Thursday, August 13, 2009

બાવળ ન બની જાય ! – અવંતિકા ગુણવંત

‘અમે તમારા દીકરા વિશે તમારા મોટાભાઈ ભાભીને પૂછ્યું તો એમણે કહ્યું અમારે એમની સાથે ખાસ સંબંધ નથી.’ એક સજ્જન જેમના ઘેર લગ્નયોગ્ય શિક્ષિત, સોહામણી દીકરી છે તેઓ ગગનભાઈને કહી રહ્યા છે. ગગનભાઈને એમના મોટાભાઈ સાથે જરાય અણબનાવ નથી. મન ઊંચા થાય એવી પરિસ્થિતિ એમણે કદી ઊભી થવા જ નથી દીધી. જીવનના આરંભે જ્યારે એમની ખાસ કમાણી ન હતી ત્યારે સઘળી મિલકત મોટાભાઈને સોંપીને તેમણે ઘર છોડી દીધું હતું. એમની પત્ની સૂર્યા પણ એમને અનુસરી હતી.

ગગનભાઈએ મિલકત પરથી હક ઉઠાવી લીધો હતો પણ છેક સુધી માબાપને એમણે જ સાચવ્યા હતા, કૌટુંબિક વ્યવહાર કરવામાં તેઓ પૈસા અને જાતથી ઘસાતા હતા, ચૂપચાપ પોતાની ફરજ બજાવતા હતા. તેમ છતાં મોટાભાઈએ પોતાના વિશે આવું કહ્યું તેથી ગગનભાઈ વ્યથિત થઈ ગયા. તેઓ જાણે છે કે ભાભી તો પોતાને સારા બતાવવા કાયમ ગગનભાઈ અને સૂર્યાને વગોવે છે, ના હોય ત્યાંથી ખોટી વાતો ઉપજાવી કાઢે છે. પણ ભાઈ ? ભાઈએ આવો અભિપ્રાય આપ્યો ? પચીસ વર્ષથી ઘર જુદાં છે પણ મન ? મનમાંય આટલો બધો વિરોધ ? આજ સુધી ગગનભાઈ મોટાભાઈની આમન્યા જાળવતા હતા પણ આજે એમને આઘાત લાગ્યો. સૂર્યાએ આ વાત જાણી, પણ પતિનું મુખ જોઈને એ ચૂપ રહી. પતિ સાથે આ સંદર્ભે જરાય ચર્ચા ન કરી.

ગગનભાઈ વિચારે છે, મોટાભાઈ મારાથી બાર વરસ મોટા, મિલકત બધી એમના હાથમાં સોંપી છે, સામાજિક વ્યવહાર પણ એ સંભાળે છે. હા, વ્યવહારમાં થતા ખરચાનો અડધો ભાગ યાદ કરીને લઈ લે છે, છતાં બહાર તો એમ જ કહે છે, મેં બધું કર્યું, એમનું આ જૂઠાણું મારા કાને આવે છે છતાં હું સાચી વાત શું છે એ કોઈને કહેતો નથી.
મોટાભાઈના ઘેર પ્રસંગ હોય તોય અમને આવકાર નહીં, પછી હેત અને ઉમળકાની વાત જ ક્યાં કરવાની ? અરે, સૂર્યાને તો રીતસરની બાજુએ ધકેલે. કોઈ વિધિમાં સામેલ ના કરે. સૂર્યાને આ કારણે ઓછું આવી જતું. ક્યારેક બળાપો ય કરી લેતી કે મોટાભાઈ – ભાભી સારું વર્તન કરીને સારા દેખાવને બદલે આપણને ખરાબ ચીતરીને સારા દેખાવા પ્રયત્ન કરે છે. કોઈ આપણા સૌજન્ય અને શાલીનતાના વખાણ કરે તો કંઈ કેટલીય વાતો તેઓ ઉપજાવી કાઢે છે. ગગનભાઈ પત્નીને સમજાવતાં :

