Wednesday, August 12, 2009

આધુનિક યુવતી શું ઈચ્છે છે ? – અવંતિકા ગુણવંત

ફાલ્ગુન જેવા પ્રતિભાશાળી વ્યક્તિત્વવાળા પતિને પામીને કૃતિકા પોતાની જાતને નસીબદાર સમજતી હતી. ફાલ્ગુનમાં જ્ઞાન, આવડત, પરિપક્વતા અને વહીવટની ઊંડી સૂઝ હતી તેથી નાની ઉંમરમાં એ એક મલ્ટીનેશનલ કંપનીમાં ઊંચા હોદ્દા પર પહોંચ્યો હતો.

કૃતિકા પોતેય જોબ કરતી હતી. તે હોશિયાર અને મહત્વાકાંક્ષી હતી પરંતુ સ્વભાવે ચંચળ અને વધારે પડતી સંવેદનશીલ હતી. તેને નાની નાની વાતમાં ખરાબ લાગી જતું હતું. તેથી ઑફિસમાં ક્યારેક બૉસ જોડે, ક્યારેક સહકાર્યકર સાથે મતભેદો પડી જતા ને સમસ્યા ઊભી થતી. કૃતિકા ફાલ્ગુનને વાત કરતી ને ફાલ્ગુન એને ઉકેલ શોધી આપતો, બુદ્ધિપૂર્વક વર્તવાનું કહેતો. કૃતિકાને ઘરમાં પણ સાસુ તથા જેઠાણી સાથે વાંધા પડી જતા. કૃતિકાને બધાંના વિશે ફરિયાદો જ હોય. એકાદ-બે મહિનાના અનુભવે ફાલ્ગુને જોયું કે કૃતિકાનો સ્વભાવ જ એવો છે કે એને બીજા જોડે ઝટ વાંકું પડે છે, એને રીસ ચડે છે ને આવેશમાં આવીને ગમેતેમ બોલી કાઢે છે. એણે કૃતિકાને કહ્યું : ‘તારા બૉસ, તારા સહકાર્યકરો, ઘરમાં આપણાં મમ્મી તથા ભાભી બધાં તારા જીવનનો હિસ્સો છે. તારે એમને નિભાવવાનાં જ છે. તેઓ તો બદલાવાનાં નથી માટે તારે તારો અભિગમ, વાણી-વર્તન બદલવાં જોઈએ. શાંતિ જાળવવા તારે જ બદલાવવું પડશે.’

ફાલ્ગુનની સલાહ કૃતિકાને ના ગમી. એને તો હતું કે પતિ ઑફિસવાળાનો વાંક કાઢશે ને મારી પ્રત્યે સહાનુભૂતિ દાખવશે. મને વહાલ કરીને પ્રેમથી કહેશે કે તેઓ બધાં નકામાં છે, તને સમજી નથી શકતાં ને તને પજવે છે. પરંતુ ફાલ્ગુને તો સાવ વ્યવહારુ સલાહ આપી, એમાં લાગણીને પંપાળવાની વાત જ ન હતી. આથી કૃતિકાને લાગ્યું કે એના પતિને એના માટે પ્રેમ જ નથી. પતિ સાવ નીરસ, ઉષ્માવિહીન ને ઠંડો છે. કૃતિકાને તો તોફાની, તરવરાટવાળો ને રોમેન્ટિક પતિ જોઈતો હતો. એ તો એવું માનતી હતી કે સ્ત્રીના જીવનમાં એક વ્યક્તિનો પ્રવેશ થાય ને આખું જીવન બદલાઈ જાય છે. એને સમગ્ર વિશ્વ રંગીન લાગે, એનું હૈયું પ્રેમથી છલકાઈ ઊઠે; પણ ફાલ્ગુનના સંગે એવું કશું નથી થતું.

આધુનિક સ્ત્રી જગત અને દામ્પત્યજીવનને રંગ-રસથી ભરપૂર માને છે. એ માને છે કે લગ્નજીવનમાં રોમાન્સ સતત જળવાઈ રહેશે. એને પતિનો માત્ર સહવાસ કે પ્રેમ નથી જોઈતો, એને તો તોફાનમસ્તી, રોમાંચ જોઈએ છે. સોળ-અઢાર વર્ષની ઉંમરનાં પ્રેમીઓ જેવો મુગ્ધ પ્રેમ જોઈએ છે. સપાટી પરના દેખાય એવા ઝંઝાવાતી પ્રેમને એ સુખ માને છે. અને એ માની લીધેલા સુખની બે-પાંચ ક્ષણો પ્રાપ્ત કરવાની એષણામાં એ અનંત અજંપા ભણી દોડતી જ રહે છે. સ્થિર-ગંભીર પ્રેમ એને નીરસ લાગે છે. આટલી શિક્ષિત અને બુદ્ધિશાળી છતાં એ એના પતિને સમજી શકતી નથી. પોતાના પ્રિયજનને જે નથી સમજી શકતી અથવા સમજવા પ્રયત્ન નથી કરતી, એને શું કહેવું ? એને ગંભીર, પરિપક્વ, બુદ્ધિશાળી, ચિંતનશીલ પતિ સાથેની જિંદગીમાં મઝા નથી આવતી. એ કહે છે, ‘આ જિંદગી કહેવાય ? ના કોઈ આનંદપ્રમોદ, નહીં હરવાફરવાનું, નહીં બોલવાચાલવાનું !’ કૃતિકાને માનમોભાવાળો પતિ જોઈએ છે, મોટો પગાર લાવતો પતિ જોઈએ છે. કારણ કે એને લખલૂટ પૈસા ખરચીને મઝા કરવી છે. પોતે ભોગવિલાસ કરે છે એ લોકોને બતાવવું છે. એ ઈન્દ્રિયોનું સુખ ઈચ્છે છે.

