને હું કહેવાનો જ હતો. આપણી નિષ્ફળતાની વાત તને ના કહું તો બીજા કોને કહું, પણ કેવી રીતે કહું, ક્યાંથી શરૂ કરું એ જ સમજાતું નહતું.’

સવિતાબહેનને નવાઈ લાગી કે પતિ આજે આ કેવી વાત કરે છે ? લગ્ન થયે ચાળીસ વર્ષ થયાં પતિએ જિંદગી નિષ્ફળ ગઈ છે એવું કદી કહ્યું નથી ને અમારી જિંદગી ક્યાં નિષ્ફળ ગઈ છે ? એમના પિતા તો નાની ઉંમરમાં મૃત્યુ પામ્યા હતા. મામાના ઘેર રહીને ભણ્યા અને આ વૈભવ, આ સંપત્તિ બધું એમના પુરુષાર્થનું ફળ છે. બેઉ દીકરીઓને સારી રીતે ભણાવીને સારા ઘેર પરણાવી છે. એ બેઉ સુખી છે.

સમાજમાં અમારી પ્રતિષ્ઠા છે. આ બે માળનો અમારો બંગલો, નોકર, રસોઈયો, ડ્રાયવર… કેટલી નિરાંતભરી અમારી જિંદગી છે ! શરીર પણ તંદુરસ્ત છે, એ પાંસઠના થવા આવશે પણ બાવન-ચોપનના લાગે. રોજ એક કલાક તો સ્વિમિંગ કરવા જાય છે. હું ગાર્ડનમાં ચાલવા જાઉં છું. દર વરસે પરદેશની ટૂર પર જઈએ છીએ. દુનિયામાં જોવાલાયક બધું જોઈ કાઢ્યું છે છતાં અમારી જિંદગી નિષ્ફળ ગઈ ? અરે લોકો અમારી જિંદગીની ઈર્ષા કરે છે. મારી બહેનો કહે છે કે સવુબહેન, ગયા ભવ તે એવાં તો કેવાં પૂણ્ય કર્યાં છે કે સુખ, સુખ અને સુખ જ તને મળ્યું છે. તારે તો સાસુ-સસરાની ચિંતા નહિ કે દિયર-જેઠ-નણંદનો ભાર નહિ. એય રાજરાણીનું સુખ ભોગવે છે. આવી સુખી જિંદગીને નિષ્ફળ કઈ રીતે કહેવાય ?

સવિતાબહેન મોં ખોલીને પતિને કંઈ કહેવા જાય છે પણ પતિના મ્લાન ચહેરો ને ભીની ભીની આંખ જોઈને કંઈ બોલી શક્તા નથી. પતિ હમણાં જે બે વાક્યો બોલ્યા ત્યારેય એમનો અવાજ કેવો ગળગળો હતો ! શું થયું છે એમને ! સવિતાબહેન મૂંઝાઈ ગયાં. એમને સ્નેહથી પતિના હાથ પર હાથ મૂક્યો, અને પતિ કંઈ બોલે એની રાહ જોતાં એમને જોઈ રહ્યાં.

અંતે અમુભાઈ બોલ્યાં, ‘તું જાણે છે કે મધુકાંત મારો નાનપણનો દોસ્ત છે, ગામમાં એક જ મહોલ્લામાં અમે રહેતા હતા. મારા બાપુજી તો હું નાનો હતો ને ગુજરી ગયા. પછી હું ને મારી બા મામાના ઘેર અમદાવાદ રહેતાં હતાં. હું અમદાવાદની સ્કૂલમાં ભણતો હતો. મધુકાંત આઠ ધોરણ સુધી ગામમાં ભણ્યો પણ પછી અમદાવાદ ભણવા આવ્યો. એ બોર્ડિંગમાં રહીને ભણે. અવારનવાર એ મારી સાથે મામાના ઘેર આવે ત્યારે મામી કાયમ એને જમાડીને મોકલે. મધુકાંત મામા-મામીના હેતને યાદ કરીને એટલો ભાવવિભોર થઈ ગયો હતો, મને કહે તારાં મામી જેવી લાગણીવાળી મેં કોઈ બાઈ નથી જોઈ, બધાં એને પોતાના લાગે, કોઈ પારકું ન લાગે. હજી સ્વપ્નમાંય મને મામી દેખાય છે.