‘એમની વાતો લક્ષમાં જ નહિ લેવાની.’
‘હું ય માણસ છું, એમનું વર્તન રાતદિવસ મને કોતર્યા કરે છે. મને થાય છે, એ તમારા સગા મોટાભાઈ છે, તમારા બેઉની મા એક છે, બાપ એક છે તોય કેમ આવું ઓરમાયું વર્તન ? આપણે એમની પાસેથી કોઈ ચીજવસ્તુની આશા નથી રાખતા, મારી તો એક જ અપેક્ષા છે આપણા વિશે એ ખોટું ના બોલે. એટલી તો આશા હું રાખી શકું ને ?’
‘આશા રાખ પણ આગ્રહ ના રાખ, નહિ તો તું દુ:ખી થઈશ.’
‘દુ:ખી તો હું થાઉં છું જ, હું એ બધાને મારા ગણું છું, એમના માટે ઘસારો ય હોંશે હોંશે વેઠું પણ તેઓ તો આપણને એમના ગણતા જ નથી, એટલું જ નહિ પણ આપણને સતત વગોવ્યા કરે છે અને હું વડીલ તરીકે એમની આમન્યા જાળવીને કોઈના ય મોંએ એમની જૂઠી વાતનો રદિયો નથી આપી શકતી.’

‘સૂર્યા, તારો આ વિવેક મને ગમે છે, પણ તું જીવ શું કામ બાળે છે ? તું લાગણીમાં તણાઈશ નહિ, આપણું સ્વતંત્ર ઘર છે, આપણો દીકરો ભણેલો છે પછી તું ચિંતા શું કામ કરે છે ?’
‘પણ એમની આંખમાં આપણા માટે અમી કેમ નથી ? એમનું આપણે કશુંય બગાડ્યું નથી છતાં આટલું ઝેર કેમ ?’
‘તારી જેમ હું ય વલોવાતો જ હતો, પણ અત્યારે આ ક્ષણે મારા મનમાં એક ઝબકાર થયો છે એની વાત કરું, ભાઈ-ભાભી ભલેને આપણને પોતાનાં નથી ગણતાં, પણ ભગવાન તો આપણને એના ગણે છે ને ? એ આપણી કાળજી લે છે પછી આપણે શું કામ વલોપાત કરવાનો અને દુ:ખી થવાનું ? આમાં તો આપણો સ્વભાવ બગડી જાય. આપણને આવાં સગાં આપીને ઈશ્વર આપણને કહેવા માગતો હશે કે તું ખોટી મોહમાયામાં ફસાઈશ નહિ. એમના હેતપ્રેમની અપેક્ષા રાખવામાં તું તારી ચારેબાજુ અગણિત નાનામોટાં બંધનો ઊભા કરીને તારી જાતને એમની સાથે જોડવા પ્રયત્ન કરે છે એમાં તો તું વધારે એકાકીપણું ભોગવે છે.’

‘તું ખોટી ભ્રમણા અને મિથ્યા આદર્શોમાંથી બહાર આવ. એક વાર સ્વીકારી લે કે આપણાં સગાં પિત્તળ છે, એમની સાથે હૈયાનો મેળ નથી. વરસો સુધી એ પિત્તળ સોનામાં પલટાઈ જશે એ આશા રાખી, પણ હવે હકીકતનો સ્વીકાર કરી લે કે આપણા અને એમના સૂર નહિ મળે. નરસિંહ મહેતાના જેવો ભાવ અનુભવ કે આ જંજાળમાંથી મુક્ત થવામાં ભલું જ છે, હવે મનગમતી પ્રવૃત્તિમાં મસ્ત બનીને સંપૂર્ણ આનંદસભર જિંદગી જીવીશું. હા, આપણી સરળતા અને સ્નેહભર્યો ઉદાર સ્વભાવ અકબંધ જાળવીશું. પણ મોટાભાઈ-ભાભીનો વિચાર કરીને કલેશ નહિ પામીએ, ઉદાસ નહિ થઈએ, એમના વ્યવહારથી કલુષિત થયેલા સંબંધથી આપણી જાતને મુક્ત રાખીશું, તો જ આપણું જીવન રળિયામણું બનશે. ગુલછડીનો મોહ રાખવામાં જોજે તું બાવળ ન બની જાય…’

No comments:

Post a Comment