ફાલ્ગુન માનમોભાવાળા પ્રતિષ્ઠિત પદે છે. ઊંચો પગારદાર છે પણ એની જોબ જવાબદારીવાળી છે. ત્યાં સમય નક્કી નથી હોતો. કોઈ વાર ઘેર આવતાં ઘણું મોડું થઈ જાય. વળી ઘેર પણ ઑફિસનું કામ લાવ્યો હોય, તેથી પત્નીને સંતોષ થાય એટલો સમય આપી શકતો નથી. તેથી પણ કૃતિકા કકળાટ જ કરતી હોય કે તને મારા માટે લાગણી નથી. કૃતિકા ભૌતિક સંપત્તિ ઈચ્છે છે તે હાજર છે, છતાં તે ધૂંધવાયેલી રહે છે. પતિ-પત્ની વચ્ચે વાતાવરણ ગમે ત્યારે ઉગ્ર બની જાય છે અને સંબંધની વિરૂપતા વિકરાળ થઈને દેખાય છે. પત્નીને બધાં સુખસગવડ જોઈએ છે પણ પતિને કમાવા પાછળ સમય આપવો પડે છે તે એને મંજૂર નથી. એ બબડ્યા કરે છે, ‘આખો દિવસ ઑફિસ, ઑફિસ ને ઑફિસ ! પત્નીને પૈસા ય જોઈએ ને એનો ઉપભોગ કરવા પતિની સોબતેય જોઈએ.’

એને બધું જોઈએ છે, કંઈ આપવું નથી.
આ તે કઈ જાતનો પ્રેમ ? તમે કોઈને પ્રેમ આપો તો જ પ્રેમ મળે એ સીધી વાત છે. જીવનનો ઉત્કૃષ્ટ સંબંધ એ દામ્પત્યસંબંધ છે, જ્યાં બે મટીને એક થવાની વાત છે. ત્યાંય સામી વ્યક્તિનો ઉપયોગ કરવાની વાત વિચારાય છે. કૃતિકા જેવી યુવતીઓ થોકબંધ જોવા મળે છે, જે પોતે કોઈની થતી નથી ને કોઈને પોતાના કરી શકતી નથી. જે કંઈ છોડી નથી શકતી, પતિની સદ્દભાવભરી સલાહ પર વિશ્વાસ કરી શકતી નથી. એને પોતાને જે જોઈએ છે એ માટે બેબાકળી, બ્હાવરી બની જાય છે. એ એવું માની બેઠી છે કે એની આસપાસના માણસોએ એના માટે જીવવું જોઈએ. કોઈ એની ઈચ્છા મુજબ ન કરે તો ગુસ્સો જ ગુસ્સો.

આપણા જીવનમાં મળતા પ્રત્યેક માણસનો ઉપયોગ આપણે આપણા માટે ન કરી શકીએ. માણસ એ માણસ છે. એનો ઉપયોગ આપણા સ્વાર્થ માટે, આપણે ઉપર ચડવાની નિસરણીના પગથિયા તરીકે ન કરી શકીએ. કોઈ પણ પત્ની આવી સ્વાર્થી બને ત્યારે પતિનો પ્રેમ ગુમાવી બેસે છે. ખરી રીતે તો દામ્પત્યપ્રેમ એવો હોવો જોઈએ જ્યાં કોઈ ભૌતિક ચીજવસ્તુનો અભાવ સાલે નહીં. અન્યોન્યના સાન્નિધ્ય આગળ દુનિયાનું રાજ કોઈ વિસાતમાં નથી. પતિ-પત્નીએ પ્રેમની શક્તિ પિછાણવી જોઈએ, તો જ તેઓ અસીમ સુખનો અનુભવ કરી શકે. થોડી ચિંતનશીલતા દાખવે, પ્રિયજનની ભીતર ડોકિયું કરે તો એને શાંત, ગહન પ્રેમની અનુભૂતિ થશે. અને પછી ભૌતિક ચીજવસ્તુઓની ક્ષણભંગુરતા સમજાશે. પછી સમજાશે કે મોંઘીદાટ પાર્ટીઓ, કોલાહલભર્યા ઝાકઝમાળવાળા એ માહોલમાં પ્રેમ તો ક્યાંય કચડાઈ જાય છે. ત્યાં દેખાતો પ્રકાશ માત્ર વીજળીનો છે, પવિત્ર પ્રેમનો નહીં. ત્યાં ગોળ ગોળ ફરવાનું છે પણ આનંદ નથી. ત્યાં હૃદય સંવેદનશૂન્ય બની જાય છે. બધું કૃત્રિમ અને આડંબરયુક્ત બની જાય છે.

No comments:

Post a Comment