સવિતા, મામાને પોતાનાં તો એક દીકરીને દીકરો. ઘરનાં તો એ કુલ ચાર જણ જ કહેવાય. પણ કદી ઘરમાં એ લોકો ચાર જણ એકલાં રહ્યાં નથી. એમનું ઘર માણસોથી ભરેલું જ હોય. કેટલા પિતરાઈ ભાઈ-બહેનોનાં છોકરાં ત્યાં ભણે. એમણે એમનાં દીકરા-દીકરીને કોઈ વિશેષભાવે રાખ્યાં નથી કે અમને એક ઘડી માટેય પારકાં ગણ્યાં નથી. અમારી અને એમની વચ્ચે કોઈ વેરોઆંતરો રાખ્યો નથી. બહારનાને તો ખબર જ ન પડે કે ઘરનાં છોકરાં કોણ છે. અમે નાનાંહતાં, નાદાન હતાં, કોઈ તોફાન કર્યું હશે, ભાંગ્યું-તોડ્યું હશે, અવિનયથી વર્ત્યાં હોઈશું પણ મામા-મામી કદી કઠોર થઈને વઢ્યાં નથી. કાયમ પ્રેમથી સમજાવ્યું છે. કોઈના માટે એમને લેશમાત્ર દુર્ભાવ નહિ. મામા-મામી એટલા સહજભાવે અમને રાખતાં કે હું તને પ્રસંગો કહેવા બેસું તો ખૂટે નહિ એટલા છે. માંદે-સાજે જે ચાકરી કરે, એ યાદ કરતાંય આજે આંસુ ઊભરાય છે. હું માંદો હતો ત્યારે મામી ઉજાગરા કરે, મારી બા નહિ. મામી વાર્તા કહેતાં જાય ને મને દવા પિવડાવે. મોસંબીનો રસ પિવડાવે. આટલો સ્નેહ, આટલી ઉદારતા અને સરળતા ! આજે યાદ આવે છે ને હું આભો બની જાઉં છું.

સવિતા, આપણે આપણા સંતાનો માટે જ જે કર્યું છે એ એમણે બધાંને માટે કર્યું છે અને કદી કહી બતાવ્યું નથી. મને થાય છે આપણે આપણાં સંતાનોને ઉછેરવા જે કર્યું એ મોટી નવાઈ કરી હોય એમ કહી બતાવતાં અચકાતાં નથી, જ્યારે મામા-મામીએ કદી કોઈનેય યાદ નથી કરાવ્યું કે એમણે શું શું કર્યું, કેવો ભોગ આપ્યો, કેવો ત્યાગ કર્યો. મેં અને મધુએ મામા-મામી વિશે જ વાતો કરી ને અફસોસ કર્યો કે અમારી સામે નજર આગળ આવડો મોટો આદર્શ હતો એ પ્રમાણે અમે કેમ જીવ્યા નહિ. અમે તો માત્ર પૈસા કમાઈ જાણ્યો ને પંડમાં વાપર્યો. આપણા ભાવ ને લાગણીય જાણે બનાવટી છે. પોતાનું પેટ તો કૂતરાં-બિલાડાંય ભરે છે એમાં શી નવાઈ કરી ! હું શ્રેષ્ઠ માણસોમાંય શ્રેષ્ઠતમ ગણાય એવાં મામા-મામી પાસે રહ્યો છતાંય એમનો પાસ મને કેમ ન લાગ્યો ? એમનો લાભ મને મળ્યો પણ મારું મન કેમ આવું ભૌતિકવાદી રહ્યું. હું ઊંચાઈએ ન પહોંચ્યો.’

‘તમે કહો છો એ વાત સાચી પણ એમની ઊંચાઈએ પહોંચવાનું આપણું ગજું નહિ.’ સવિતાબહેન બોલ્યાં.

‘સાચી વાત છે. એમણે પૈસા ખરચતાં કદી નથી જોયું કે એ કોના માટે ખરચાય છે. એમનાં બારણાં દરેકના માટે ખુલ્લાં રહેતાં. કોઈ પણ સમયે મદદનો પોકાર પાડતો માણસ ત્યાં જઈ પહોંચે ને એને મદદ મળે જ. એમનો હાથ કદી ટૂંકો ન પડે. હું નાનો હતો ત્યારે નજરે એ બધું જોતો અને મને એ જ સ્વાભાવિક જીવન લાગતું. આવનાર માણસ ખુશી થઈને પાછો જતાં જોઉં ત્યારે મને એવું નહતું લાગતું કે મામા-મામી કોઈ અસાધારણ કામ કરી રહ્યાં છે. આજે સમજાય છે કે મને કેમ એવું નહોતું લાગતું, એનું કારણ એક જ હતું, મામા-મામીમાં જરાય દંભ ન હતો. દેખાડો ન હતો. મોટાઈ ન હતી. એ પોતે તદ્દન સાધારણ કામ કરતાં હોય એ રીતે અસાધારણ કામ કરતાં. મામા-મામી ખરેખર અસાધારણ માણસો હતાં. આજ સુધી હું એમની એ અસાધારણતા સમજી ન શક્યો. હું કેટલો મૂઢ !

સવિતા, આજે મને સમજાય છે આપણે કેટલું ગુમાવ્યું છે ! આપણે ધન કમાયા અને માની લીધું કે આપણે બહુ ઊંચા છીએ, આપણે અન્યની જોડે હળવા-મળવાનું બંધ કરી દીધું. પાડોશીઓ સાથે માત્ર ઔપચારિક સંબંધ રાખીએ છીએ. અગાઉથી જણાવ્યા વગર આપણે કોઈ મળવા ન આવી શકે. આપણું આવડું મોટું ઘર છે, આ વિશાળ આંગણું, આ ધનદોલત, કોઈનાય કામમાં આવે છે ? જો ને કેવો સૂનકાર છે બધે ! ક્યાંય કિલ્લોલ છે ? આપણી સાવ નિ:સંગ જિંદગીએ આપણને ચૈતન્યશૂન્ય બનાવી દીધાં છે. આપણા હૃદયને લકવા થઈ ગયો છે.’

સવિતાબહેન બોલ્યાં, ‘પરંતુ આજ સુધી તો તમે આપણી જિંદગીથી કેટલા સંતુષ્ટ હતા ! તમે કહેતા હતા કે આપણે શૂન્યમાંથી સર્જન કર્યું. આપણી જિંદગી તો એક દ્રષ્ટાંત કહેવાય, અને તમે માનતા હતા એમાં ક્શું ખોટુંય ન હતું. તમે મધુભાઈની સાથે વાતો કરીને વધારે પડતા ભાવુક થઈ ગયા છો. તમે પુરુષાર્થ કરીને આપણી આ જાહોજલાલીવાળી દુનિયા સર્જી છે. તમે અસાધારણ જ છો. બધા તમારા જેટલું મેળવી નથી શક્તા !’

‘ઓ સવિતા, આપણે આપણી જાતમાં એટલાં લીન થઈ ગયાં છીએ કે આપણા સિવાય બીજા કોઈને પ્રેમ નથી કરી શક્તાં. આપણે સ્વકેન્દ્રી છીએ. આ આત્મરતિ આપણા જીવનનું આલંબન બની ગઈ છે. પણ તું મારાં મામા-મામીની જિંદગીને જો, અને વિચાર કર. સ્નેહથી પરિપૂર્ણ એ જિંદગી ! એમણે જિંદગીમાં આપ્યા જ કર્યું છે અને આપણે મહત્વાકાંક્ષી બનીને એકઠું કરતાં રહ્યાં છીએ. આપણી આવી જિંદગી પર શું ગર્વ કરવાનો ? સવિતા, એમનાં જીવન ત્યાગનાં સૌંદર્યથી શોભતાં હતાં ને આપણે અંતિમ ઘડી સુધી ધનને સાચવતાં બેસી રહીશું ! આપણી જિંદગી તો નકામી કહેવાય.

સવિતા, મારા મનમાં અજંપો જાગ્યો છે, હું બેચેન બની ગયો છું. મારે – આપણા નાનકડા કૂંડાળામાંથી બહાર આવવું છે.’

‘શું કરવા ધારો છો ? તમે માંડીને વાત કરોને. તમે જે કહેશો ને કરશો એમાં હું સંપૂર્ણ સાથ આપીશ. પણ તમે નિરાશામાંથી બહાર આવો.’

‘મારે આપણી જિંદગી મામા-મામીના જેવી સુંદર બનાવવી છે. વૃદ્ધાવસ્થા ત્યાગથી જ સુંદર થાય. હવે આપણો સમય, શક્તિ અને ધન જરૂરતમંદો માટે ખરચીશું.’

No comments:

Post a Comment